રાજસ્થાનનું નજરાણું : હવામહેલ
રા જસ્થાનના જોવા લાયક સ્થળોમાં જયપુરનો હવામહેલ અનોખો છે. ઈ.સ. ૧૭૯૯માં મહારાજા સવાઈ પ્રતાપસિંહે બંધાવેલ. આ મહેલનો આકાર શ્રીકૃષ્ણ ભગવાનના મુગટ જેવો છે. હવા મહેલમાં રહેવાની કોઈ સગવડ નથી. નગરના મુખ્ય રસ્તા પર બનેલા આ મહેલમાં માત્ર ઝરૂખા છે. ૯૬૩ ઝરૂખા વાળો આ મહેલ રાણીઓને ઝરૂખામાં બેસી નગરયાત્રા જોવા માટે બંધાયેલો. પાંચ માળનો આ મહેલ ગુલાબી પથ્થરોથી બનેલો છે. દરેક બાલ્કનીમાં તાજી હવા મળી રહે તેવી તેની વિશિષ્ટ રચના હોવાથી તેને હવા મહેલ નામ અપાયું. આ મહેલનું પ્રવેશદ્વાર પાછળના ભાગે છે મહેલના પાંચમા માળેથી મુખ્ય મહેલ તેમજ વિખ્યાત જંતરમંતરના સુંદર દૃશ્યો જોવા મળે છે. જયપુર જતા પ્રવાસીઓ માટે હવા મહેલ આકર્ષણનું કેન્દ્ર છે.