આપણા સ્વાતંત્ર્ય નાયકો : સેવા સિંહ
- ...અને માની ન શકાય એમ નાટયાત્મક ઢબે સેવા સિંહે હોપકિન્સન પર ગોળી છોડી દીધી!
સેવા સિંહ પંજાબના વતની હતા. (જન્મ : ૧૮૮૬.) નોકરી ધંધા માટે તેઓ કેનેડા ગયેલા. એ વખતે અનેક પંજાબીઓ રોજીરોટી રળવા કેનેડામાં સ્થાયી થયેલા. પરંતુ વતન છોડયા પછીયે તેમનો વતન પ્રત્યેનો પ્રેમ સહેજ પણ ઓછો થયો નહોતો. દૂર રહ્યે પણ તેઓ માતૃભૂમિની મુક્તિ માટે પ્રયત્નશીલ હતા. તેમની આ ભારતભક્તિથી કેનેડાવાસીઓ ઈર્ષાની આગમાં સળગી રહ્યા હતા. ખાસ કરીને ત્યાંના અધિકારીઓ. એમાંય ઈમિગ્રેશન અધિકારી હોપકિન્સને તો ભારતીયો કાંટાની જેમ ખૂંચતા હતા. દેશદ્રોહી બેલસિંહની મદદથી તેણે બે ભારતીયો ભાઈ ભાગસિંહ અને ભાઈ વતનસિંહની હત્યા કરાવી નાખી. આ નિર્મમ હત્યાકાંડથી ભારતીયો હચમચી ગયા. સેવા સિંહે દેશબંધુઓના મોતનો બદલો લેવાના સોગંદ ખાધા. બદલાનું ભૂત એમનાં મન પર એવું તો સવાર થઈ ગયું કે તેઓ કોઈ કામમાં મન પરોવી શક્યા નહીં. પરંતુ હોપકિન્સનને મારવો એમ સહેલો નહોતો. સેવા સિંહે બુદ્ધિ દોડાવી એક યુક્તિ ઘડી કાઢી. હોપકિન્સન હજુ બલવંતસિંહને મારવા માગતો હતો. આ સિવાય ભાગ સિંહ અને વતન સિંહની હત્યામાં નિર્દોષ સાબિત થવા એને કોઈ ભારતીય સાક્ષીની જરૂર હતી. આ બંને બાબતે મદદરૂપ થવાનું કહી સેવા સિંહે તેની સાથે મિત્રતા કેળવી. હોપકિન્સને તેને બલવંત સિંહની હત્યા માટે એક રિવોલ્વર આપી. રિવોલ્વર આપતા કહ્યું, 'કામ પતી જાય એટલે મને તરત પાાછી આપી દેજે.'
થોડા દિવસ પછી અદાલતમાં પેલા હત્યાકાંડના કેસની કામગીરી ચાલુ થઈ. સાક્ષી માટે સેવા સિંહને બોલાવવામાં આવ્યા. હોપકિન્સન પણ ત્યાં હાજર હતો. જજે સેવાસિંહને પૂછયું : 'જે દિવસે ગુરૂદ્વારામાં વતનસિંહની હત્યા થઈ તે દિવસે તમે ઘટનાસ્થળ પર હાજર હતા?' જવાબમાં સેવા સિંહે કહ્યું, 'હા.' જજે બીજો પ્રશ્ન કર્યો, 'હત્યા કેવી રીતે કરવામાં આવેલી?' આ પ્રશ્નના જવાબમાં સેવાસિંહે ધીમેથી કોઈને ખબર ન પડે એમ પોતાના ખિસ્સામાંથી પિસ્તોલ કાઢીને હોપકિન્સન સામે નિશાન તાકી કહ્યું, 'આવી રીતે.'
...અને માની ન શકાય એમ નાટયાત્મક ઢબે સેવા સિંહે હોપકિન્સન પર ગોળી છોડી દીધી!
તરફડિયા મારતાં હોપકિન્સન સામે પિસ્તોલ ફેંકતાં તેમણે આગળ કહ્યું : 'લે, આ તારી પિસ્તોલ પાછી.' સેવા સિંહે કશું કરવાનું નહોતું. સામે ચાલીને ધરપકડ વહોરી લીધી. અદાલતમાં બધાં સ્તબ્ધ થઈ ગયા. આ સ્તબ્ધતાનું કારણ ભય કરતાંય આશ્ચર્ય વધારે હતું. એક ભારતીય આટલો ભેજાબાજ !
કેનેડાની ધરતી પર જ સેવાસિંહને ફાંસી આપવામાં આવી. તેમની અંતિમયાત્રામાં દેશવાસીઓની સાથે અનેક કેનેડાવાસીઓ પણ જોડાયા.
- જિતેન્દ્ર પટેલ