મુરત .
સલીમભાઈ ચણાવાલા
ડં કપુર ગામની આ વાત છે. આ ગામમાં સુંદર મજાનું મંદિર હતું! આ જ ગામમાં નરેશ ગુરૂજી નામના બ્રાહ્મણ રહે. તેમનાં પત્ની વનીતાબેન અને બે સંતાનો - એક પુત્ર અને એક પુત્રી. નરેશ ગુરૂજી ખૂબ જ શાંત સ્વભાવના હતા. એમને મોટો અવાજ કે ઘોંઘાટ પસંદ ન હતો. આમ તો દેખાવે થોડા બટકા હતા, પણ મુખ પર જાડી મૂછો રાખે. સદા ખુશ રહેતા! તેઓને જ્યોતિષવિદ્યાનું સુંદર જ્ઞાાન હતું. નરેશ ગુરુજી પોતાની વિદ્યાથી ગામના લોકોના મુરત (મુહૂર્ત) જોતા. તેમના જોયેલા મુરત સદા સાચા જ પડતા. આમ તો પૈસે ટકે સુખી હતા. મંદિરમાં જઈને કામ ના હોય તો પોતાનું કમંડળ મુકીને એક ચાદર પાથરી સૂઈ જતા, પણ સુતા પહેલાં મુરત ચોક્કસ જોતા. પોતાની ઊંઘ ના બગડે તે માટે તેઓ કમંડળ આગળ બોર્ડ મૂકીને સુઈ જતા. બોર્ડમાં લખ્યું હતું કે, 'આ દાન પાત્રમાં ફક્ત નોટો જ નાખવી'. સિક્કાઓના અવાજથી નરેશ ગુરૂજીની ઊંઘ બગડી જતી!
દરરોજ નિત્યક્રમ મુજબ એ સાંજે તેઓ ઘરે આવી ગયા અને પોતાની પત્નીને કહેઃ જલ્દીખાવાનું આપી દે! અત્યારે સારું મુરત ચાલે છે! ભોજન પછી નરેશ ગુરૂજી સુઈ ગયા. અડધી રાત્રે ચોર લોકો નરેશ ગુરૂજીના ઘરમાં પેઠા. અંદર જઈને એ જુએ છે કે નરેશ ુગુરુજી અને એમનાં પત્ની ગાઢ નિંદ્રામાં સુતાં છે. બન્ને ચોરો ફટાફટ પોતાનું કામ પતાવવા લાગ્યા. અચાનક ચોરેથી કોઈ વજનદાર વસ્તુ ધડામ્ કરતી નીચે પડી! મોટો અવાજ થયો એટલે પતિ-પત્ની ઉઠી ગયા!
પત્ની બોલ્યાં, 'સાંભળો છો? ઘરમાં ચોર ઘૂસ્યા લાગે છે...'
નરેશ ગુરૂજી આંખો ચોળતા-ચોળતા ઉઠયા અને હાથના વેઢા ગણવા લાગ્યા! પછી પત્નીને કહે, 'ગાંડી, ચિંતા ન કર. અત્યારે ચોરને ભગાડવાનું મૂરત સારું નથી! શુભ સમય સવારે છ વાગે છે! અત્યારે તું સુઈ જા. સવારે આરામથી આપણે ચોરને ભગાડી દઈશું!'
આટલું કહીને નરેશ ગુરુજી સૂઈ ગયા ને પત્નીને પણ ઊંઘાડી દીધી! આ બાજુ ચોરોને ંકિમતી માલસામાન સફાચટ કરવાની મજા પડી ગઈ. કામ પતાવીને એ તો પલાયન થઈ ગયા!
તો આવા આપણા નરેશ ગુરૂજી. ચોરને ભગાડવામાં પણ મૂરત જોતા!