જાદુઈ જંગલ .
- તેમણે વિચાર્યું: આ સૂકાયેલા બધાં ઝાડ લીલાછમ થઈ જાય અને રંગબેરંગી ફૂલો ઊગી નીકળે તો કેવું સારું? તેમનો વિચાર પૂરો થયો ત્યાં તો માહોલ બદલાઈ ગયો ને આસપાસ બધું જ હરિયાળું થઈ ગયું. મેઘધનુષ્ય જેવા રંગો પુષ્પોમાં પુરાઈ ગયા
- નિધિ મહેતા
અબુ ને ડબ્બુ બે ભાઈબંધ. આમ તો એના મૂળ નામ અબ્દુલ ને દલવીર, પણ આ જોડીને આખું ગામ અબ્બુ ને ડબ્બુ નામથી ઓળખતા. એમની દોસ્તી ખૂબ પાક્કી. જ્યાં જાય ત્યાં બંને સાથે. બેઉ સાહસી જીવ. તેમને નવાં નવાં તોફાન કરવા ખૂબ ગમે, નવાં નવાં રહસ્ય ઉકેલવા ગમે. એટલે બંને શાળાથી પાછા ઘરે આવે પછી પોતાનું ગૃહકાર્ય કરી પોતાના શોખની પ્રવૃત્તિને લગતા પ્રયોગો કર્યા કરે. ક્યારેક નવાં રમકડાઓ ખોલી નાખે તેને કુતૂહલપૂર્વક જોઈ પાછા ફિટ કરે, તો ક્યારેક પ્રાણીપક્ષી જેવા અવાજો કરવા પ્રયાસ કરે.
આમ રોજ એની જુદી રમત. ક્યારેક તે સિંહની જેમ ત્રાડો પાડે ને વાંદરાની જેમ હૂપાહૂપ જેવા અવાજો કર્યા કરે. ઝાડ, બાગ-બગીચા ને પશુપંખીઓની દુનિયા એમને ખૂબ ગમે.
તેઓ ઉડતા પંખીને જોઈ આપસમાં કહે, 'આપણે પણ ઉડી શકતા હોત તો?'
વળી પાછા વિચારે, એમ કંઈ થોડું થાય? તેમને નવું જાણવું ખૂબ ગમે.
અબુ એક દિવસ ડબ્બુને કહે, 'હેં ડબ્બુ, હવે રોજ આ એક જ બગીચાના ફૂલછોડ જોઈને તને કંટાળો નથી આવતો? ચલને, આપણે નવાં પશુ-પંખી ને ઝાડ જોવા જઈએ.'
'પણ ક્યાં?'
'અરે! પેલા દૂરના જંગલમાં. મેં સાંભળ્યું છે કે, ત્યાં કેટકેટલાંય પશુ-પંખી છે. બોલ જવું છે?'
'અરે! હા, ચલ ચલ. એમાં વળી વિચારવાનું શું?'
'તો ચાલો ત્યારે...' એમ કરી બંને હાથમાં હાથ પરોવી ચાલ્યા જંગલની દિશાએ.
માંડ માંડ જંગલ આવ્યું. બંને ચાલી ચાલીને થાકી ગયેલા. એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. ભૂખ લાગી હતી. આસપાસ જોયું તો કંઈ હતું નહીં.
તેઓ ઝાડ નીચે બેસી મનોમન વિચારતા હતા, 'કંઈક ખાવાનું મળી જાય તો કેવું સારું!'
મનમાં વિચાર કર્યો ત્યાં તો તેની સામે જાતજાતનાં ફળનો ઢગલો થઈ ગયો. બંનેએ પેટ ભરીને ફળ ખાધા પછી વિચાર આવ્યો, 'પેટ તો ભરાઈ ગયું, પણ પાણી? હવે આ જંગલમાં પાણી લેવા ક્યાં જઈશું? પાણી મળી જાય તો કેવું!'
તેમણે વિચાર કર્યો અને તરત સામે પાણીનો ઘડો દેખાયો. બંનેએ પાણી પીધું. પેટ કંઈક પડયું એટલે વિચાર થયો, 'આ જંગલમાં આ બધું આવ્યું
કેવી રીતે?'
અબુ-ડબ્બુએ તો આસપાસ બધે તપાસ કરી. ત્યાં તો કોઈ હતું નહીં. તો પછી આ બધું આવ્યું ક્યાંથી? તેમને આશ્ચર્ય થયું. હવે આ રહસ્ય આ બે મિત્રો માટે મહત્ત્વનું બન્યું.
તેમણે વિચાર્યું: આ સૂકાયેલા બધાં ઝાડ લીલાછમ થઈ જાય અને રંગબેરંગી ફૂલો ઊગી નીકળે તો કેવું સારું? તેમનો વિચાર પૂરો થયો ત્યાં તો માહોલ બદલાઈ ગયો ને આસપાસ બધું જ હરિયાળું થઈ ગયું. મેઘધનુષ્ય જેવા રંગો પુષ્પોમાં પુરાઈ ગયા. જાણે જંગલ તો ડિઝનીલેન્ડ બની ગયું.
'આ બધું કોણ કરે છે? સામે આવે.' અબુ બોલ્યો.
તરત અબુ ને ડબ્બુની સામે ઉભેલા વરસો જૂના ઝાડમાંથી એક દેવ પ્રગટ થયા ને બોલ્યા, 'બાળકો, હું વનદેવતા છું. મેં જ આ બધું કર્યું છે.'
'એટલે તમે જાદુ કર્યો?'
'ના, જાદુ નથી. તમારા જેવાં માસૂમ બાળકોને ભૂખ્યા જોઈને મને દયા આવી એટલે મેં તો મારી શક્તિનો ઉપયોગ કરીને તમારી ભૂખ ને તરસને સંતોષવા ઉપાય કર્યો.'
'ખરેખર? પણ કઈ રીતે?'
'જો, મને હતું કે તમને જાદુનો ખ્યાલ આવતાં તમે તમારા માટે કંઈ માંગશો. મને લાંબુ લિસ્ટ આપશો તમારી બધી ઇચ્છાઓનું. પણ તમે તો આ જંગલને સજીવન કરવાનો વિચાર કર્યો. એટલે હું ખુશ થયો છું. બોલો, શું આપું તમને?'
'અમારે કંઈ નથી જોતું. અમે તો આ જંગલ જોવા આવ્યા હતા, બસ. તમે આ જંગલને આવું જ સુંદર રહેવા દો. જ્યાં બધાં બાળકો આવીને આનંદ કરે. પશુ-પંખીને પણ અહીં રહેવાની મજા આવે.'
'પણ બાળકો જંગલ તો આટલું સુંદર થોડું હોય? એમાં તો હિંસક પ્રાણીઓ રહે. એટલે એ કંઈ બાગ જેવું ન હોય.'
'પણ તમે કરી દોને બાગ જેવું સુંદર જંગલ.'
'ના, એ હું ન કરી શકું. તો તો આ જંગલમાં ગમે ત્યારે ગમે તે આવી જાય અને પ્રાણીઓનો શિકાર બને.'
'પણ અમને તો આવું જ જંગલ ગમે છે અને સાથે જંગલનાં બધાં પ્રાણી-પક્ષી સાથે વાતો કરવા મળે તો તો ખૂબ મજા પડે.'
'તમારે બીજું કંઈ નથી માંગવુ?'
'ના, પણ અમે જંગલમાં આવી બધા સાથે મજા કરી શકીએ એવું કંઈ કરો.'
'સારું તો,
જ્યારે જ્યારે તમે આવીને અહીં વિચાર કરશો મંગલ,
ત્યારે ઝટપટ થઈ જશે આ,
તમને ગમતું જાદુઈ જંગલ.'
પછી તો અબુ ને ડબ્બુ રોજ જંગલમાં આવી કોઈને કઈ રીતે મદદરૂપ થવું, કયા સારાં કામ કરવા જેવા વિચાર કરે અને ઝટપટ 'જાદુઈ જંગલ' બની જાય. પશુ-પંખી સાથે રમીને તેઓ પાછાં જતાં રહે.
થોડા દિવસા વીત્યા. અબુ-ડબ્બુ રોજ કલાકો માટે ગાયબ થઈ જતા એટલે ગામલોકોને નવાઈ લાગતી. તેમને થયું: આ અબુ-ડબ્બુ રોજ ક્યાં જાય છે? આ સવાલનો જવાબ મેળવવા એક વાર આખું ગામ એકવાર પાછળ ગયું. તેમણે બંનેને જંગલમાં રમતા જોયા. સિંહ, વાઘ, વરુ સાથે વાતો કરતા જોયા. જંગલની સુંદરતા જોઈ સૌ બોલી પડયાં, 'અરે! આ તો કેવું જાદુઈ જંગલ!'
ત્યાં એક શિકારીને વિચાર આવ્યો, 'વાહ! આજ તો એક સાથે મોટો શિકાર થશે.'
આ વિચાર પૂરો થતાંજ જંગલ ફરી વિરાન અને ઉજ્જડ બની ગયું. કોઈને કંઈ સમજાયું નહીં. અબુ-ડબ્બુએ બધાને બધી વાત કરી. શિકારીએ વનદેવતાની માફી માંગી અને વનદેવતાએ માત્ર અબુ-ડબ્બુ જેવાં નિર્દોષ બાળકો જ આ જાદુઈ જંગલનાં દર્શન કરી શકશે અને જંગલમાં આવી પશુ -પંખીઓ સાથે રમી શકશે એવું વચન આપ્યું.
ત્યારથી અબુ-ડબ્બુ અને તેમના જેવાં ભોળાં બાળકો જંગલમાં જઈ આનંદ કરતા અને વનદેવતા પણ આ બાળકોની નિર્દોષ મસ્તી જોઈ ખુશ થતા. આ રીતે જાદુઈ જંગલ પશુ-પંખી અને બાળકોની મસ્તીથી ગુંજી ઉઠતું.