આપણા સ્વાતંત્ર્ય નાયકો : અશફાક ઉલ્લાખાન
- કોઈએ કહ્યું કે કાકોરી રેલધાડનો કેસ લખનઉની અદાલતમાં ચાલે છે. એ લખનઉ આવી પહોંચ્યો. વેશ છુપાવીને અદાલતમાં પ્રેક્ષકો વચ્ચે કાકોરી કેસ લડાતો જોવાનું હિંમતભર્યું પગલું ભર્યું
'અંગ્રેજો જશે તો આ દેશમાં હિન્દુઓની હકૂમત આવશે. મુસ્લિમોને શું ફાયદો?' કટ્ટરવાદી મુસ્લિમોના આવા દુષ્પ્રચાર છતાં આ મુસ્લિમ યુવક સ્વતંત્રતાના આંદોલનમાં કૂદી પડયા. ઉત્તર પ્રદેશનું શાહજહાંપુર એનું વતન શાળામાં શિક્ષકે 'વિશ્વના દેશભક્તો' પુસ્તક વાંચવા આપ્યું તેનાથી પ્રભાવિત થઈને કિશોર અશફાક ઉલ્લાખાન (જન્મ: ૧૯૦૦, મૃત્યુ: ૧૯૨૭) ક્રાંતિકારી બનવાનો મનસૂબો ઘડવા માંડયો. પરંતુ ક્રાંતિકારી બનવું કઈ રીતે?
અશફાક સતત આ બાબતે વિચારતો રહ્યો. એકાએક એના મનમાં રામપ્રસાદ બિસ્મિલનું નામ ઝબકી ગયું. શાહજહાંપુરમાં રામપ્રસાદ બિસ્લિમનું નામ ક્રાંતિકારી તરીકે જાણીતું હતું. અશફાક તેને મળવા દોડી ગયો. પરંતુ રામપ્રસાદે તેને મુસ્લિમ જાણી બહુ ધ્યાન ન આપ્યું. અશફાક થોડો હતાશ થયો. પરંતુ આશા સાવ ખોઈ ન દીધી. થોડા દિવસ પછી ફરીથી એ રામપ્રસાદને મળ્યા. રામપ્રસાદને તેનો જુસ્સો સ્પર્શી ગયો. એની દેશભક્તિ અંગે હવે કાંઈ શંકા કરવા જેવું નહોતું. પછી તો બન્ને પાક્કા મિત્રો બની ગયા.
રામપ્રસાદ જેના નેતા હતા એ 'હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘ'નો અશફાક સક્રિય સભ્ય બની ગયો. અશફાકના 'હિન્દુસ્તાન પ્રજાતંત્ર સંઘ'માં જોડાવાથી દળની ગતિમાં વેગ આવ્યો. દળની પ્રત્યેક આજ્ઞાા અશફાકને માન્ય રહેતી. નાણાની ખેંચ ઊભી થતાં રામપ્રસાદે સરકારી ખજાનો લૂંટવાનું સૂચન કર્યું ત્યારે શરૂઆતમાં અશફાકે તેનો વિરોધ કર્યો, કેમ કે તેના ગંભીર પરિણામની એને કલ્પના હતી. પરંતુ દળના બહુમતી સભ્યોનો ઠરાવ સ્વીકારી પરિણામની ખબર હોવા છતાં કાકોરી રેલધાડમાં એ અગ્રેસર રહ્યો. હથોડાના ઘા મારીને રૂપિયાની પેટી તેના થકી જ તોડવામાં આવી.
અશફાકની ચેતવણી સાચી ઠરી. સરકારે ક્રાંતિકારીઓની વીણી વીણીને ધરપકડ કરવા માંડી. અશફાક બિહાર ભણી નાઠો. સરકારને હાથ ન લાગ્યો તે ન જ લાગ્યો. સરકારે તેની બાતમી આપનારને ઈનામ આપવાની જાહેરાત કરી. અશફાક જ્યાં ત્યાં નોકરી કરતો જીવન ગુજારતો રહ્યો. ત્યાં કોઈએ કહ્યું કે કાકોરી રેલધાડનો કેસ લખનઉની અદાલતમાં ચાલે છે. એ લખનઉ આવી પહોંચ્યો. વેશ છુપાવીને અદાલતમાં પ્રેક્ષકો વચ્ચે કાકોરી કેસ લડાતો જોવાનું હિંમતભર્યું પગલું ભર્યું. તેમાં તો એ ન પકડાયો, પણ એક મિત્ર પરના વિશ્વાસે એ હોટલમાંથી ભર ઊંઘમાં પોલીસના હાથે ઝડપાયો. ઈનામની લાલચે સયૈદ હબીબ નામના અશફાકના મિત્રે વિશ્વાસઘાત કરી તેના રહેઠાણ અંગે પોલીસને બાતમી આપી દીધેલી. લખનઉની અદાલતમાં અશફાક પર કેસ ચલાવવામાં આવ્યો. જુદી જુદી પાંચ કલમો લગાડી તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી. ફૈજાબાદની જેલમાં સત્તાવીસ વર્ષનો આ યુવાન હસતે મોઢે ફાંસીના માંચડે ચડી ગયો.
- જિતેન્દ્ર પટેલ