આપના સ્વાતંત્ર્ય નાયકો : માસ્ટર સૂર્યસેન
- સૂર્યસેને અંગ્રેજ સરકાર સમક્ષ ઘોષણા કરી. 'હું સૂર્યસેન... ભારતીય સ્વાતંત્ર્યસેના ચટગાંવથી જાહેર કરું છું કે હવે અહીં યુનિયન જેકને બદલે સ્વતંત્રનો ધ્વજ ફરકશે. વંદેમાતરમ્ અમારું રાષ્ટ્રગીત રહેશે.'
'કરો યા મરો નહીં, કરો અને મરો.' આ સૂત્ર હતું માસ્ટરદા સૂર્યસેનનું. (જન્મઃ ૧૮૯૪, મૃત્યુઃ ૧૯૩૪.) બંગાળના ચટગાંવના તેઓ વતની. નેશનલ હાઈસ્કૂલમાંથી શિક્ષકની નોકરી છોડીને વિદ્યાર્થીઓને પુસ્તકિયું જ્ઞાાન આપવાને બદલે શસ્ત્રોનું જ્ઞાાન આપીને ક્રાંતિકારીઓ બનાવવાનું પસંદ કર્યું. દક્ષિણેશ્વરમાં બોમ્બ બનાવવાનું કારખાનું શરૂ કર્યું. સમય જતાં પોલીસને તેની ગંધ આવી ગઈ. છાપો મારવામાં આવ્યો ત્યારે કેટલાય ક્રાંતિકારીઓ પકડાઈ ગયા. માસ્ટરદા પોલીસને હાથ ન આવ્યા.
૧૯૨૮માં કોલકાતા ખાતે કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળ સાત હજાર સૈનિકોનું સરઘસ નીકળ્યું. તેમાં માસ્ટરદા પણ હતા. તેમાંથી પ્રેરણા લઈને તેમણે ઇન્ડિયન રિપબ્લિકન આર્મીની સ્થાપના કરી. જોતજોતામાં તેના સભ્યોની સંખ્યા પાંચસોથી વધી ગઈ. સેનાના આદર્શ હતા - સંગઠન, સાહસ અને બલિદાન.
૧૮ એપ્રિલ ૧૯૩૦નાં રોજ તેમણે અંગ્રેજ સરકાર સમક્ષ ઘોષણા કરી. 'હું સૂર્યસેન... ભારતીય સ્વાતંત્ર્યસેના ચટગાંવથી જાહેર કરું છું કે હવે અહીં યુનિયન જેકને બદલે સ્વતંત્રનો ધ્વજ ફરકશે. વંદેમાતરમ્ અમારું રાષ્ટ્રગીત રહેશે.'
આ સાથે જ તેમની ક્રાંતિકારી સેનાએ ચટગાંવનાં પહાડી વિસ્તારમાં આવેલા શસ્ત્રાગાર પર હુમલો કર્યો. ભીષણ સંગ્રામ ખેલાયો. ૧૨ ક્રાંતિકારીઓ સામે ૮૩ પોલીસના લોકો મરાયા. શસ્ત્રાગાર લૂંટીને સૌ નાઠા. માસ્ટરદાને શોધવા પોલીસે પોતાની સઘળી તાકાત કામે લગાડી. એક દિવસ પ્રીતિલતા વાદેદારને ત્યાંથી માસ્ટરદા પોલીસથી ઘેરાયા. સામસામો ગોળીબાર થયો. ક્રાંતિકારીઓ અપૂર્વ સેન અને નિર્મલ સેન મરાયા. માસ્ટરદા અને પ્રીતિલતા નાસી છૂટવામાં સફળ રહ્યાં. ક્રાંતિકારીઓના મોતનો બદલો લેવા થોડા દિવસ પછી પ્રીતિલતાએ યુરોપિયન કલબ પર બોમ્બમારો કર્યો. તેની પાછળ પ્રેરણા માસ્ટરદાની હતી.
૧૬ ફેબુ્રઆરી, ૧૯૩૨ના રોજ માસ્ટરદા ગોઈરાલા ગામે ક્રાંતિકારીઓની ખબર પૂછવા ગયા. ત્યાંના ગદ્દાર જમીનદારે પોલીસ થાણે જાણ કરી દેતાં ક્રાંતિકારીઓનું મકાન પોલીસથી ઘેરાઈ ગયું. માસ્ટરદા આ વખતે છટકી ન શક્યા. ધરપકડ કરીને તેમના પર કેસ ચલાવવામાં આવ્યો. ચુકાદાની એમને ખબર જ હતી. ફાંસીના માચડે લઈ જવાતી વખતે તેમણે વંદેમાતરમ્ના જયઘોષથી જેલ ગજવી મૂકી. ઢોરમાર મારવામાં આવ્યો તોયે એમણે જયઘોષ બંધ ન કર્યો.
ફાંસી અપાયા પછી એમનું શબ ન તો એમનાં સ્વજનોને આપવાનું આવ્યું કે ન તો તેના જેલમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. બ્રિટિશ જહાજમાં લઈ જઈને તેને ખાડીના સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યું.
- જિતેન્દ્ર પટેલ