Get The App

મહાશિવરાત્રિનો સંદેશો .

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
મહાશિવરાત્રિનો સંદેશો                                              . 1 - image


- 'અંકલ, મમ્મીના કહેવાથી અમે ઉપવાસ તો કર્યો છે, પણ મહાશિવરાત્રિ વિષે ખાસ કશું જાણતા નથી. તમે રસ્તામાં જતાં જતાં અમને વાત કરો એટલે સાંભળતાં સાંભળતાં મંદિરે જઈએ...'

- ભારતી પી. શાહ

આપણી સંસ્કૃતિ વિવિધ ધાર્મિક તહેવારોથી સજેલી છે. આ ધાર્મિક તહેવારો અનેક પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલા છે, અને આપણને ઉત્તમ સંદેશો પણ આપતા રહે છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય તહેવારો, મોટા સામાજિક અને ધાર્મિક તહેવારોના દિવસે શાળા-કોલેજોમાં તથા સરકારી ઓફિસોમાં રજા હોય છે. આજે મહાશિવરાત્રિ હોવાથી જાહેર રજા હતી. શાળામાં રજા હોય એટલે બાળકો આરામથી ઊઠે, પ્રાત:કાર્ય પતાવીને રમવા જતા હોય છે. આજે રમવા માટે ધ્વનિલ, આર્યન, આનંદ, ધુ્રવ અને શિવમ્ સોસાયટીના કોમન પ્લોટમાં ભેગા થયા હતા. તેમની સાથે રમવા માટે દીવા, પ્રિયાંશી, મનસ્વી, હીર, મૈત્રી અને ઝીલ પણ જોડાઈ ગયાં.

'આજે આપણે બહુ દોડાદોડીની રતમ નહીં રમીએ,' નાનકડી દીવા બોલી

'કેમ?  પકડાપકડીમાં દોડવું તો પડેને...' હીર બોલી 'ખબર નથી તને, આજે મહાશિવરાત્રિ છે. મમ્મીએ ઊપવાસ રખાવ્યો છે. કશું ખાવા નથી મળ્યું. ખાલી દૂધ પીધું છે. બહુ દોડીએ તો ભૂખ લાગે. થાકી જવાય...' દીવા બોલી.

દીવાની વાત સાંભળી બધા હસી પડયા.

'તારે એકલીને નહીં, અમારે બધાને. ઉપવાસ જ છે. અમે પણ કશું ખાધું નથી...' મનસ્વી બોલી. 'અમે પણ કયાં કશું ખાધું છે?  રમીશું ને એટલે ઉપવાસ ભૂલી જવાશે... ચાલો!' પ્રિયાંશી અને મૈત્રી બોલ્યા.

થોડીવાર સુધી બધા બાળકો રમતાં રહ્યાં. એટલામાં રાજુભાઈ, જનકભાઈ, અશોકાબેન અને ભારતીબેન ત્યાં આવી પહોંચ્યાં.

'દીવા, ચાલો આપણે શિવમંદિર જવાનું છે, માટે રમવાનું બંધ કર,' રાજુભાઈ બોલ્યા.

'હીર, તું પણ ચાલ. અમે બધા પણ મહાશિવરાત્રિ હોવાથી શિવમંદિર જઈએ છીએ,' જનકભાઈ બોલ્યા.

'અંકલ, અમે બધા તમારી સાથે શિવમંદિર આવીએ?'આર્યને પૂછ્યું.

'જરૂર...જરૂર...બધા આવી શકો છો,' અશોકાબેન અને ભારતીબેન બોલ્યાં.

બધા બાળકો ખુશખુશ થઈ ગયાં. શિવમંદિર થોડું દૂર હોવાથી બધાં ચાલતાં ચાલતાં જવા લાગ્યા. રસ્તામાં તેમની સાથે પરેશ અંકલ પણ જોડાઈ ગયા.

'અંકલ, મમ્મીના કહેવાથી અમે ઉપવાસ તો કર્યો છે, પણ મહાશિવરાત્રિ વિષે ખાસ કશું જાણતા નથી. તમે રસ્તામાં જતાં જતાં અમને વાત કરો એટલે સાંભળતા સાંભળતાં મંદિરે જઈએ,' ધ્વનિલે કહ્યું, 'હા અંકલ, અમને પણ મહાશિવરાત્રિ વિષે જાણવું છે...' આનંદ અને શિવમ્ બોલી ઉઠયાં.

રસ્તામાં ચાલતાં ચાલતાં રાજુભાઈએ વાતની શરૂઆત કરી.

શિવરાત્રી ભગવાન શંકરને સમર્પિત દિવસ છે. તે દિવસ મહાવદ ચૌદસ ખરેખર મહાશિવરાત્રીનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગ પ્રારંભ થયો હતો, તેવું મનાય છે, અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ  પણ શિવરાત્રિના દિવસે પ્રગટ થયું હતું.

એક કથા અનુસાર સમુદ્રમંથન સમયે પ્રથમ હળાહળ  ઝેર ઉત્પન્ન થયું, ત્યારે દેવો કે દાનવ કોઈ તેનો સ્વીકાર કરવા તૈયાર ન હતા. જો તે ખતરનાક ઝેર પૃથ્વી ઉપર પડે તો પૃથ્વી નાશ પામે, ત્યારે બધા વિષ્ણુ ભગવાન પાસે ગયા અને સલાહ માગી. વિષ્ણુભગવાને બધાને શિવજીનો સંપર્ક કરવા જણાવ્યું.

સમસ્ત સજીવ સૃષ્ટિના કલ્યાણાર્થે શંકર ભગવાન તે હળાહળ ઝેર પી ગયા. આ ઘટના સાથે શિવરાત્રિ જોડાયેલી છે.

'ઓહ માય ગોડ, શંકર ભગવાન બધુ ઝેર પી ગયા...' ધુ્રવ નવાઈ પામતા બોલ્યો.

'એટલે તો શંકર ભગવાન કલ્યાણકારી કહેવાય છે,' અશોકાબેન બોલ્યાં.

'મહાશિવરાત્રિની બીજી એક કથા પ્રચલિત છે, તે હું તમને કહીશ,' જનકભાઈ બોલ્યા.

બીજી કથા અનુસાર સંસારના પ્રલયનો ભય તોળાઈ રહ્યો હતો, ત્યારે પાર્વતીમાતાએ શિવની પૂજા કરી, બે હાથ જોડી મસ્તક નમાવી જીવમાત્ર પર કૃપા કરી બધાનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરી. પાર્વતીમાતાની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ કહ્યું, 'જે જીવ મહા મહિનાની વદ ચૌદસે મારું પૂજન કરશે, ધ્યાન ધરશે, તપસ્યા કરશે તેને પ્રલયના સમયે હું અવશ્ય ઉગારીશ.

'તે દિવસથી લોકો મહાશિવરરાત્રિનો ઉપવાસ કરી, શંકર ભગવાનની પૂજા કરે છે,' પરેશભાઈ બોલ્યા.

'અમે ઉપવાસ રાખ્યો છે એટલે શંકર દાદા અમને પરીક્ષાના પ્રલયથી જરૂર બચાવશે,' બધાં બાળકો બોલ્યાં, 'ભગવાન તો કુદરતના અને પાપના પ્રલયથી બચાવે.' હસતાં હસતાં ભારતીબેને બાળકોને સંબોધીને કહ્યું.

એટલામાં બધાં બાળકો મંદિર પાસે આવી પહોંચ્યાં. મંદિરની બહાર ફૂલહારવાળા બેઠા હતા. વડીલોએ તેમની પાસેથી બિલ્વપત્ર, ફૂલ અને શ્રીફળ ખરીદ્યા.

'બાળકો, જીવનમાં નકારાત્મક શક્તિનો નાશ કરવા માટે બિલ્વપત્ર, ઘતૂરાના પુષ્પ, રૂદ્રાક્ષ વગેરે શિવને અર્પણ થાય છે,' જનકભાઈ બોલ્યા.

મંદિરમાં જઈને બાળકોએ વડીલોની સાથેસાથે તેમના માર્ગદર્શન અનુસાર શંકર ભગવાનની પૂજા કરી. પછી અશોકાબેન અને ભારતીબેને શિવસ્તુતિ ગાવાની શરૂઆત કરી.

'શંભુ ચરણે પડી, માંગુ ઘડીએ પડી, દુ:ખ કાપો

દયા કરી દર્શન શિવ આપો...

તમે ભક્તોના દુ:ખ હરનારા,

શુભ સૌનું સદા કરનારા...'

બાળકો પણ તાળી પાડતા પાડતાં ગાવા લાગ્યાં. પછી આરતી થઈ. મધુર ઘંટારવથી મંદિર આખું ગૂંજી ઊઠયું. બધાને પ્રસાદ વહેંચવામાં આવ્યો. પ્રસાદ લઈને પછી બધા ઘર તરફ વળ્યા.

'હવે તો બરાબરની ભૂખ લાગી છે. મારી મમ્મીએ રાજગરાની પૂરી અને બટાકાનું શાક બનાવ્યું છે. હું તો ખૂબ ખાઈશ,' મૈત્રી બોલી. 'મારી મમ્મીએ રાજગરાનો શીરો, શીંગોડાના લોટના ભજીયા અને સાબુ દાણાની ખીચડી બનાવી છે,' ઝીલ બોલી

બાળકોની વાત સાંભળી વડીલો હસી પડયા. 'અમે તમને શિવરાત્રિ વિષે સમજણ આપી. હવે તમે જણાવો કે તહેવારોની ઉજવણીથી શું સંદેશ મળે છે?' પરેશભાઈએ પૂછ્યું

'ધાર્મિક તહેવારોની ઉજવણીથી આપણે આપણાં ધર્મ વિષે ઊંડાણથી માહિતી મેળવી શકીએ છીએ,' આનંદ બોલ્યો

'વળી સાથે મળીને તહેવાર ઉજવવાથી પરસ્પર પ્રેમ અને ભાઈચારો વધે છે,' હીર બોલી

'તહેવારો આપણા જીવનના સાથી અને પ્રકાશ છે. આપણે તહેવારોનું મહત્વ સમજવું જોઈએ અને તહેવારોની ઉજવણીમાં ઘૂસેલ બુરાઈઓથી દૂર રહેવું જોઈએ. શંકર ભગવાનની જેન કલ્યાણખારી બનવા પ્રયત્ન કરવો જોઈએ,'  ધ્વનિલ બોલ્યો.

'સરસ...સરસ... બાળકો!' રાજુભાઈ બોલ્યા પછી બધા ઘર તરફ આવી પહોંચ્યા.

વ્હાલા વાચકો, પ્રત્યેક તહેવાર ઉત્તમ સંદેશ આપે છે. તે જીવનમાં ઉતારવો જોઈએ.

બોલો ... હરહર મહાદેવ!


Google NewsGoogle News