Get The App

ચાલો, વૃક્ષો વાવીએે... .

Updated: May 26th, 2023


Google NewsGoogle News
ચાલો, વૃક્ષો વાવીએે...                                 . 1 - image


- થોડા જ સમયમાં લીમડાના છોડ મોટા થઈ ગયા. ધીમે ધીમે પંખીઓ લીમડા વનમાં આવવા લાગ્યા. સવારે અને સાંજે પક્ષીઓના મીઠા કલશોરથી આખું લીમડા વન ગાજી ઊઠતું

મેહુલ એલ. સુતરિયા

એ ક હતા સાધુ મહારાજ. એક ગામથી બીજા ગામ ફર્યા કરે. આમ પણ કહ્યું જ છે ને કે, 'સાધુ તો ચલતા ભલા.'

એક વાર સાધુ મહારાજ ફરતાં ફરતાં એક ગામમાં આવી ચડયા. ગામથી થોડે દૂર નદી કિનારે જૂનું પુરાણું શિવજીનું મંદિર હતું. સાધુ મહારાજે આ મંદિરમાં થોડા દિવસ રહેવાનું નક્કી કર્યું. સાધુ મહારાજ ગામના મંદિરે આવ્યાની વાત જાણીને ગામલોકો તેમની પાસેથી સત્સંગનો લાભ લેવા આવવા લાગ્યા. સાધુ મહારાજ દરરોજ રાત્રે ગામલોકોને જીવન ઉપયોગી, ધર્મની અને પુરાણોની વાતો કરતા. ગામલોકો સાધુ મહારાજને મહાત્માના નામથી ઓળખવા લાગ્યા. સાધુ મહારાજના સત્સંગથી ગામલોકો ખૂબ પ્રભાવિત થયા.

સત્સંગમાં ગામલોકો પોતાના બાળકોને પણ લઈ જતા. સાધુ મહારાજ તો નાનાં બાળકો સાથે બાળક બનીને રમતા, તેમને વાર્તા સંભળાવતા. આમ, મોટાઓની સાથે બાળકો પણ મહારાજની સાથે હળી મળી ગયા.

સાધુ મહારાજે જોયું કે મંદિરની આજુબાજુ વૃક્ષોનું પ્રમાણ ખૂબ ઓછું હતું. સાધુ મહારાજના મનમાં મંદિરની પાસે આવેલી જગ્યામાં 'લીમડા વન' બનાવવાનો વિચાર આવ્યો.

રાત્રે જ્યારે ગામલોકો સત્સંગમાં આવ્યા ત્યારે સાધુ મહારાજે મંદિર પાસેની પડતર જગ્યામાં 'લીમડા વન' બનાવવાનો વિચાર મૂક્યો. ગામલોકોને તેનાથી થનાર ફાયદા વિષે સમજાવી આ કાર્યમાં તેમની મદદ માગી. ગામલોકોએ મહાત્માની વાતને આનંદથી વધાવી લીધી.

સાધુ મહારાજ અને ગામલોકોએ ભેગા મળીને થોડા જ સમયમાં એક વિશાળ 'લીમડા વન' ઊભું કરી દીધું. 'લીમડા વન'ના વૃક્ષોને પાણી પીવડાવવાની જવાબદારી ગામનાં નાનાં બાળકોએ લઈ લીધી. થોડા જ સમયમાં લીમડાના છોડ મોટા થઈ ગયા. ધીમે ધીમે પંખીઓ 'લીમડા વન'માં આવવા લાગ્યા. સવારે અને સાંજે પક્ષીઓના મીઠા કલશોરથી આખું 'લીમડા વન' ગાજી ઊઠતું.

ગામલોકોએ સાધુ મહારાજના આ કાર્યની પ્રેરણા લઈને ગામની જે જગ્યા પડતર હતી ત્યાં વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો અને સાધુ મહારાજના આશીર્વાદ લઈને તેમણે આ કાર્યની શરૂઆત કરી. આજે આ ગામ 'હરિયાળા ગામ' તરીકે ખ્યાતિ પામ્યું છે. ઉનાળામાં પણ ગામમાં વૃક્ષોને કારણે ઠંડકનો અનુભવ થાય છે. ગામમાં આવેલા વૃક્ષો અગણિત પંખીઓના રહેઠાણ છે. વૃક્ષો અને લીમડા વને ગામની શોભા વધારી દીધી છે.

સાધુ મહારાજના એક વિચારે કેટલું મોટું પરિણામ આવ્યું! બાલ દોસ્તો, પાંચમી જૂનને આપણે 'વિશ્વ પર્યાવરણ' દિન ઉજવીએ છીએ. તો ચાલો અત્યારથી જ આપણી આસપાસની ખુલ્લી જગ્યામાં વૃક્ષો વાવીએ અને તેની જાળવણી કરીએ અને પર્યાવરણને બચાવીએ.


Google NewsGoogle News