કીડીને ભાવે ચાંદો! .
- કિરીટ ગોસ્વામી
કીડીએ સ્કૂલમાં,ટીચર પાસેથી ગીત સાંભળ્યું...
'ગોળ-ગોળ ચાંદો!
મીઠો-મીઠો ચાંદો!
ધોળો-ધોળો ચાંદો!
સહુને વ્હાલો ચાંદો!'
ઘેર આવીને એ તો મમ્મીને કહેવા લાગી- 'મમ્મી, મારે ચાંદો ખાવો છે!'
મમ્મી બોલ્યાં -'ના,ના, ચાંદો ન ખવાય!'
કીડી કહે- 'ના, મારે તો ચાંદો ખાવો જ છે!'
ટીચરે કહ્યું- 'ચાંદો ખૂબ મીઠો હોય છે!'
મમ્મી બોલ્યાં- 'હા, એ મીઠો જરૂર છે પણ ખાવા માટે નથી!'
કીડીએ જિદ્દ કરી- 'ના, મારે તો ખાવો છે!
'મીઠો-મીઠો ચાંદો !
મારે ખાવો ચાંદો!
મમ્મી, આપ, ચાંદો!
મારે ખાવો ચાંદો!'
મમ્મીએ કહ્યું- 'પણ ચાંદો તો ખૂબ દૂર-દૂર છે! આપણે ધરતી પર છીએ! ને ચાંદો તો આકાશમાં છે!'
'તો આકાશમાંથી લાવી દે, ચાંદો!' કીડીએ લાડ કરતાં કહ્યું.
મમ્મીએ ઘડીવાર વિચારીને કહ્યું- 'તને હું તારા જેવો નાનકડો ચાંદો ખાવા આપું તો ચાલશે?'
કીડીએ પૂછયું- 'એ વળી કેવો?'
મમ્મી બોલ્યાં- 'મીઠો-મીઠો અને નાનો-નાનો ચાંદો!'
'હા, તો આપ ને જલદી!' કીડીએ કહ્યું.
મમ્મીએ એક સરસ પતાસું આપતાં કીડીને કહ્યું - 'લે,આ રહ્યો નાનકડો ચાંદો! એને ખા!'
કીડીએ પતાસું ચાખ્યું. એ તેને બહુ ભાવ્યું! રાજી થઇને એ તો ગાવા લાગી-
'મમ્મીએ આપ્યો ચાંદો!
નાનો-નાનો ચાંદો!
મેં ખાધો ચાંદો!
મને ભાવ્યો ચાંદો!
મીઠો-મીઠો ચાંદો!'