હંસી હરણીની મહાશિવરાત્રિ .
- હંસીએ ધીમેધીમે આંખ ખોલી. આંખુ મંદિર જાણે ઝળહળી ઉઠયું. સોનેરી પ્રકાશ મંદિરમાં ચારેકોર ફેલાઈ ગયો. આ બધું જોઈને રાયણ રીંછ પણ અવાચક બની ગયું...
- હંસી હરણીની આંખમાંથી આનંદના આંસુ વહ્યાં. તેના શરીરમાં નવચેતના પ્રગટી. ભૂખી હોવા છતાં તેના શરીરમાં અદ્રશ્ય શક્તિનો સંચાર થયો
ભારતી પી. શાહ
એ ક સરસ મજાનું હરિયાળું જંગલ હતું. જંગલમાં જાતજાતનાં અને ભાતભાતનાં પશુ-પંખીઓ રહે. બધામાં ખૂબ સંપ અને એકતા. તેમનાં બચ્ચાઓ તપોવન વન્યશાળામાં ભણવા જાય. શાળાના શિક્ષકો કેળવાયેલા અને સમજદાર. બધાને પ્રેમથી ભણાવે. સાંજે શાળા છૂટે એટલે બધા સાથે મળીને ઘેર આવે.
એકવાર તેમની શાળા છૂટી ત્યારે બધાં બચ્ચાંઓ નાચતાં-કૂદતાં બહાર નીકળ્યાં. થોડા દિવસો પછી મહાશિવરાત્રિની રજા હોવાથી તેઓ ખુશ ખુશ હતાં. શાણી સસલી, હંસી હરણી, મધુ મોરની, પિલુ પોપટી પોતાની મિત્રમંડળી વાતોએ વળગ્યાં.
'મહાશિવરાત્રિ એ દેવાધિદેવ મહાદેવની મહિમાનો દિવસ છે. હું તો મારી મમ્મી સાથે શિવમંદિરમાં જઈશ અને અમે ત્યાં પૂજા કરીશું, આરતી ઉતારીશું અને ભજન પણ ગાઈશું,' લહેકો કરતાં શાણી સસલી બોલી.
'અમારા ઘરમાંથી અમે બધાં જ મંદિરમાં પૂજા કરીશું. અમારે બધાને ઉપવાસ હોય છે. એટલે મમ્મી રાજગરાની પૂરી, શીરો અને ફરાળી શાક બનાવશે. વાહ, મને તો શીરો ખૂબ ભાવે. મજા જ મજા!' મધુ મોરની બોલી.
બધાં વાતો કરતાં કરતાં ઘર તરફ વળ્યાં. હંસી હરણી થોડી ઉદાસ જણાતી હતી. તે પોતાના પરિવારનો વિચાર કરતી હતી એકવાર જંગલમાં વાલુ વરૂના બચ્ચાને બચાવવા જતાં હંસી હરણીના પિતાની વીજુ વાઘ સાથે લડાઈ થઈ હતી. વીજુ વાઘે હંસી હરણીના પિતાના પગે બચકાં ભર્યા હતા, તેથી તેમના પગે પાટાપીંડી કરેલા હતા અને તેઓ કામ પર જઈ શકતા ન હતાં. હંસી હરણીની માતા જંગલમાં મજૂરીકામ કરતી હતી, બધાને માટે ફળ વીણીને લાવતી. પિતાની બિમારીના કારણે ઘરમાં પૈસાની તંગી વર્તાતી હતી. હંસી હરણીને બે નાનાં ભાઈ-બહેન પણ હતાં. બધા જ ખૂબ આર્થિક ભીંસમાં જીવતાં હતાં.
હંસી હરણીની માતા હસુ હરણી ઘરે આવીને ઘરનું બધું જ કામ સંભાળતી. હંસી પોતાની માતાને ઘરકામમાં મદદ કરતી અને નાના ભાઈ-બહેનને ભણાવતી.
આજે હંસી ઘરકામ પરવારીને પડોશમાં રહેતાં ઘોરી ઘુવડ દાદાના ઘરે પહોંચી ગઈ.
'આવ બેટા આવ... અત્યારે ક્યાંથી? ખાટલા પર બેસી છાપું વાંચતા ઘુવડ દાદાએ પૂછ્યું.'
'દાદા, થોડા દિવસમાં મહાશિવરાત્રિ છે. શાળામાં રજા છે. હું તમારી પાસે મહાશિવરાત્રિ વિષે જાણવા આવી છું. દાદાની બાજુમાં બેસતાં હંસી બોલી.'
'ચોક્કસ, બેટા. જો સાંભળ... શિવરાત્રી ભગવાન શંકરને સમર્પિત દિવસ છે. મહાવદ ચૌદસ મહાશિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિના દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો. વળી, બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિના દિવસે જ પ્રગટ થયું હતું.'
સમુદ્રમંથન સમયે જ્યારે હળાહળ ઉત્પન્ન થયું. ત્યારે દેવો કે દાનવો કોઈ તેનો સ્વીકાર કરવા તૈયાર ના થયા, કારણકે હળાહળ એટલું તીવ્ર હતું કે જો તેનું એકાદ ટીપું પણ પૃથ્વી ઉપર પડે તો પૃથ્વીનો નાશ થાય. શિવજીએ જીવમાત્ર તરફની અનુકંપાને કારણે હળાહળ પી લીધું, ત્યારે સમગ્ર ઇન્દ્રલોકે તેમને 'દેવાધિદેવ' કહ્યા હતા.
શિવજીએ એકવાર સમસ્ત વિશ્વને ભયંકર પ્રલયથી બચાવી હતી. પૃથ્વી પરની નકારાત્મક શક્તિઓનો પ્રતિકાર કરવા માટે મહા મહિનાની વદ ચૌદશે એટલે કે મહાશિવરાત્રિના દિવસે શિવજીની પૂજા-અર્ચના કરવાથી ઉપવાસ કરવાથી મનુષ્ય મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઉગરી જાય છે. લોકો શિવજીને પ્રસન્ન કરવા માટે બિલિપત્ર, દૂધ, રૂદ્રાક્ષ વગેરે અર્પણ કરે છે.
'દાદા, આજે મને મહાશિવરાત્રિનો મહિમા ખૂબ સારી રીતે સમજાઈ ગયો છે. હું પણ આવતી કાલે મહાશિવરાત્રિનું વ્રત અવશ્ય કરીશ.' આટલું બોલીને હંસી હરણી ઘોરી ઘુવડ દાદાને પગે લાગી અને પછી 'શુભરાત્રિ' કહીને વિદાય થઈ ગઇ.
બીજા દિવસે હંસી હરણી નાહીધોઈને તૈયાર થઈ ગઇ. તેણે પોતાની માતાને કહ્યું, 'મા, આજે મારે શિવરાત્રિનું વ્રત છે. હું મંદિરે પૂજા કરવા જાઉં છું. તું મારી રસોઈ બનાવીશ નહીં.'
'બેટા, ફરાળની વાનગી બનાવવાની સામગ્રી નથી. હું તો ફક્ત કેળા જ લાવી છું.' માએ જવાબ આપ્યો.
'મા, વાંઘો નહીં. મારે કશું જ ખાવું નથી' આટલું બોલી હંસી મંદિરે જવા નીકળી. રસ્તામાંથી તેણે પૂજા માટે એક ધંતુરાનું પુષ્પ તોડી લીધું. તે મંદિરે પહોંચી ગઈ. મંદિરની બહાર સુધી પૂજા માટે કતાર લાગી હતા. બધા પૂજાની થાળીમાં બિલિપત્ર, દૂધ, પુષ્પ, રૂદ્રાક્ષ, દીવા વગેરે લઈને ઊભા હતા. હંસીએ વિચાર્યું, બધા જતા રહેશે પછી પોતે પૂજા કરવા જશે. આટલું વિચારી તે દૂર એક ઝાડની ઓથે જઈને બેસી ગઈ.
બપોર થતાં સુધીમાં તો મંદિર ખાલી થઈ ગયું. સબ સલામતની ખાતરી કર્યા પછી હંસી હરણી ચૂપચાપ મંદિરમાં પ્રવેશી હંસી હરણીને પૂજાવિધિનું ખાસ જ્ઞાાન ન હતું. તેણે ભાવપૂર્વક પ્રભુની સમક્ષ મસ્તક નમાવ્યું. અને સાથે આણેલું ધતુરાનું પુષ્પ પ્રભુના લિંગ પાસે મૂકી દીધું. હંસી હરણીએ આંખ બંધ કરી અને ઊભા ઊભા ઓમ નમઃ શિવાયના જાપ કરવા લાગી. જાપ જપતાં જપતાં તેની આંખોમાંથી આંસુ સર્યા. દડ દડ.. એ આંસુમાં ભક્તિ હતી. પૂજા હતી. શ્રદ્ધા અને વિશ્વાસ હતાં. પરિવારના કષ્ટ દૂર થાય. પિતાજીનું સ્વાસ્થ્ય સુધરે.માતા, ભાઈ-બહેન સુખી થાય, આર્થિક સંકટનું નિવારણ થાય તેની પ્રાર્થના હતી. તે ક્યાંય સુધી પ્રભુની સ્તુતિ કરતી રહી અને તેની આંખોમાંથી આંસુ સરતા રહ્યા. ટપટપ... ટપટપ... આંસુ પ્રભુચરણમાં પડતાં રહ્યાં. જાણે તેના આંસુનો અભિષેક પ્રભુને થતો રહ્યો. તેને ભૂખ, દુઃખ, તરસ કશાનો અહેસાસ ના થયો.
મંદિર બંધ કરવાનો સમય થયો. ત્યારે મંદિરના પુજારી રાયણ રીંછ મંદિરમાં પ્રવેશ્યું. અંદરનું દ્રશ્ય જોઈને તે અવાક થઈ ગયું. તે ક્યાંય સુધી ચુપચાપ એકબાજુ બેસી રહ્યું. હંસી હરણી પ્રભુમય બની ગઈ હતી. અચાનક હંસી હરણીએ અનુભવ્યું કે કોઈએ તેના મસ્તક પર હાથ ફેરવ્યો છે. હંસીએ ધીમેધીમે આંખ ખોલી. આંખુ મંદિર જાણે ઝળહળી ઉઠયું. સોનેરી પ્રકાશ, મંદિરમાં ચારેકોર ફેલાઈ ગયો. આ બધું જોઈને રાયણ રીંછ પણ અવાચક બની ગયું. તે બોલ્યું, 'બેટી, તને તો પ્રભુનો સાક્ષાત્કાર થઈ ગયો. તું ધન્ય છે.'
હંસી હરણીની આંખમાંથી આનંદના આંસુ વહ્યાં. તેના શરીરમાં નવચેતના પ્રગટી. આખા દિવસની ભૂખી હોવા છતાં તેને અશક્તિ જણાતી ન હતી. તેના શરીરમાં અદ્રશ્ય શક્તિનો સંચાર થયો. તે નાચતીકૂદતી ઘર તરફ વળી. તેના મુખ પર અનોખું તેજ હતું.
બીજા દિવસથી તેના પરિવાર માટે સોનાનો સૂરજ ઉગ્યો. તેના પિતા સાજા બનીને કામે ચઢી ગયા. ઘરની આર્થિક સ્થિતિ સુધરવા લાગી. હંસીનો પરિવાર સુખશાંતિ અનુભવવા લાગ્યો. પરિવારમાં નિયમિત રૂપે શિવજીના જાપ થવા લાગ્યા. હર હર મહાદેવ...
બાલમિત્રો, ઇશ્વરભક્તિ અને ઉપવાસનો સાચો અર્થ છે શ્રદ્ધા અને ત્યાગ. આ શબ્દોને જીવનમાં ઉતારી લઈએ તો મોક્ષના દ્વાર આપોઆપ ખૂલી જાય છે.