Get The App

મીમીની ફ્રેન્ડ માછલી .

Updated: Mar 8th, 2025


Google News
Google News
મીમીની ફ્રેન્ડ માછલી                                   . 1 - image


- કિરીટ ગોસ્વામી

એક દિવસ મીમીને તેનાં પપ્પા દરિયાને કાંઠે ફરવા લઈ ગયા. પપ્પા તો તેને દરિયો દેખાડીને ફોન પર બિઝી થઈ ગયા. એટલે મીમી એકલી જ દરિયાના કાંઠાની લિસ્સી રેતીમાં રમવા લાગી.

રેતી પર મીમીએ પોતાનું નામ લખ્યું. એક-બે સરસ ચિત્ર પણ બનાવ્યાં... ને રેતીમાંથી મજાનું ઘર પણ બનાવ્યું! પછી ખોબામાં રેતી લઈને તે હવામાં ઉડાડીને રમતી હતી.એવામાં એને એક અવાજ સંભળાયો! જાણે કોઇ ધીમું ધીમું રડતું હોય એવું તેને લાગ્યું.

મીમીએ ચાર ેતરફ જોયું, પણ કોઇ દેખાયું નહીં. રેતીમાં આસપાસ નજર દોડાવી પણ ત્યાંય કોઇ ન્હોતું. આથી તેને પ્રશ્ન થયો- 'કોણ હશે? આ અવાજ કોનો હશે?કોઇ દેખાતું નથી ને તોય અવાજ તો સંભળાય જ છે!'

મીમી વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ તેની નજર સામેના એક પથ્થર તરફ ગઇ. તેણે ધ્યાનથી જોયું તો પેલો અવાજ આ પથ્થર પાસેથી જ આવતો હતો.

મીમી તરત જ એ પથ્થરની નજીક ગઇ. જોયું તો પથ્થર પાસે એક માછલી હતી. માછલી રડતી હતી.

મીમીએ તેને પૂછયું- 'તને શું થયું છે? કેમ રડે છે?'

માછલી બોલી- 'મોજાંઓ સાથે રમતી-રમતી હું અહીં સુધી આવી પહોંચી ગઈ. તો જોને! મારું પંખ આ પથ્થર નીચે દબાઇ ગયું છે. એટલે હું દરિયામાં પાછી જઇ શકતી નથી! મને થોડી મદદ કરીશ?'

મીમી કહે- 'હા,હા, જરૂર!'

મીમીએ તરત જ પથ્થર હટાવ્યો એટલે માછલીનું દબાયેલું પંખ તેની નીચેથી નીકળી ગયું ને એ મુક્ત થઇ ગઈ!

રાજી થતાં માછલીએ મીમીને કહ્યું- 'થેન્ક યુ! તારું નામ?'

'હું મીમી!' મીમીએ કહ્યું.

'તું ખૂબ સારી છો, મીમી!' માછલી સ્માઇલ સાથે એટલું કહીને દરિયામાં ચાલી ગઇ.

માછલીની મદદ કરીને મીમીને ખૂબ સારું લાગ્યું.

થોડાક દિવસ પછી મીમીનો બર્થડે આવ્યો. તેણે આ દિવસની ખૂબ રાહ જોઇ હતી. એ મનોમન વિચારતી હતી - 'મારો બર્થડે આવશે. મમ્મી-પપ્પા મને સરસ ગિફ્ટ આપશે! બધાંય ફ્રેન્ડસ મને કંઇ ને કંઇ ગિફ્ટ આપશે! કેક ખાઈશું ! ચોકલેટ ખાઈશું! ગીતો ગાઈશું ને ડાન્સ કરીશું! કેવો યાદગાર બની જશે એ દિવસ! કેટલી બધી મજા પડશે!'

આવું ઘણુંય વિચારીને મીમી તો ખૂબ રાજી થતી હતી.

બર્થડે આવ્યો, પણ મમ્મી એ દિવસે જોબમાંથી રજા ન લઈ શકી. પપ્પા તો આફિસના કામસર દિલ્હી ચાલ્યા ગયા હતા. મીમીને ખૂબ જ દુ:ખ લાગ્યું. પોતાના બર્થ ડે પર એ સાવ એકલી હતી. એ સ્કૂલે પણ ન ગઇ અને તૈયાર પણ ન થઈ. એકલી એકલી કંટાળી ગઇ એટલે તે દરિયાને કાંઠે ગઇ.

મીમી સૂનમૂન બેઠી હતી. આજે તો રેતીમાં રમવાનું પણ મન થયું નહીં!

એવામાં અચાનક માછલી આવી! તેણે મીમીને ચુપચાપ બેઠેલી જોઇ એટલે તરત જ પૂછયું- 'અરે, મીમી! તું અહીં? ને આમ સાવ સૂનમૂન કેમ છો?'

આ સાંભળીને મીમીથી તો રડાઇ જ ગયું!

માછલીએ ફરી પૂછયું- 'શું થયું ત એ તો કહે! રડ નહીં, મીમી!'

મીમીએ આખરે માછલીને બધી વાત કહી.

એ સાંભળીને માછલીએ કહ્યું- 'અરે! એમાં રડે છે શાને? તારો બર્થડે આપણે અહીં ઊજવીએ!'

મીમી બોલી- 'હેં? ખરેખર?!'

માછલીએ કહ્યું- 'હા, તે દિવસે તેં મને મદદ કરી હતી. આજે મારો વારો. તે દિવસથી તું મારી ફ્રેન્ડ છે! ને ફ્રેન્ડ તો ફ્રેન્ડનો બર્થ ડે ઊજવે જ ને!'

 'હા,હા!' મીમીના ચહેરા પર હવે રાજીપો દેખાયો.

 એ જોઇને માછલી પણ ખુશ થઇ!

 પછી તો માછલી અને મીમીએ રેતીમાં સરસ મજાની બર્થડે પાર્ટી ઊજવી. બંનેએ ખૂબ ડાન્સ કર્યો. તોફાન-મસ્તી કર્યાં. મીમી પોતાનું બધું દુ:ખ ભૂલી ગઈ!

 માછલીએ મીમીને ઘણી બધી કોડી અને છીપલીઓ ગિફ્ટ કરી. એ લઈને ખૂબ ખૂબ રાજી થતી મીમી ઘેર પાછી વળી.

મીમીને પોતાનો આ વખતનો બર્થડે ખૂબ મજ્જાનો લાગ્યો!

Tags :
Zagmag-Magazine

Google News
Google News