જાદુઇ કોડી .
- કિરીટ ગોસ્વામી
- પંખી છૂટવા માટે ફડફડ કરતું હતું, પણ પાંજરું બંધ હતું. અમુને પંખીની દયા આવી. પંખીને કેમ છોડાવવું? એ વિચાર સાથે જ તેને જાદુઇ કોડી યાદ આવી
અમુ દરરોજ દરિયાને કાંઠે ફરવા જાય એટલે દરિયા સાથે તેને દોસ્તી થઇ ગઇ.
દરિયાની સાથે તે ઘણી વાતો પણ કરે અને એના ગીતો પણ ગાય...
'વ્હાલો લાગે દરિયો,
કોડીથી છલછલ ભરિયો!
પાણી... પાણી બસ,પાણી...
આ જાદુ કોણે કરિયો?'
એક દિવસ દરિયાએ અમુને એક કોડી આપતાં કહ્યું- 'આ જાદુઇ કોડી છે!'
જાદુઇ કોડી મળતાં અમુ તો રાજી થયો.
દરિયાએ તેને કહ્યું- 'આ કોડી મુઠ્ઠીમાં લઈને તું જે ઇચ્છા કરીશ તે પૂરી થશે.'
અમુની ખુશીનો પાર ન રહ્યો. તેણે દરિયાને કહ્યું-
'થેન્ક યુ, દોસ્ત! આવી અમૂલ્ય ભેટ મને આપવા બદલ!'
દરિયાએ પણ નાનકડું મોજું ઊછાળીને જાણે સ્માઇલ આપી.
ખુશખુશાલ અમુ દરિયેથી પાછો વળતો હતો ત્યાં રસ્તામાં તેણે એક શિકારીને એક પંખીને પાંજરે પૂરીને લઈ જતો જોયો.
પંખી છૂટવા માટે ફડફડ કરતું હતું પણ પાંજરું બંધ હતું.
અમુને પંખીની દયા આવી. પંખીને કેમ છોડાવવું? એ વિચાર સાથે જ તેને જાદુઇ કોડી યાદ આવી.
અમુએ તરત જ જાદુઇ કોડી મુઠ્ઠીમાં લઈ મનમાં ઈચ્છા કરી- 'આ પંખી જલદીથી પાંજરામાંથી મુક્ત થાય!'
ત્યાં તો જોરથી પવન આવ્યો! શિકારીના હાથમાંથી
પાંજરું પડી ગયું અને ખૂલી ગયું.
તરત જ પંખી બહાર નીકળીને આકાશમાં ઉડી ગયું. એ જોઇને અમુ ખૂબ ખુશ થયો. મનોમન ફરી તેણે પોતાના દોસ્ત દરિયાને 'થેન્ક યુ' કહ્યું.