આપણા સ્વાતંત્ર્ય નાયકો : લાલા લજપતરાય
- દેશને આઝાદી આપવી કે નહિ એ નક્કી કરવા અંગ્રેજ સરકારે એક કમિશન રચ્યું. સાયમન તેનો વડો હતો. લાલાજીએ તેનો જોરદાર વિરોધ કર્યો. અમને આઝાદી આપવી કે નહિ એ નક્કી કરનારા વિદેશીઓ કોણ?
'પંજાબ કેસરી'ના નામથી પ્રસિદ્ધ લાલા લજપતરાય લુધિયાણા જિલ્લાના જગરાંવના વતની હતા (જન્મ: ૨૮-૧-૧૮૬૫). અંગ્રેજો સાથે કોંગ્રેસની 'ભીક્ષાં દેહી'ની નીતિની બદલે 'યુદ્ધં દેહી'નું રણશિંગુ સર્વપ્રથમ તેમણે ફૂંકેલું. ભલે તેમણે ક્યારેય શસ્ત્ર પકડયું ન હોય. પરંતુ સશસ્ત્ર ક્રાંતિકારીઓની મોટી સેના તૈયાર કરતા ગયેલા. ઓગણીસ વર્ષની વયે તેમણે લાહોરમાં દયાનંદ એંગ્લો વેદિક કોલેજ સ્થાપી. ગરીબોને આર્થિક મદદ કરવા પંજાબ નેશનલ બેંક શરૃ કરી. આર્ય સમાજના સંપર્કમાં આવતા રાષ્ટ્રવાદના રંગે રંગાયા. દુષ્કાળ વખતે અંગ્રેજ સરકારે ખેડુતો પ્રત્યે અમાનવીય વલણ દાખવ્યું તેના વિરૃદ્ધમાં દેખાવ કરીને બર્માની માંડલેની જેલમાં ગયા. સરકાર સામે જનતાનો આક્રોશ એટલી હદે ફાટી નીકળ્યો કે છ મહિનામાં તેમને છોડી મુકવા પડયા. બ્રિટનના લોકોને ભારતીયોની સાચી પરિસ્થિતિ સમજાવવા બ્રિટન ગયા. આ અરસામાં જ પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. સ્વદેશ પાછા ફરવાના દ્વાર સરકારે તેમના માટે બંધ કરી દીધા.
વિશ્વયુદ્ધ પુરું થયું ત્યારે છ વર્ષ બાદ તેઓ સ્વદેશ પરત થયા. એ જ વર્ષે કોલકાતા ખાતે કોંગ્રેસનું અધિવેશન મળ્યું તેમાં તેમને પ્રમુખનો તાજ પહેરાવવામાં આવ્યો. અસહકારની ચળવળમાં ઝુકાવીને ફરી જેલમાં ગયા. પરંતુ કોંગ્રેસમાં તેઓ વધારે સમય ન રહી શક્યા. ચૌરીચૌરા હત્યાકાંડના વિરૃદ્ધમાં ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લેતાં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો. થોડા સમય મોતીલાલ નહેરૃની સ્વરાજ પાર્ટીમાં જોડાયા. ત્યાંયે એમનો મોહભંગ થયો. હિન્દુ સંગઠનનું કામ ઉપાડયું. મુસ્લિમ બની ગયેલા બાપનાં આ દીકરામાં એટલી હદે પ્રતિક્રિયા આવી કે હિન્દુ મહાસભાના તેઓ પ્રમુખ બન્યા. બુદ્ધિ ચળવળને પણ પ્રોત્સાહન આપ્યું. જેલવાસ દરમિયાન શિવાજીનું જીવન ચરિત્ર લખ્યું.
દરમિયાન દેશને આઝાદી આપવી કે નહિ એ નક્કી કરવા અંગ્રેજ સરકારે એક કમિશન રચ્યું. આ કમિશનના સાતે સાત સભ્યો અંગ્રેજો હતા. સાયમન તેનો વડો હતો. લાલાજીએ તેનો જોરદાર વિરોધ કર્યો. અમને આઝાદી આપવી કે નહિ એ નક્કી કરનારા વિદેશીઓ કોણ ? તેમની આગેવાની હેઠળ લાહોરના રેલવે સ્ટેશન સાયમનના આગમનનો વિરોધ કરવામાં આવ્યું. પરિણામની ખબર હતી, છતાં તેઓ પાછા ન પડયા. ધડાધડ લાઠીઓ માથે ઝિંકાઈ. શરીર લોહીલુહાણ થઈ ગયું. આ દમનના વિરોધમાં એ દિવસે સાંજે સભા મળી તેમાં તેમણે કહ્યું. 'ંમારા શરીર પર જે ઘા પડયા છે તે બ્રિટિશ સામ્રાજ્યના કફનનો એક એક ખીલો પુરવાર થશે.' એવું જ થયું. આ ઘટનાના થોડાક દિવસ બાદ જ ક્રાંતિકારીઓએ એમના હત્યારા સાન્ડર્સને ઠાર કરીને મોતનો બદલો લીધો.
- જિતેન્દ્ર પટેલ