Get The App

મોરનાં આંસુ .

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
મોરનાં આંસુ                                           . 1 - image


- સરકસ બરાબરનું જામ્યું ને અચાનક વાંદરાનું ટોળું આવ્યું. ચારેબાજુ હૂપાહૂપ ને કૂદાકૂદ! કોઇના માથે તો કોઇના ખભે! કોઇનું પાકીટ ગયું તો કોઇનાં ચશ્માં ! ચારેબાજુ હો-હા ને દેકારો ને ભાગંભાગ!

ભાલોડિયા ગીતા

સો નુ અને મોનુ નામનાં ભાઈ-બહેન. સોનું સાતમાં ધોરણમાં ભણે અને એનો ભઇલો મોનુ પાંચમાં ધોરણમાં ભણે. તેઓ ગામથી થોડે દૂર એમની વાડીમાં જ સરસ મકાનમાં રહે. વાડીથી નિશાળ લગભગ બે-અઢી કિલોમીટર દૂર થાય. ભાઈ-બહેન હવે તો મોટાં થઇ ગયાં તેથી વાડીએથી ગામની જ સરકારી શાળામાં ભણવા ચાલીને જાય. રસ્તામાં સરસ મજાની વગડો અને વૃક્ષોની હરિયાળી આવે. વગડામાં તો સરસ મજાનાં પ્રાણીઓ તથા સુંદર સુંદર પક્ષીઓ, પતંગિયા ને જીવજંતુઓ. ભઈ! સોનુ-મોનુ ને તો ખુબ મજા પડી જાય. તેઓ તો ઘરેથી વહેલાં-વહેલાં નીકળી જાય ને પ્રાણીઓ-પક્ષીઓ માટે કંઇકને કંઇક ખાવાનું લઇ જાય.

એમ કરતાં એને એક મજાના મોર અને ઢેલની સાથે ગાઢ દોસ્તી થઇ ગઈ. પછી તો એ બન્ને ભાઈ-બહેન મોર-ઢેલ માટે જુદી જુદી વસ્તુઓ ખાવા માટે લઇ આવે ને બદલામાં મોર એમને પોતાનું મોરપીચ્છ આપે. આમ કરતાં કરતાં ઘણા પીંછાં ભેગા થયાં. તેમાંથી સોનુએ સરસ મજાનુ 'વોલપીસ' બનાવી બાલમેળામાં રજૂ કર્યું. બધાને તે ખૂબ ગમ્યું. આચાર્યશ્રીએ તો તેને ઓફિસમાં લગાડયું.

સોનુ-મોનુને એક બીજું પણ નાનકડું ભાઈબંધ હતુ.ં તે હતું બુલબુલ. તે તેની વાડીમાં જ રહેતું. ભાઈ-બહેન ઘરની બહાર વડ નીચે લેસન કરવા બેસે ત્યારે બુલબુલ એમની પાસે જ બેસી રહેતું. સોનુ મોનુ દરરોજ એમને ખાવાનું આપતાં. એમ કરતાં એ પણ એનું પાક્કું ભાઈબંધ બની ગયું.

એક સોમવારે સોનુ-મોનુ નિશાળે જવા નીકળ્યાં. વગડામાં પહોંચતા જ તેઓ મોર-ઢેલને ખાવાનું આપવા જાય છે ત્યારે એક વડના ઝાડ નીચે એકલાં મોરને સુનમુન બેઠેલો જોયો. તેની આંખમાંથી બોર-બોર જેવડા આંસુ ટપકતાં જોયાં. મોરની આજુબાજુમાં પણ ઘણાં પ્રાણીઓ બેઠેલાં હતાં. આસપાસ ઘણી ખાવાની વસ્તુઓ પડી હતી. પણ કોઇએ કાંઇ ખાધું હોય તેવું લાગતું નહોતું. 

સોનુ-મોનુ એકદમ તેની પાસે દોડી ગયાં અને એકદમ જ બોલી ઉઠયા. 'અરે, મોરભાઈ! શું થયું? અને ઢેલબેન ક્યાં છે?' 

જવાબમાં મોરની આંખમાંથી માત્ર આંસુ જ સરી પડયાં! શબ્દો ન નીકળ્યાં. બીજા પ્રાણીઓ દ્વારા જાણવા મળ્યું કે ઢેલ શનિવાર સાંજની ક્યાંક ખોવાઈ ગઇ છે. અમે બધા કાલે આખો વગડો ફરી વળ્યાં પરંતુ ઢેલ ક્યાંય ન મળી. મોરભાઈએ બે દિવસથી કંઇ મોંમાં નાખ્યું નથી. 

સોનુ મોનુએ મોરને આશ્વાસન આપ્યું કે અમે તારી ઢેલને શોધી કાઢીશું, પરંતુ પહેલા તમે કંઇક ખાઈ લો. પરંતુ મોરે કંઇ ન ખાધું અને જોરજોરથી આંસુ સારવા લાગ્યો. તે રડતો રડતો બોલવા લાગ્યો, 'મારી ઢેલ ક્યાં હશે? એણે કંઇ જ ખાધુ નહીં હોય... મારા વગર તે ઝૂરી ઝૂરીને મરી જશે બિચારી...' 

સોનુ-મોનુ કહે, 'અત્યારે તો અમે નિશાળે જઇએ છીએ, પરંતુ પાછા આવીએ ત્યારે કોઇક રસ્તો વિચારીશું.'

ઢેલ ક્યાં ગઇ હશે તે વિશે ચિંતા કરતાં કરતાં ભાઈ-બહેન શાળાએ પહોંચ્યા. રીસેસમાં બીજા છોકરાઓએ વાત કરી કે ગામમાં સર્કસ આવ્યું છે. આ સર્કસમાં ઘણાં પ્રાણી-પક્ષીઓ છે.  

સોનુ કહે, 'અરે! સર્કસમાં પ્રાણી-પક્ષીઓના ખેલ બતાવવા એ ગુનો ગણાય છે, તો પછી આ...?' 

એક છોકરાએ કહ્યું, 'મારા પપ્પા કહેતા હતા કે આ સર્કસવાળા બિનકાયદેસર નાનાં-નાનાં પ્રાણી-પક્ષીઓને લાવે છે અને મોડી રાત્રે બતાવે છે. જેનાથી સર્કસમાં આકર્ષણ રહે.'

 આ સાંભળી સોનુના મનમાં ઝબકારો થયો. નક્કી આ સર્કસવાળા જ આપણી ઢેલને ઉઠાવી ગયા હશે! 

શાળા છૂટી ત્યારે મોનુને અને વગડામાં જઇ બધા પ્રાણીઓને આ વાત કરી. એમણે કહ્યું, 'અમે આજે પપ્પા સાથે સર્કસ જોવા જઇશું.'

તે રાત્રે બન્ને ભાઈ-બહેન મમ્મી-પપ્પા સાથે સર્કસ જોવા ગયાં. તેમને સર્કસ કરતા વધારે રસ ઢેલને શોધવામાં હતો. તેથી તે બે ત્રણ વાર બહાર જઇ તંબુમાં પ્રાણીઓને ક્યાં રાખ્યા છે તે જોઇ આવ્યો. અચાનક મોનુનું ધ્યાન એક પાંજરા તરફ ગયું ને તે તરત જ ઢેલને ઓળખી ગયો. ઢેલનું ધ્યાન પણ મોનુ તરફ ગયું ને તેની આંખમાંથી બોર બોર જેવડાં આંસુ નીકળી ગયા. 

મોનુએ ઇશારાથી જ સમજાવ્યું: તું ચિંતા ન કર. અમે કંઇક કરીશું.

બીજે દિવસે સવારે લેસન કરતાં કરતાં બંને એ જ વાતો કરતાં હતાં કે ઢેલને કેવી રીતે છોડાવવી. ત્યાં બુલબુલ બોલ્યું, 'મેં તમારી બન્નેની વાત સાંભળી છે. હું તમારી મદદ કરી શકું તેમ છું. જો તમે તંબુમાં ચોકી કરતા માણસને થોડીવાર માટે દૂર ખસેડી શકો તો હું મારી નાનકડી ચાંચથી પાંજરાની કડી ખોલી નાખું. ને ઢેલને બહાર કાઢી લાવું.' 

સોનુ કહે, ' આજે અમે જંગલમાં જઇ બધા પ્રાણીઓને વાત કરી કોઇક યુક્તિ વિચારીએ.' એમ કહી જલદી જલદી શાળાએ જવા ઉપડયાં. 

વગડામાં જઇ બધાં પ્રાણીઓને વાત કરી ત્યાં તો હૂપાહૂપ કરતાં વાંદરાઓ કૂદી આવ્યા. એ કહે, 'અમે તમારી બધી વાત સાંભળી છે. આ તો અમારું ગમતું કામ! ચોકીદાર તો શું, આખા સર્કસને હેરાન કરી નાખીશું. તમે બુલબુલને લઇને આવો ફરીથી સર્કસમાં... ને જુઓ અમારી ધમાલની કમાલ!' 

સોનુ-મોનુ કહે, 'તો અમે આજે ફરીથી જઇએ સર્કસ જોવા. પપ્પાને જરા મનાવવા પડશે.' 

મોનું કહે,' એ મારું કામ.'

તે રાત્રે ફરીથી સોનુ મોનુ સરકસ જોવા ગયાં. સાથે પાંખ ફફડાવી બુલબુલ પણ ઉપડયું જંગે ચડવા. સરકસ બરાબરનું જામ્યું ને અચાનક વાંદરાનું ટોળું આવ્યું. ચારેબાજુ હૂપાહૂપને કૂદાકૂદ! કોઇના માથે તો કોઇના ખભે! કોઇનું પાકીટ ગયું તો કોઇનાં ચશ્માં ! ચારેબાજુ હો-હા ને દેકારો ને ભાગંભાગ! સરકસના માણસો લાકડીઓ લઇને વાંદરાઓને કાઢવા મચી પડયા પણ એમ તે કંઇ હાથમાં આવે? ચારેબાજુ ધમાલ મચી ગઈ. 

આ તરફ લાગ જોઇને બુલબુલે પાંજરું ખોલી નાખ્યું. ઢેલ તો એકદમ ભાગી જ નીકળી. સોનુ મોનુ રાહ જોઇને જ ઊભા હતાં. ધમાલ દરમિયાન એણે પપ્પાને વાત કરી દીધી હતી તેથી તેણે પણ ઢેલને બચાવવા મદદ કરી. 

ત્રણે જણ ઢેલને લઇ વગડામાં ગયાં. ઢેલને જોઇ મોર તો રાજીના રેડ થઇ ગયો. આંખમાંથી ખુશીના આંસુ સરી પડયાં. ખુશ થઇ બન્ને કળા કરીને નાચવા લાગ્યાં. 

બધા પ્રાણીઓએ બંનેને ખૂબ ખવડાવ્યું. સોનુ-મોનુ અને બુલબુલનો આભાર માનવા બધાં પ્રાણીઓએ જુદા જુદા સુરમાં ગીતો ગાયા અને ખૂબ નાચ્યાં.

બીજા દિવસે સોનુના પપ્પાએ પોલીસમાં જાણ કરી સર્કસમાંથી બાકીના પ્રાણીઓને પણ છોડાવ્યાં.

આમ, સોનુ-મોનુની સમય સૂચકતાથી ઢેલ તો છૂટી, પણ સાથે બીજા પ્રાણી-પક્ષીઓનો પણ છૂટકારો થયો. 


Google NewsGoogle News