ઓરિયોન અને ડોલ્ફીન .
- ગ્રીક ભાષાની અચંબિત પુરાણકથા કવિ ભીના દેહે ભીનું વાજિંત્ર વગાડવા લાગ્યો. પાણીમાં ભીજાયું હોવા છતાં વાજિંત્ર બેસૂર બન્યું ન હતું.
- એક તો દરિયાનાં મોજાંઓને લઈને જહાજ ડોલતું ઊછળતું હતું તેમાં ફેંકાફેંકીની, દોડાદોડીની, મારામારીની લડાઈ શરૂ થઈ.
તું જશે પછી અહીં મારા ગુણગાન કોણ ગાશે?
આ તે કેવો યોગાનુયોગ નીકળ્યો કે માછલી સાથે જ દરિયો ઊછળ્યો
સા ગર ભેગા થાય તો મહાસાગર બને. મહાસાગર ભેગા થાય તો મહામહાસાગર બને. આવા મહાસાગરના મહાસાગરની વચમાં એક ટાપુ. નામ કોરીન્થ. ભારે સમૃધ્ધ. ધનધાન્યથી ભર્યું ભર્યું. વિકાસની જાહેરાત નહીં. સાચે સાચી વિકસિત હતી ટાપુની ભૂમિ.
વિકાસ તો એવો થયેલો કે ખેતીથી માંડીને વેપાર સુધી, શિક્ષણથી માંડીને સંસ્કાર સુધી, જ્ઞાાનથી માંડીને વિજ્ઞાાન સુધી, બોધથી માંડીને શોધ સુધી. અને સંગીતના સૂરો માટે તો તે સાક્ષાત સ્વર્ગ જ સાંભળી લો.
સંગીતકારો નવા નવા રાગરાગણી, સૂર સૂરાવલીઓ શોધ્યા જ કરે. ગાનારા અને વગાડનારા એક એકથી ચઢિયાતા.
એ બધામાં કવિ ઓરિયોનનું નામ સહુથી શિખર પર. ઓરિયોને શોધ્યું હતું નવલું વાજિંત્ર : લાયર (ન્અિી). હાથમાં લઈને વગાડાય, નાટયગૃહમાં ગોઠવીને ય વગાડી શખાય. એ હતું તાસ્યંત્ર તંતૂવાધ. ૯ તારથી ૨૯ તાર સુધી તેની રચના થઈ શકે. ઓરિયોને પોતાના હાથમાં રાખવા માટે એકદમ આકર્ષક સુશોભિત, રળિયામણું વાજિંત્ર બનાવેલું. તેને સાંભળવા આખી કોરીન્થ નગરી ભેગી થાય. કોરીન્થનો રાજા તો આ વાજિંત્રનો આ કળાકારનો ભારે પ્રશંસક.
કોરીન્થના રાજાને કોરીન્થની, પોતાની, પ્રશંસા સ્તુતિ બહુ જ ગમે. તેણે ઓરિયોનને પોતાના પ્રચારક તરીકે જ નીમી દીધો હતો. રાજાએ કલાકારને વિનંતી કરી હતી કે બસ, તારે કોરીન્થની કોરીન્થના વિકાસની, પ્રગતિની યશોગાથા જ લલકાર્યા કરવી. ઓરિયોન કવિ તેમજ કરતો. તે કોરીન્થના રાજાની, રાજધાનીની, રાજભૂમિની કવિતાઓ જોડયા કરતો. રાગ-રાગિણીમાં સંગીતબદ્ધ કરીને રાજાના માનપાન વધાર્યા કરતો.
આ મહાસાગરમાં એક બીજો તેવો જ ટાપુ હતો સિસિલી. સિસિલીએ સંગીત, સંગીતનાં વાદ્યો, સૂર સૂરાવલિ, ગાન-તાન- વાદનની વિશ્વ સ્પર્ધા રાખી હતી.
ઓરિયોન જવા તૈયાર થયો.
રાજા કહે : 'તું જશે પછી અહીં મારા અમારા ગુણગાન કોણ ગાશે? ના તારે જવાનું નથી.'
ઓરિયોન કહે : 'રાજાજી, હું ત્યાં જઈ તમારા જ ગુણગાન ગાઈશ. આપણી ભૂમિની જ જાહોજલાલીનાં વર્ણન કરીશ. દુનિયા ભરમાં આપની જ ખ્યાતિ ફેલાવી દઈશ.'
રાજાએ મહામહેનતે પરવાનગી આપી.
રાજ્યના સહુથી મજબૂત જહાજમાં તેની સફરયાત્રા ગોઠવી આપી.
અદ્દભુત જહાજ હતું. સિસિલીના પ્રજાજનો અને આમંત્રિત સંગીત સ્પર્ધકોએ જહાજને જોઈ જ રહ્યા. એ જહાજનાં કાવ્યગીતો રચવા લાગ્યા.
પણ જ્યારે કવિ ગાયક સંગીતકાર ઓરિયોને પોતાના વાજિંત્ર પર કોરીન્થની કાંચન ભૂમિની સૂરીલી રચનાઓ સંભળાવી ત્યારે વિશ્વ ગાયકી સ્તબ્ધ રહી ગઈ. ઓરિયોને લાયર પર સંગીત બધ્ધ કરીને કોરીન્થની એવી તો જાહોજલાલી રણઝણાવી કે કોરીન્થની વાહવાહ થઈ રહી.
સ્પર્ધામાં કવિ-ગાયક ઓરિયોને શ્રેષ્ઠ સંગીતકાર સાબિત થયો. તેને મળેલા માનપાન ચાંદ સુવર્ણ સિક્કાઓ ધનરાશિ, ભેટ સોગાદોનો તો પાર નહીં.
સિસિલીના શાહે તેને ત્યાં જ રોકાઈ જવાનું કહ્યું. રોકાય તેટલું ઓરિયોન રોક્યો. પછી રજા માગી.
પોતાના જહાજને વધુ ઝળહળાવી તે સ્વભૂમિ જવા નીકળ્યો. જહાજના તૂતક પર બેસીને બસ રાષ્ટ્રગીતો ના રાગ જ આલાપતો રહ્યો. તલ્લીન થઈ ગયો.
જહાજના ખારવાઓ ઈર્ષાથી ધૂંઆધાર થઈ ગયા. લૂંટી લીધું બધું જ. પાછળથી માર્યો ધક્કો. ઓરિયોન જઈને મધદરિયે ડૂબાડૂબ થવા લાગ્યો. જહાજ ચાલી ગયું. ઓરિયોન બુડબુડી ગયો? ના રે, કોઈકે હળવેથી તેને ઊંચકી લીધો, આરામ દાયક પીઠ પર બેસાડી દીધો. દરિયાઈ પ્રવાસ આગળ વધ્યો. તેને બચાવનાર દરિયાની મહારાણી ભલી ડોલ્ફીન હતી.
એક સમયે આ ડોલ્ફીન સ્વર્ગની નર્તકી હતી. ત્યારે નામ તેનું ડેલ્ફી હતું.
આપણે ત્યાં જેમ રંભા, મેનકા, તારિકા, સારિકા જેવા નામ હોય છે તેમજ ગ્રીક સ્વર્ગમાં આલ્ફા, મેરિલિન, લીના, ડેલ્ફી જેવી કંઈક નર્તકીઓ હતી. દેવી-દેવતાઓનું મનોરંજન કરતી રહે. એ બધામાં ડેલ્ફી સહુથી ચઢિયાતી, રૂપાળી, ઉમદામાં ઉમદા નર્તકી.
બીજી નૃત્યાંગનાઓ તેની ઈર્ષા કરે. દેવો બધા ડેલ્ફીથી આકર્ષાયેલા રહે. એથી સ્વર્ગમાં ઈર્ષા, વિવાદ, ઝગડાઓ થતા જ રહે.
દેવતા એપોલોએ ડેલ્ફીને સજા કરી. તેમણે કહ્યું : 'ડેલ્ફી, જા. તું પૃથ્વી પર મહાસાગરમાં મત્સ્યરૂપે વિહાર કર. તારા બધા નૃત્યના શોખ પૂરા કર. દરિયાઈ લોકોનું મનોરંજન કર.'
સ્વર્ગની એ રૂપાળી ડેલ્ફી જ પૃથ્વીના સાગરોમાં ડોલ્ફીન થઈને અવતરી. તે ભલે માછલી બની પણ સ્વર્ગમાં હતી તેવી જ રૂપાળી, દયાળુ, મનોરંજક, વિહારિકા, નિહારિકા તે જ રાતે વિહાર કરવા લાગી. તે જળની જળપરી બની રહી. એવી આનંદી વિનોદી, ખુશખુશાલ, ઉપકારક બની કે દરિયો અને દરિયાનાં જીવો, પ્રવાસીઓ ખુશ થઈ ગયા. એજ ડોલ્ફીને ઓરિયોનને ઝીલી લીધો. જાણે કંઈ બન્યું જ નથી. અકસ્માત આશીર્વાદમાં ફેરવાઈ ગયો. ઓરિયોન ડોલ્ફીનથી અને ડોલ્ફીન ઓરિઓનથી ખુશ રહેવા લાગી. ઓરિયોન ઊછળતાં મોજાં ઉપર મોજ કરતો પ્રવાસ કરતો રહ્યો.
કવિ ઓરિયોનના ખજાના સાથે જહાજ જુદું તરી ગયું. ગતિ જુદી, માર્ગ જુદો, વિહાર જુદો, વળાંક જુદા, લહેર જુદી, બધું જ જુદું જહાજ અને ડોલ્ફીન જુદા પડી ગયા.
અચાનક કપ્તાનની નજર પડી : 'ગાયક ક્યાં છે? સંગીતકાર કેમ દેખાતા નથી? અત્યાર સુધી તો તૂતક પર વાજિંત્ર લઈને મધુર ગાન-તાન લલકારતા હતા. કેમ બંધ થઈ ગયા?'
કપ્તાને ખારવા ખલાસીઓને પૂછ્યું : 'કવિ કેમ દેખાતા નથી?'
ખજાનાચોરોએ અજાણ્યા બનવાનો દેખાવ કર્યો, પણ ચોર બધું છુપાવી શકે છે, પોતાના ચહેરા પરની ચોરીની છાપ છુપાવી શકતો નથી. તેમાં તૂતક ઉપરથી ગાયક-કવિનું એક પગરખું મળી આવ્યું.
કપ્તાનને વાત જાણતા વાર લાગી નહીં. આ બાજુ ચોરો જ આક્રમણ કરવા લાગ્યા. એમને થયું કે કપ્તાનને જ પૂરો કરો. જહાજ લઈને ભાગી છૂટો.
પણ કપ્તાન સાવધ હતો. જેવા ચોર લોકોએ હુમલો કર્યો કે કપ્તાને બાજી સંભાળી લીધી. જોતજોતામાં જહાજ યુદ્ધભૂમિનું મેદાન બની ગયું.
એક તો દરિયાનાં મોજાંઓને લઈને જહાજ ડોલતું ઊછળતું હતું તેમાં ફેંકાફેંકીની, દોડાદોડીની, મારામારીની આ લડાઈ શરૂ થઈ.
જહાજ બેકાબુ બની ગયું, પણ કપ્તાન પોતેય લડાયક હતો. તેના બીજા સાથીઓ મદદે આવ્યા. બંન્ને ચોરને મુશ્કેટાટ બાંધી દીધા. નાખ્યા ખૂણામાં.
જહાજ બચી ગયું. ખજાનો બચી ગયો. જહાજ પોતાને રસ્તે કોરીન્થ બંદર તરફ ચાલવા લાગ્યું.
જહાજ પહેલુ કોરીન્થ પહોંચે કે ડોલ્ફીન?
ડોલ્ફીન માનવીની ભાષા બોલી શકતી ન હતી, પણ તેમની પાસે તેમની ભાષા હતી. ગાયક-કવિએ પણ બોલવાનો પ્રયાસ કર્યો : 'મારું... મારું... વાજિંત્ર...!'
ઈશારતથી તેણે ડોલ્ફીનને સમજાવ્યું, મારું વાજિંત્ર પાણીમાં?
જે ડોલ્ફીને ઓરિયોનને બચાવ્યો હતો, તેણે પોતાની વાણીમાં બીજી ડોલ્ફીનને કહ્યું : 'દરિયામાંથી મધૂર ગાયકનું મધુર વાજિંત્ર લાવી દે.'
કેટલીક બીજી ડોલ્ફીને ગ-ડ-ક કરતી પાણીમાં ડૂબકી મારી.
વાજિંત્ર લઈને ઉપર આવી.
ઓરિયોનને તેનું હાથ-વાજિંત્ર આપી દીધું.
કવિ એટલો રાજી થઈ ગયો કે ભીના દેહે ભીનું વાજિંત્ર વગાડવા લાગ્યો. પાણીમાં ભીજાયું હોવા છતાં વાજિંત્ર બેસૂર બન્યું ન હતું.
હવે પાણીની વાણી ખરેખર પાણીદાર બની રહી. એવા મિશ્રિત તાર ઝણઝણવા લાગ્યા કે આખો દરિયો જ સંગીત મહેફિલ બની ગયો.
ડોલ્ફીનને લાગ્યું કે તે ડેલ્ફી છે, સ્વર્ગમાં છે, વિશ્વ શ્રોતા દષ્ટા સમક્ષ નૃત્ય કરી રહી છે. ઓરિયોનને લાગ્યું કે તે વિશ્વમંચ પર સંગીત વગાડી રહ્યો છે.
તે સમયે તે સમુદ્રમાં જેટલી ડોલ્ફીનો હતી. એટલી બધી જ નૃત્ય કરવા લાગી.
સમૂહ-નૃત્યની એક રેલી જ નૃત્યમંડળી બનીને કોરીન્થ ટાપુ તરફ જવા લાગી.
એ દરિયાઈ સંગીતિકા જ્યારે કોરીન્થને કિનારે પહોંચી ત્યારે કોરીન્થની વસ્તી એક સાથે આટલી બધી ડોલ્ફીન નાચતી જોઈ આશ્રર્યચકિત થઈ ગઈ. તેમાંય ગાયક વાદક કલાકારને ડોલ્ફીન પર સવાર લોકો વધુ ચમત્કૃતિ પામ્યા. આખું ગામ કહો કે રાજધાની ત્યાં ભેગી થઈ ગઈ.
રાજાજીએ વિજેતા કવિનું આ સ્વરૂપ જોયું ત્યારે તેમણે પણ નવું જ કુતૂહલ અનુભવ્યું.
ઓરિયનનું ભવ્ય સ્વાગત કરતા પૂછ્યું :
'જહાજ ક્યા ?'
તે જ ઘડીએ દૂરથી જહાજે આવતું નજરે પડયું.
રાજાજીએ પ્રિય કલાકારને પૂછ્યું : 'આવી દશા કેમ?'
ઓરિયન કહે : 'મહારાજ, આ ડોલ્ફીનને લઈને હું જીવિત રહી શક્યો છું. જલસો માણી રહ્યો છું. સ્વર્ગનું દશ્ય ખડું કરી રહ્યો છું. આપણા દેશની જાહોજલાલી વિશ્વમાં પહોંચાડી જ છે હવે વાહિવિશ્વમાં પહોંચાડી ત્યાં છીએ એમ.'
સ્વર્ગ પૃથ્વી, પાતાળનો આ વિશેષ વારિ ઉત્સવ જાણે ત્રિલોકનો ઉત્સવ બની રહ્યો. સાવ અનોખો, સાવ અલાયદો, સાવ વિશેષ.
આકાશી દેવ-દેવીઓ પણ એ ઉત્સવ સાથે આનંદમાં આવી નૃત્ય કરવા લાગ્યાં.
ત્યાં જ જહાજ આવી પહોંચ્યું. આ ઉત્સવમાં થઈને કિનારા સુધી કેવી રીતે પહોંચવુ એય પ્રશ્ન હતો.
કુશળ કપ્તાને માર્ગ કર્યો જ. પેલા બે આતંકવાદીને રાજાને હવાલે કર્યા. જ્યારે સંગીતકાર ઓરિયોનને મળેલાં અદ્દભુત, અજાયબ, અલભ્ય, અનેરા ખજાનાને રાજા-પ્રજા સમક્ષ રજૂ કર્યા ત્યારે એ ત્રિવિશ્વસનીય નૃત્યોત્સવ ત્રિલોક આનંદોત્સવ બની રહ્યો જ.
વાચક મિત્રો! મેં ડોલ્ફીનને સરકસના કંઈક સાગર-ખેલાં કરતી અમેરિકામાં જોઈ છે. તે પાણીમાં સીધી ઊભી રહીને નૃત્ય કરી શકે છે. વોલીબોલનો દડો સામસામે ઉછાળી શકે છે. પાણી નીચે સંતાડેલી કોઈ પણ નાની વસ્તુ ઊંડાણમાં જઈને શોધી શકે છે. ગોળગોળ પકડદાવ કે દોડાદોડની રેસ ખેલી શકે છે. માથું નીચે પાણીમાં ડૂબાડી, પૂંછડી ઉપર રાખી, તેની ઉપર કંઈક કરામર્તા અધ્ધર રાખી શકે છે. બહાર વાગતા સંગીત ઉપર રંગમંચ, ઉપર નૃત્ય કરતી અપ્સરાની જેમ વિવિધ શૈલીનાં નૃત્ય કરી શકે છે, જે નવા નવા પાણીના ખેલો તેને શીખવવામાં આવે તે તરત તે શીખી શકે છે.
ગ્રીકમાં ડોલ્ફીન-દેવીઓના મંદિર જોવા મળે છે. સ્વર્ગની પરીઓ, અપ્સરાઓ, દેવીઓને જેટલી પવિત્ર માનવામાં આવે છે તેટલું જ બહુમાન દરિયા દેવળમાં માછલીઓનું થાય છે.
આમ ડોલ્ફીનનું સ્વરૂપ અને રૂપરંગ માછલીના છે, પણ તે મત્સ્ય જાતિની મનાતી નથી. તે ઈંડા મૂકતી નથી પણ માનવજાતિ તથા ચોપગા પશુઓની જેમ બચ્ચાંનો જન્મ આપે છે. તેની સૂઝ સમજ યુક્તિ-પ્રયુક્તિ કમાલની હોય છે. તેને સમુહમાં રહેવું ગમે છે, ફાવે છે, તે રમતિયાળ અને પોતાની રીતે ગાયિકા છે.
ઓરિયોન અને ડોલ્ફીનની આ કથા ઠેર ઠેર વિસ્તારથી કહેવાયેલી છે. આપણા પુરાણની જેમ જ ગ્રીક પુરાણમાં આવી કંઈક ફેન્ટસીઓ છે.