Get The App

મંછા બિલાડી .

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
મંછા બિલાડી                                              . 1 - image


- મંછા બિલાડી પોતાનો જીવ બચાવવા બારીમાંથી કૂદીને અંદર આવવાની કોશિશ કરી રહી હતી, પણ બારી બંધ હોવાથી તે કૂદકો મારી શકતી નહોતી. તેની પાછળ આગની જ્વાળાઓ ભડભડી રહી હતી

- સલીમભાઈ ચણાવાલા

એ ક દિવસની વાત છે. પ્રથમ પોતાના કરાટેના ક્લાસમાંથી સાંજે પાછો ઘરે આવી રહ્યો હતો ત્યાં પાડોશમાં રહેતા બાજુમાં બાબુકાકાના મકાનમાંથી ધૂમાડો નીકળતો જોયો. પ્રથમને લાગ્યું કે ચોક્કસ બાબુકાકાના મકાનમાં આગ લાગી છે. આજે સવારે જ બાબુકાકા અને તેમનો આખો પરિવાર ગાડીમાં બેસીને લગ્ન પ્રસંગે બહારગામ જતા મેં જોયા હતા. લાવ, જરા જઈને જોઉં તો ખરો કે શું હકીકત છે? 

ઘરમાં ચોક્કસપણે આગ જ લાગી હતી. પ્રથમ બૂમો પાડવા લાગ્યો: 'આગ... આગ... આગ... બધા જલ્દી આવો...'  પાડોશીઓ દોડીને ભેગા થઈ ગયા. દરમિયાન પ્રથમે પપ્પાને જાણ કરી દીધી હતી, એટલે પપ્પાએ તરત જ ૧૦૧ નંબર ડાયલ કરીને ફાયરબ્રિગ્રેડને જાણ હતી.

આ બાજુ પ્રથમના કાને બિલાડીના મ્યાઉં... મ્યાંઉ... અવાજ પડયો.  આ તો બાબુકાકાએ પાળેલી બિલાડી મંછાનો અવાડ છે! પ્રથમે વિચાર્યું કે નક્કી મંછા બિલાડી ક્યાંક ફસાઈ ગઈ લાગે છે. પ્રથમે સમયસૂચકતા વાપરીને ઇલેક્ટ્રિસિટીની મેઇન  સ્વિચ બંધ કરી દીધી.  પછી તે ઘરની અંદર ઘૂસી ગયો. એણે જોયું કે મંછા બિલાડી પોતાનો જીવ બચાવવા બારીમાંથી કૂદીને અંદર આવવાની કોશિશ કરી રહી હતી, પણ બારી બંધ હોવાથી તે કૂદકો મારી શકતી નહોતી. તેની પાછળ આગની જ્વાળાઓ ભડભડી રહી હતી.

પ્રથમે વિચાર્યું: મંછાને જરૂર બચાવી પડશે, નહી તો આ અબોલ જીવ આગમાં ભુંજાઈ જશે. પ્રથમે આસપાસ નજર ફેરવી. બાથરૂમ તરફ જઈ શકાય તેમ હતું. એ ઝડપથી બાથરૂમ અને કપડા ધોવાના એરિયા તરફ ગયો. ત્યાં ધોકો પડયો હતો. પ્રથમે ધોકો ઉંચકી લીધો અને  કાચની બારી તરફ જોશભેર ફેંક્યો. બારીનો કાચ તૂટી ગયો. તરત જ મંછા બિલાડી કૂદીને અંદર આવી ગઈ. પ્રથમે તેને ઉપાડી લીધી. તેના માથે હાથ ફેરવતો ફેરવતો તે મકાનના આગળના ભાગમાં આવ્યો. પપ્પા અને પાડોશીએ એને ઠપકો આવ્યો કે આગની જ્વાળા તરફ જવાનું જોખમ કેમ લીધું? જોકે જેવા એમણે મંછા બિલાડીને સહીસલામત જોઈ કે તેઓ પ્રથમનું અગર જવાનું કારણ સમજી ગયા. તેમણે પ્રથમની પીઠ થાબડી.  

દરમિયાન ફાયર બ્રિગેડની ગાડી આવી ચૂકી હતી અને તેનો સ્ટાફ કામે લાગી ગઈ હતી. થોડી વારમાં આગ પર કાબુ મેળવી લીધો. આગ ઓલવાઈ ગઈ.

 પ્રથમે પપ્પાને પૂછયું, 'તમને ફાયર બ્રિગેડનો નંબર યાદ હતો?' 

'હા, બેટા. આ સેવા માટે ૧૦૧ નંબર આખા દેશમાં લાગુ પડે છે. ફાયર બ્રિગેડ આપણી સેવામાં ૨૪ કલાક હાજર રહે છે.'

બાબુકાકાને ફોન કરીને આગ વિશે જાણકારી આપી દેવામાં આવી હતી. બાબુકાકા અને એમનો પરિવાર પોતાનો કાર્યકમ રદ કરીને તાબડતોબ ઘરે પાછા આવી ગયા. ઘરની હાલત જોઈને તેઓ દુખી થયા, પણ પાડોશીઓની કામગારીથી ખૂબ રાજી થયા. તેમણે સૌનો આભાર માન્યો. એમની લાડકી મંછા બિલાડી બચી ગઈ હોવાથી તેઓ રાજીના રેડ થઈ. 

બાબુકાકાને પ્રથમને ખૂબ શાબાશી આપી. 


Google NewsGoogle News