લાલચુ પૂજારી .
- સલીમભાઈ ચણાવાલા
રા મગઢ ગામની આ વાત છે. ગામમાં સુંદરમજાનું મંદિર હતું. મંદિરનો પુજારી પૂજાલાલ ખૂબ જ લાલચુ. ગામના લોકોમાં અંધવિશ્વાસ ફેલાવી લોકોને ખૂબ ડરાવતો - જો તમે મને દાનદક્ષિણા આપી સુખી નહીં રાખો તો બધા દુખી દુખી થઈ જશો! આમ ગામલોકોને ડરાવીને તે પૈસા-સોના-ચાંદી અન્ય વસ્તુઓ સુધ્ધાંપડાવી લેતો.
ગામલોકો અંધવિશ્વાસના કારણે તેનાથી ડરતા. આ બધું ઘણો સમય સુધી ચાલતું રહ્યું. આ જ ગામમાં એક નામચીન ચોર રહે - ગુલ્લુ. તેની નજરમાં મંદિરનો ખજાનો હોય જ. મંદિરમાં ચોરી કરવાનો તેનો ઇરાદો હતો. ગુલ્લુચોર ગામનો વતની હોવાથી આખા મંદિરની રચનાથી પરિચિત હતો. એક દિવસ પૂજારી ઘરે જાય તેની એ રાહ જોતો હતો, પરંતુ લાલચું પુજારી મંદિરમાં જ ધામા નાખ્યા હતા. ધર્માદા પેટી ખોલીને એ આખા દિવસની કમાણી ગણવા લાગ્યો. બરાબર એ જ વખતે ગુલ્લુ ચોરે મંદિરના પાછલા દરવાજેથી અંદર ધુસી ગયો. પહેલાં તે એક થાંભલા પાછળ સંતાઈ ગયો. એ મનોમનમાં વિચારતો હતો - આજે આ લાલચુ પૂજારીને પાઠ ભણાવવો જ પડશે!
એટલે ગુલ્લુ ચોરે પોતાની બુદ્ધિ વાપરીને તરત જ મોટી મૂર્તિ પાછળ જઈને સંતાઈ ગયો અને પૂજારીની બધી જ હરકતો જોતો હતો. પછી ગુલ્લુચોરે ગર્જતા અવાજમાં બોલ્યો, 'હું સ્વયમ્ ભગવાન બોલું છું... તું મારા નામ ઉપર લોકોને ડરાવીને પૈસા ભેગા કરે છે, પરંતુ હું તને નહીં છોડું.'
પૂજારીને પહેલાં તો લાગ્યું કે આ આકાશવાણી નથી, મનનો ભ્રમ છે. એ પાછો પૈસા ગણવા લાગ્યો. ગુલ્લુચોરે ફરીથી ગર્જના કરી. આ વખત પૂજારીને લાગ્યું કે આ તો સાચેજ સ્વયં ભગવાન બોલ્યા લાગે છે. તે ગદ્ગદ્ થઈ ગયો. આ મૂર્તિ પહેલાં ક્યારેય બોલી નથી, તો પછી આજે...
પૂજારી બોલવા લાગ્યો, 'હે ભગવાન! મને માફ કરો. હું બધાનું ધન અને એમની વસ્તુઓ પાછી આપી દઈશ! ભગવાન મને માફ કરો, હવે પછી આવી લાલચ નહીં રાખું.'
આ જોઈને ગુલ્લુચોરને વિચાર આવ્યો: શું પૂજારી પોતાની લાલચવૃત્તિ છોડી શકતો હોય તો શું હું મારી ચોરવાની વૃત્તિ ન ત્યજી શકું?
પ્રભુની મૂર્તિની સમીપતાનું કારણ હોય કે કંઈ પણ, પરંતુ પૂજારીનો પસ્તાવો જોઈને ગુલ્લુચોરનું હૃદય પરિવર્તન થઈ ગયું. તેણે પણ મનોમન નક્કી કર્યું કે આજ પછી હું ક્યારેય ચોરી નહીં કરું! તે ચુપચાપ મંદિરમાંથી બહાર નીકળી ગયો.
પૂજારીએ બીજા દિવસે જ ગામલોકોને એમના પૈસા, સોનું-ચાંદી, વસ્તુઓ પાછા આપી દીધા. ત્યારબાદ કોઈ દિવસ કોઈની પાસે કશું જ ભેટ સોગાદ રુપે લેવાનું એણે બંધ કરી દીધું અને સાચા ભાવથી ભગવાન સેવા કરવા લાગ્યો.