માધવનું સપનું .

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
માધવનું સપનું                                                 . 1 - image


-  એક વાર સાંજે માધવને રસ્તામાં બીમાર માજી મળ્યાં. માજીને તાવ આવ્યો હતો. માધવના મનમાં કરુણા જન્મી. એણે બાજુના મેડિકલ સ્ટોરમાંથી તાવની દવા લઈ માજીને આપી. માજી ખૂબ રાજી થયાં.

- માધવે પરીને કહ્યું, 'મેં તમારી શરત પૂરી કરી છે. હવે તો મને રાજા બનાવશોને?'

પ્રકાશ કુબાવત

મા ધવ રાત્રે દાદીમાં સાથે સૂતો. દાદીમા રોજ રાત્રે તેને વાર્તા કહેતાં. વાર્તા મોટાભાગે રાજાની હોય અથવા પરીની હોય.

રાજાની વાર્તાઓ સાંભળી માધવને પણ રાજા બનવાની ઈચ્છા થઈ. રોજ તે જંગલમાં જઈને ઉદાસ બેસી રહેતો. પરીથી માધવની ઉદાસી જોવાતી નહીં. એક દિવસ તે માધવ પાસે આવી અને કહ્યું કે, 'કેમ ઉદાસ છો?'

માધવે કહ્યું કે, 'મારે રાજા બનવું છે. મારા દાદીમાં રાજાઓની કેવી સરસ વાર્તાઓ કહે છે! આથી મને પણ રાજા બનવાની ઈચ્છા થઈ.

પરીએ કહ્યું કે, 'હું તને ચોક્કસ રાજા બનાવીશ, પણ એ પહેલાં હું તારી કસોટી કરવા ઈચ્છું છું. તારે પંદર-પંદર દિવસ ત્રણ પ્રાણી બનવાનું છે. ત્યાર પછી હું તને રાજા બનાવી શકું. પહેલા તારે સિંહ બનવાનું છે પછી હાથી અને પછી મગર બનવાનું છે.'

પરીની વાત સાંભળી તે તો રાજી રાજી થઈ ગયો. 'આજે જ મને સિંહ બનાવી દો...' એ ઉત્સાહથી બોલ્યો.

પરીએ જાદુઈ દંડ માધવ ઉપર ફેરવતાં જ તે સિંહ બની ગયો. ત્રાડ પાડીને જંગલ ગજવી મૂક્યું. નાનાં નાનાં પ્રાણીઓને તે હેરાન કરવા લાગ્યો. ભૂખ્યો ન હોવા છતાં રસ્તે આવતા પ્રાણીઓ ને મારી નાખતો. મોટાભાગનો સમય એશો આરામમાં જ ગુજારવા લાગ્યો. બીજા રાજ્યનાં પ્રાણીઓ ઘૂસણખોરી કરીને આવવા લાગ્યાં, છતાં પણ તે આંખ  આડા કાન કરતો. આમને આમ પંદર દિવસ પૂરા થઈ ગયા.

હવે પરીએ સિંહ ઉપર  જાદુઈ દંડ ફેરવીને તેને હાથી બનાવી દીધો. હાથી બનતા જ તે ચિંઘાડવા લાગ્યો. જંગલના એકમાત્ર તળાવમાં થોડું જ પાણી બચ્યું હતું. તેમાં તે પડયો અને નાહવા લાગ્યો. આખા તળાવનું પાણી ડહોળું કરી નાખ્યું. વાનરે વિનંતી કરતા કહ્યું, 'પાણી પશુને પીવાલાયક રહ્યું નથી. ખૂબ જ ડહોળું થઈ ગયું છે. હવે તમે બહાર નીકળી જાઓ તો થોડા સમય પછી પશુઓ પાણી પી શકે. થોડા સમયમાં ડહોળ નીચે બેસી જશે.'

વાનરની વાત સાંભળી તેણે કહ્યું, 'હું તો હજી બે-ત્રણ કલાક પાણીમાં જ રહીશ. જોને, નાહવાની કેવી મજા આવે છે! ત્રણ-ચાર કલાક પશુઓ પાણી ન પીએ તો કઈ મરી નહીં જાય. રાત્રે પાણી પી લેશે. તારે બીજાની ચિંતા કરવાની જરૂર નથી. શાંતિથી તું તારું કામ કર.' બધાં પશુઓ તરસ્યા પાછા જવા માંડયા.

પંદર દિવસ પછી પરીએ ફરી હાથી ઉપર જાદુઈ દંડ ફેરવ્યો. તે મગર બની ગયો. મગર પણ તળાવમાં બધાને કારણ વગર હેરાન કરવા લાગ્યો. વાઘ એક ભૂંડ પાછળ પડયો હતો. ભૂંડ જીવ બચાવવા તળાવ બાજુ આવવા લાગ્યું. ભૂંડને આવતું જોઈ મગર બોલ્યો, ' 'એ ભૂંડ! આ તળાવમાં આવતું નહીં. તારા જેવા કદરૂપા પ્રાણીઓ તળાવની શોભા બગાડી નાખે છે. '

હવે ભૂંડ જીવ બચાવવા બીજી દિશામાં દોડવા લાગ્યું. માંડ તે મગરથી બચી શક્યું.

પંદર દિવસ પૂરા થતાં પરીએ મગરને ઉપર જાદુઈ દંડ ફેરવ્યો. મગર માધવ બની ગયો.

માધવે પરીને કહ્યું, 'મેં તમારી શરત પૂરી કરી છે. હવે તો મને રાજા બનાવશોને?'

પરીએ કહ્યું કે, 'હું તને રાજા બનાવી શકીશ નહીં. રાજા પ્રજાના સુખે સુખી અને દુઃખે દુઃખી હોવો જોઈએ. તે ફક્ત તારો અંગત સ્વાર્થ જ જોયો છે.'

માધવ પરીની વાતથી ઉદાસ થઈ ગયો. તેને તેની ભૂલનો અહેસાસ થયો.

થોડા સમય પછી માધવ શાળાએથી પરીક્ષા આપીને ઘરે પાછો આવી રહ્યો હતો. ધૂમધખતો ઉનાળો હતો. રસ્તામાં એક બાળક પરસેવે રેબઝેમ ઊભો હતો. તેની પાસે પૂરતાં વસ્ત્રો ન હતાં. એ ખૂબ ભૂખ્યો લાગતો હતો. માધવે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના બાજુની રેસ્ટોરાંમાંથી એક ગુજરાતી થાળી પેક કરાવીને બાળકને આપી દીધી. એને ગઈ કાલે જ પોકેટ મની મળ્યું હતું. ખાવાનું મળતાં જ તે ગરીબ છોકરો રાજી રાજી થઈ ગયો.

એક વાર સાંજે માધવને રસ્તામાં બીમાર માજી મળ્યા. માજીને તાવ આવ્યો હતો. માધવના મનમાં કરુણા જન્મી. એણે બાજુના મેડિકલ સ્ટોરમાંથી તાવની દવા લઈ માજીને આપી. માજી ખૂબ ખૂબ રાજી થયાં.

પરીએ માધવનું આ રૂપ જોયું. માધવમાં આવેલા આ પરિવર્તનથી તે રાજી રાજી થઈ ગઈ.

હવે તેણે માધવનું સ્વપ્ન સાકાર કર્યું અને તેને રાજા બનાવી દીધો. 'હું રાજા બની ગયો... હું રાજા બની ગયો...' માધવ ઊંઘમાં  બબડવા લાગ્યો. આ સાંભળીને દાદીમાના ચહેરા પર સ્મિત આવી ગયંુ. તેઓ રાઘવના વાંસા પર હાથ પસવારવા લાગ્યાં.          


Google NewsGoogle News