ભારતની સૌથી જૂની ગુફા : બારાબાર
અ જંટા અને ઇલોરાની કળાત્મક ગુફાઓ વિશ્વપ્રસિધ્ધ છે. ભારતમાં પ્રાચીનકાળમાં બનેલી આકર્ષક ગુફાઓ આગવું સ્થાપત્ય છે. મોર્ય વંશના સમયમાં મોટે ભાગે બૌધ્ધ સાધુઓને રહેવા અને અભ્યાસ કરવા માટે ઘણી કળાત્મક અને નાની મોટી ગુફાઓ બનેલી.
બિહારમાં આવેલી બારાબારની ગુફાઓ પણ જાણીતી છે. આ ગુફાઓ અજંટા ઇલોરા જેવી મોટી નથી પણ સૌથી જૂની છે. બારાબારની ગુફાઓ ઇ.સ.પૂર્વે ૩૨૨ માં બનેલી હોવાનું મનાય છે. બિહારના ગયાથી ૨૪ કિલોમીટર દૂર પર્વતોમાં આવેલી છે. એક જ ખડકને ચોકસાઈપૂર્વક કાપીને બનાવી હોય તેવી આ ગુફાઓ અદ્ભૂત છે. બારાબાર ગુફા ત્રણ ગુફાનો સમૂહ છે. પ્રથમ લોમાસ ઋષિની ગુફા છે. જેમાં કમાન આકારના પ્રવેશદ્વાર અને હાથીનાં શિલ્પ છે. બીજી સુદામા ગુફા કહેવાય છે. તેમાં ધનુષ્યાકાર પ્રવેશદ્વાર થઈ ગોળાકાર ખંડમાં જવાય છે. ત્રણે ગુફાઓના પ્રવેશદ્વાર સુંદર કોતરણી અને શિલ્પકળાથી શોભે છે. આ પ્રવેશદ્વાર ચોકસાઈપૂર્વકના માપ લઈને એક જ ખડકમાંથી કાપીને બનાવેલા છે. તે જોઈને આશ્ચર્ય થાય. બિહારમાં આવતાં પ્રવાસીઓ આ ગુફા જોવા અચૂક આવે છે.