આળસુ કાગડો .
- કોઈ માટી લાવે તો કોઈ પાણી લાવે. ચકલીબેન તો ઝીણા એવા પણ સરસ ખાડા ખોદે. ઘડીક તો બધાં તોફાને ચડી જાય. કોઈ માટી ઉછાળે ને કોઈ પાણીના ફૂવારા કરે. બધા છોડ રોપતા જાય અને મજાક કરતા જાય.
ગાયત્રી જાની
એ ક નાનકડું ગામ હતું. એનાથી થોડે દૂર એક મોટુ જંગલ હતું. જંગલના રાજા હાથીભાઈ હતા. જંગલમાં નાનાં-મોટાં પ્રાણી અને પંખીઓ રહેતાં હતાં, જેવાં કે મોર, પોપટ, ચકલી, કાબર, સિંહ, જિરાફ વગેરે. બધા સુખેથી રહેતા હતા, પરંતુ થોડા સમયથી ત્યાં એક કઠિયારો આવતો અને રોજ લાકડા કાપીને લઈ જતો. આથી ધીમે-ધીમે ઝાડ ઓછાં થવા લાગ્યાં. એટલે બધાએ મળીને નક્કી કર્યું કે, આજે આપણે બધા હાથીભાઈને ત્યાં જઈએ જેને જે તકલીફ પડતી હોય એની વાત કરીએં. સિંહ, જિરાફ, પોપટ બધા જ ભેગા થઈને હાથીભાઈ પાસે ગયા.
હાથીભાઈ તો દૂરથી જ આ બધાને જોઈને વિચારમાં પડી ગયા કે શુ થયુ હશે? હાથીભાઈએ બધાને બોલાવ્યા:
'આવો આવો ભાઈઓ, આમ અચાનક બધા સાથે ક્યાં જાવ છો?'
ત્યા તો આગળ જિરાફભાઈ બોલ્યા:
'ક્યાંય નહી. તમને મળવા જ આવ્યા.'
'બોલો બોલો જિરાફભાઈ, શું તકલીફ પડી?'
બધા જ એક સાથે કલબલ કરવા લાગ્યા. અને મોટે-મોટેથી અલગ અલગ તકલીફ કહેવા લાગ્યા. ત્યાં હાથીભાઈ બોલ્યા:
'બધા એક સાથે કહેશો તો મને કઈ રીતે સમજાશે? એક પછી એક બોલો.'
ત્યાં કાબર આગળ આવી અને કહેવા લાગી:
'એક કઠિયારો જંગલમાં આવે છે અને લાકડા કાપીને લઈ જાય છે. એનાથી હવે જંગલમાં ઝાડ ઓછાં થઈ ગયાં છે. પૂરતાં ફળ ખાવા મળતા નથી.'
'સાચું.'
પોપટ બોલ્યો:
'હવે ઝાડ સુકાઈ ગયેલાં છે. એની ઉપર બેસું છું તો એક શિકારી આવે છે અને હું તરત દેખાઈ જાઉં છું એ મારો શિકાર કરી લેશે એવી બીક રહ્યા કરે છે.'
'મે તમારા બેઉની વાત સાંભળી. હવે સિંહ, તું મને બધા વતી સમજાવી દે કે બીજાના શું
પ્રશ્ન છે.'
'હા, હાથીભાઈ, બધાને એ જ તકલીફ પડે છે કે ઝાડ ઓછાં થવાથી છાંયડો મળતો નથી. પાન, ફળ, ફૂલ કંઈ જ ખાવાનુ મળતું નથી અને ચકલી, કાબર જેવાં પંખીઓના માળા તૂટી જાય છે. તો તમે જ કહો એનો શુ ઉપાય કરીએ?'
'તમે કોઈએ કંઈ વિચાર્યું છે?'
'હા, સિંહભાઈ તો અમને કહેતા હતા કે હું શિકારીને અને કઠિયારાને ખાઈ જાઉં, પણ અમે ના પાડી કે એવું નથી કરવું. આપણે હાથીભાઈને મળીએ. એ ચોક્કસ સરસ ઉપાય બતાવશે.'
'સારુ કર્યું. એમને મારીને ખાઈ જવા એ કાયમનો ઉપાય નથી. એ નહીં તો બીજા કઠિયારા ને શિકારી આવવાના જ. એટલે જે તમે જે કર્યું એ સારંુ કર્યું. હું તમને ઉપાય આપું છું.'
બધા સાથે બોલ્યા:
'બોલો બોલો, હાથીભાઈ.'
'તમારે બધાએ એક એક ઝાડ રોપવાનું છે. ઝાડ મોટા થાય ત્યાં સુધી તકલીફ, પણ પછી બધાને નિરાંત થઈ જશે. તમારાં બચ્ચાંને પણ શાંતિ થઈ જશે.'
કાગડો આળસુ હતો એટલે એને આમ કરવું ફાવે એમ નહોતુ. એ બોલ્યો:
'હાથીભાઈ, આ તો કેવું? એને સજા કરવાને બદલે આપણે કામે લાગવાનું?'
'હા, એવા ઘણા લોકો છે. તમે એકને મારશો તો તરત બીજો તૈયાર હશે એટલે એને કંઈ કરવા ન જવાય. આપણે જ આપણો રસ્તો કરી લેવાય.'
કાગડાભાઈનું મન આ વાત માનવા તૈયાર નહોતું. એણે તો ના જ પાડી દીધી, પણ બીજા બધાએ હાથીભાઈની વાત મંજૂર રાખી. સૌ વાતો કરવા લાગ્યા. એક કહે, હું ફલાણું ઝાડ રોપીશ. ત્યાં બીજો બોલે, ના હોં, ફલાણું ઝાડ તો મારું ગમતું છે. એમ સૌ ઉત્સાહથી વિચારવા લાગ્યા, પણ કાગડાને એ ગમતું નહીં. હાથીભાઈને વિચાર આવ્યો કે કાગડો અત્યારે ભલે ના પાડે છે, પણ આ બધાનો ઉત્સાહ અને એમને કામ કરતા જોઈને એ પણ એક ઝાડ રોપશે જ. સિંહ બોલ્યો:
'હાથીભાઈ, અમે જઈએ. ત્યાં જઈને નક્કી કરી દઈશું કે કોને કયુ ઝાડ રોપવું?''
'અરે ભાઈ, અહીંયા જ નક્કી કરોને તો મને ખબર પડે કોણ કયું રોપશે. તમારી આ ખુશી જોઈને મને આનંદ આવે છે.'
સિંહભાઈએ કહ્યું:
'ચલો, એક પછી એક બધા કહે કે કોણ કયું ઝાડ રોપશે.'
ત્યાં તો પોપટ કૂદતો કૂદતો આગળ આવ્યો અને બોલ્યો, 'હું મરચાનું ઝાડ રોપીશ, કારણ કે મરચાં મને બહુ ભાવે. એનો કલર પણ મારા જેવો. હું એમાં સંતાઈ જાઉં તો કોઈને ના દેખાઉં.'
હાથીભાઈ હસવા લાગે છે:
'પોપટ, મરચાનું ઝાડ ન હોય.'
ત્યાં તો જિરાફ બોલ્યો:
'હું લીમડાનું ઝાડ રોપીશ. મને છાયડો મળશે.'
એમ બધા જેને જે ભાવતું હોય અને જરૃરિયાત મુજબ ઝાડ પસંદ કરે છે. હાથીભાઈને પણ એમના વિચાર ખૂબ ગમ્યા. હાથીભાઈની રજા લઈ બધા સાથે મળીને વાતો કરતા જાય છે. કોઈ માટી લાવે તો કોઈ પાણી લાવે. ચકલીબેન તો ઝીણા એવા પણ સરસ ખાડા ખોદે. ઘડીક તો બધાં તોફાને ચડી જાય. કોઈ માટી ઉછાળે ને કોઈ પાણીના ફૂવારા કરે. બધા છોડ રોપતા જાય અને મજાક કરતા જાય. ત્યાં ચકલી બોલી:
'હું થાકી ગઈ!'
આ બધું કાગડાભાઈ જુએ ને મનમાં હરખાય કે કેવા આ બધા ખોટી મહેનત કરે છે... ને હું શાંતિથી આરામ કરું છું!
જોતજોતામાં દિવસો પસાર થવા લાગ્યા. ઝાડ મોટા થતાં ગયાં. સરસ પાન, ફળ, ફૂલ આવવા લાગ્યાં. હવે તો બધાને મજા પડી. શિકારી આવે ત્યારે પક્ષીઓ ઝાડમાં સંતાઈ જતાં અને બચી જતાં. હવે જૂના ઝાડ જંગલમાં બચ્યાં નહોતાં.
એકવાર કાગડાભાઈ આવ્યા અને બધાને કહેવા લાગ્યા:
'મને રહેવા માટે તમારા ઝાડનો આશરો આપશો?'
બધાએ ના પાડી દીધી.
ચતુર શિયાળ બોલ્યું, 'તે આળસ ના કરી હોત અને થોડો સમય અમારી સાથે મહેનત કરી હોત તો આજે તારી આવી સ્થિતિ ન હોત. જો અમારા બધાનાં બચ્ચાં કેવી મોજ કરે છે! તેં કંઈ કર્યું નહી ને આળસમાં જ રહ્યો.'
કાગડાને પસ્તાવો થયો. એ કહે:
'હા, મને મારી ભૂલ સમજાઈ ગઈ.'
કોયલ કહે:
'ચલ, મારા માળામાં આવી જા.'
કાગડાભાઈ ખુશ થઈ ગયા. પછી તો એમણે પણ એક ઝાડ રોપ્યું. બધાં આનંદથી રહેવા લાગ્યાં.
તો જોયું બાળમિત્રો... જે આળસ કરે અને કાલની ચિંતા ન કરે એ કંઈ જ મેળવી શકતો નથી. માટે આપણે આળસ છોડી યોગ્ય સમયે કામ કરી લેવું જોઈએ.