મીનીમાસીનો મોબાઇલ .
- 'હું તમને એક નવો મોબાઇલ આપું... એ મોબાઇલ તમારે જંગલમાં રહેતા મારા ભાણા વાઘુને પહોંચાડવાનો છે! બોલો, થશે આ કામ તમારા બંનેથી?'
- કિરીટ ગોસ્વામી
મીનીમાસીએ નવીનક્કોર મોબાઇલ લીધો.
અક્કુ અને બક્કુ ઉંદર ફુદક-ફુદક કરતા હરખ કરવા આવ્યા- 'બધાઇ હો,મીનીમાસી! બધાઇ હો!'
મીનીમાસી તો હરખથી ઘેલાં-ઘેલાં થાય!
અક્કુ કહે- 'મીનીમાસી, અમનેય જોવા દોને આ તમારો મોબાઇલ!'
મીનીમાસી કહે - 'જા,જા,તને એમાં ખબર જ ન પડે!'
બક્કુ બોલ્યો- 'અરે,માસી! મને તો એમાં ગેમ રમતાં પણ આવડે છે. બતાવો ને મોબાઇલ!'
મીનીમાસીએ આંખો કાઢતાં કહ્યું- 'ના, તમને બંનેને આ મોબાઇલ અપાય નહીં!'
'પણ કેમ, માસી?' અક્કુ અને બક્કુએ એકીસાથે પૂછયું.
મીનીમાસી તાડૂકયાં- 'ના પાડી ને ! તમને ખબર ન પડે આમાં! ખોટો મગજ ખાવ છો તે!'
મીનીમાસીની આંખો લાલ થવા લાગી એટલે અક્કુ અને બક્કુ ત્યાંથી વધુ કંઈ બોલ્યા વિના નીકળી ગયા.
સાંજે મીનીમાસી હાથમાં મોબાઇલ લઇને બેઠાં હતાં ત્યાં એમને પોતાના ભાણા વાઘુની યાદ આવી! તરત જ, મીનીમાસીનાં મનમાં વિચાર આવ્યોઃ વાઘુ પાસે મોબાઇલ હોય તો વાતો કરવાની કેવી મજા પડે!
આ વિચાર તો ઘણો સારો છે! વિચારોમાં ને વિચારોમાં મીનીમાસી તો વધારે હરખાયાં. 'હા, વાઘુની પાસે મોબાઇલ હોવો જ જોઈએ! પછી માસી-ભાણો કેવી મજાની વાતો કરી શકીએ! પણ વાઘુ તો જંગલમાં રહે ! એને કોણ મોબાઇલ આપે? તો પછી...?'
મીનીમાસીએ ખૂબ વિચાર્યું અને અંતે નક્કી કર્યું કે વાઘુ માટે પણ મોબાઇલ લઇને એને ગિફ્ટ કરવો! પણ જંગલમાં છેક વાઘુને મોબાઇલ આપવા કોણ જશે? એ બાબત પર મીનીમાસી ગડમથલમાં હતાંત ત્યાં ચૂં ચૂં કરતા અક્કુ અને બક્કુ ઉંદર સામે આવ્યા. મીનીમાસીએ એ બંનેને પૂછયું- 'મારું એક કામ કરશો બંને?'
'હા, હા, બોલો ને માસી!' અક્કુ-બક્કુએ કહ્યું.
મીનીમાસી બોલ્યાં- 'હું તમને એક નવો મોબાઇલ આપું... એ મોબાઇલ તમારે જંગલમાં રહેતા મારા ભાણા વાઘુને પહોંચાડવાનો છે! બોલો, થશે આ કામ તમારા બંનેથી?'
'અમમમ...માસી, બદલામાં અમને શું મળશે?' અક્કુએ પૂછયું.
મીનીમાસીએ એક ઘડી વિચારીને કહ્યું- 'તમને બંનેને મારો મોબાઇલ બહુ ગમે છે ને! તો આ કામના બદલામાં રોજ બંનેને એક કલાક મારો મોબાઇલ આપીશ!'
'યે...યે...' અક્કુ- બક્કુએ રાજી થઈને કામ કરવાની 'હા' પાડી દીધી.
બીજે જ દિવસે મીનીમાસીએ ભાણા માટે નવો મોબાઇલ ખરીદ્યો. પછી સરસ રીતે પેક કરીને અક્કુ-બક્કુને આપ્યો.
મોબાઇલ લઇને અક્કુ અને બક્કુ તો ઉપડયા જંગલ તરફ!
'અક્કુ આવે,બક્કુ આવે!
વાઘુ માટે ગિફ્ટ લાવે!'
આમ, મીનીમાસીની ગિફ્ટ વાઘુ પાસે પહોંચી ગઈ.
વાઘુ તો મોબાઇલ જોઇને ખૂબ જ ખુશ થઇ ગયો!
પછી તો મીનીમાસી અને વાઘુ રોજ મોબાઇલમાં અલકમલકની વાતો કરે અને રાજી થાય!
...અને અક્કુ-બક્કુ મીનીમાસીના મોબાઇલમાં ગેમ રમે ને રાજી થાય!