Get The App

લજ્જા અને સજ્જા : બન્ને બહેનપણીઓ એક બીજાના ઘરે આવતી જતી થઈ

Updated: Jul 22nd, 2022


Google NewsGoogle News
લજ્જા અને સજ્જા : બન્ને બહેનપણીઓ એક બીજાના ઘરે આવતી જતી થઈ 1 - image

-  'સજ્જા, તને ખ્યાલ છે આપણે પરીક્ષા આપવા આવ્યા છીએ. પરીક્ષામાં આપણી સૂઝ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખવાના હોય. કોઇને પૂછીને જવાબ લખવાથી પરીક્ષામાં માર્કસ વધારે આવે, પણ એ ચોરી કહેવાય.'

લજ્જા સામાન્ય ઘરની છોકરી. ભણવામાં હોશિયાર, ચબરાક, ચાલાક, ઠાવકી, મીઠડી. વર્ગમાં બધાને લજ્જાના વર્તનથી સંતોષ. લજ્જા બધાને પ્રેમથી બોલાવતી. બધા તેને પ્રેમથી બોલાવતા. લજ્જાએ ગામની શાળામાં ધોરણ પાંચમાં પ્રવેશ લીધો. પ્રથમ દિવસે એની બેંચ પર ગામના શેઠની દીકરી  સજ્જાનો સાથ મળ્યો. સજ્જા પૈસાદારની છોકરી હતી. માથે પોની ટેલ. આંખને આંજી નાખે એવા રંગવાળું ને ઝુલવાળું ફ્રોક. પગમાં મોજાં અને બુટ. એનું દફતર પણ મોઘું હતું. એનો ચહેરો, એનું હલનચલન પૈસાદાર હોવાની ચાડી ખાતું હતું. 

જ્યારે લજ્જા પાસે બ્લ્યુ કલરનું સાદું ફ્રોક ેપગમાં સ્લીપર અને બગલથેલા જેવું નાનું દફતર હતું. લજ્જાનો ડ્રેસ જોઇ સજ્જાની આંખો મોટી થઇ અણગમો પ્રગટ કરતી હતી, પણ લજ્જાને તો ભણવામાં ધ્યાન હતું. સજ્જાને પૈસાદાર હોવાનું અભિમાન હતું એ એના વર્તન પરથી દેખાતું હતું.

એક વાર પિરિયડ ચાલતો હતો. સાહેબ બોર્ડ પર ગણિતના દાખલા શીખવતા હતા. સજ્જા આખા વર્ગમાં આંખો ફેરવી બગાસાં ખાતી હતી. એને ગણિતમાં રસ નહોતો. સાહેબ ભણાવતા હતા પણ એનું ધ્યાન બીજે હતું. બાજુમાં બેઠેલી લજ્જા ધ્યાનથી સાહેબ જે બોર્ડ પર લખી રહ્યા હતા તે નોટમાં ટપકાવતી હતી. લજ્જાની નજર સાહેબ પર હતી. સાહેબનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળતી હતી અને પોતાની સમજ પ્રમાણે નોેટ લખતી હતી. સજ્જાએ લજ્જા તરફ જોયું. લજ્જા હસી. સજ્જા બોલી: 'મને ગણિતમાં કંઇ સમજ પડતી નથી.' લજ્જા બોલી: 'સાહેબ બોલે છે એના તરફ ધ્યાન આપ. સાહેબ જે બોર્ડ પર લખે છે તે તારી નોટમાં લખવા લાગ. આપોઆપ આવડતું જશે.'

સજ્જા બે ઘડી લજ્જા સામે જોઈ રહી. પછી દફતરમાંથી પેન અને નોટ કાઢી બોર્ડ પર જોઈ જોઈને લખવા લાગી. થોડી વારમાં એને સમજ પડવા લાગી. લજ્જાને આ ગમ્યું. એ બોલી: 'સહેજ ધ્યાન આપીએ તો બધું આવડે.' સજ્જા હસી. પિરિયડ પૂરો થયો. સમય પસાર થતો રહ્યો. સજ્જા અને લજ્જા ખિલખિલાટ કરતાં, મજાકમસ્તી કરતાં પાકાં દોસ્ત બની ગયા છે.

સજ્જાને ગણિતમાં સારા માર્કસ આવતા થયા. લજ્જાની મદદથી સજ્જાને ગણિતમાં રસ પડવા લાગ્યો. ગણિત આવડતું થયું, પણ સજ્જાની રહેણીકરણીમાં ફેરફાર ના થયો. સજ્જાને ગણિતમાં રસ પડવાથી લજ્જા ખુશ હતી. સજ્જા હવે લજ્જાને પ્રેમથી બોલાવતી. પ્રેમતંતુએ બન્નેની દોસ્તી બાંધી રાખી.

લજ્જા અને સજ્જા હવે આઠમા ધોરણમાં આવી. બન્ને બહેનપણીઓ એક બીજાના ઘરે આવતી જતી થઈ. બન્નેનાં મમ્મી અને પપ્પા સજ્જા-લજ્જાની દોસ્તીથી ખુશ હતાં. સજ્જાને પૈસાનું થોડું અભિમાન હતું, પણ લજ્જા એ મનમાં રાખતી નહોતી. સજ્જા પ્રેમથી બોલાવે છે એ એના માટે ગણું હતું. જોકે સજ્જાની મમ્મીને ખ્યાલ આવી ગયો હતો કે એની દીકરી ગણિતમાં રસ લેતી થઇહોય તો એ લજ્જાને લીધે જ. સજ્જાની મમ્મી લજ્જાને સગી દીકરીને જેમ સાચવતી. સજ્જા ઘણીવાર  લજ્જાને વાતવાતમાં પૈસાની બાબતમાં ઉતારી પાડતી. તો લજ્જા ઘણીવાર કહેતીઃ એક વત્તા એક કેટલા થાય? આ સાંભળી સજ્જા છેડાઈ પડતી. પણ લજ્જા સજ્જાને મનાવી લેતી. નાની મોટી બાબતમાં બન્ને વચ્ચે રકઝક ચાલ્યા કરતી.  સજ્જાની મમ્મીની મીઠી નજરથી બન્નેની દોસ્તી પૂરપાટ દોડયા કરતી. 

લજ્જા સમજુ હતી. સજ્જા થોડી જક્કી અને હું પૈસાવાળી છું એવો ઠસ્સો રાખવાવાળી હતી, પણ લજ્જા એને સાચવી લેતી હતી. સજ્જાને મારા માટે લાગણી છે એવી પ્રતીતિ લજ્જા માટે ઘણી હતી. 

વાર્ષિક પરીક્ષા હતી. લજ્જા અને સજ્જાનો એક વર્ગમાં બેઠક નંબર આવ્યો હતો. વર્ગમાં છેલ્લી બેંચ પર બન્ને બેઠાં હતાં. ગણિતનું પ્રશ્નપત્ર હતું. સજ્જાએ લજ્જાને સાનમાં ગણિતનો એક પ્રશ્નનો જવાબ પૂછ્યો. લજ્જા પેપર લખવામાં તલ્લીન હતી. સજ્જાએ ફરી ઇશારો કરી પ્રશ્નનો જવાબ માંગ્યો. લજ્જા પેપર લખતાં લખતાં બોલી: સજ્જા, તારી સૂઝ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખ. લજ્જાએ પ્રશ્નનો જવાબ ન આપ્યો એટલે સજ્જા નારાજ થઇ. એણે થોડી રકઝક કરી. લજ્જા ના માની. સજ્જા ગુસ્સામાં હતી. 

પેપરનો સમય પૂરો થયો. બન્ને વર્ગખંડમાંથી બહાર આવી. લજ્જાએ સજ્જા સાથે પેપરનો પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. સજ્જા બોલી: 'કેમ તેં પ્રશ્નનો જવાબ ના કહ્યો?' લજ્જા બોલી: 'સજ્જા, તને ખ્યાલ છે આપણે પરીક્ષા આપવા આવ્યા છીએ. પરીક્ષામાં આપણી સૂઝ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખવાના હોય. કોઇને પૂછીને જવાબ લખવાથી પરીક્ષામાં માર્કસ વધારે આવે, પણ એ ચોરી કહેવાય.' સજ્જા ગુસ્સામાં બોલી: 'લજ્જા, આજથી તારી કિટ્ટા. હવે હું તને નહીં બોલાવું. તારે મારા ઘેર નહીં આવવાનું.' એમ કહી સજ્જા સડસડાટ ઘર તરફ ચાલવા લાગી. લજ્જા એને જતી જોઈ રહી. પછી એણે પણ પોતાના ઘર તરફ ચાલવા માંડયું.

સજ્જાએ ઘરે આવીને લજ્જા વિષે મમ્મી આગળ ફરિયાદ કરી. સજ્જાની મમ્મી સમજદાર હતી. એમણે દીકરીને સમજાવ્યું   કે પરીક્ષામાં ચોરી કરવી એ ગુનો છે. આવું પરીક્ષામાં ન થાય. આપણી સુઝ પ્રમાણે પ્રશ્નોના જવાબ લખવાના હોય. સજ્જા જક્કી હતી. તે ન માની. લજ્જાને પોતાના ઘેર આવવાની ના પાડી એ બાબતે સજ્જાની મમ્મીએ એને ઠપકો આપ્યો. સજ્જા સમસમી રહી.

ઘણા દિવસો પસાર થયા. સજ્જાને લજ્જા યાદ આવતી. એને થતું કે પોતે પગ ઉપર જાતે કુહાડી મારી છે. હવે કરે શું? લજ્જાને બોલાવવી કેમ? 

તે દિવસે સજ્જાનો જન્મદિવસ હતો. તે મમ્મી સાથે બજારમાં ખરીદવા નીકળી. એ ખુશ હતી. બજારમાં આમતેમ નજર દોડાવી રહી હતી. સજ્જાની નજર ફૂલોની એક મોટી દુકાન પર પડી. ભારે ભીડ હતી. તેની નજર લજ્જા પર પડી. ભીડમાં લજ્જા ફૂલો ખરીદી રહી હતી. લજ્જાને ઘણા દિવસો બાદ જોઈને સજ્જા રોમાંચિત થઇ ઉઠી. લજ્જાને પોતાના ઘરે ન આવવા કહેવા બાબતે અફસોસ થવા લાગ્યો. આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. એને પોતાની ભૂલ સમજાઈ. લજ્જાનું પેલું વાક્ય યાદ આવ્યું. એક વત્તા એક કેટલા થાય? એ લજ્જાને મળવા ઉતાવળી થઇ. મમ્મીનો હાથ હલાવી કહેવા લાગી: 'મમ્મી, ત્યાં જો... લજ્જા, પેલી ફૂલોની દુકાનમાં...' 

મમ્મીએ ફૂલોની દુકાનમાં નજર કરી. લજ્જાના હાથમાં બે ગુલાબ હતા. મમ્મીએ લજ્જાના નામની બૂમ મારી. લજ્જાની નજર એ તરફ ગઈ. એણે જોયું કે સજ્જા એની મમ્મી સાથે ઉભી હતી. સજ્જાને જોઇને એ ખુશ થઇ. એણે ગુલાબ તરફ જોયું. એટલામાં સજ્જા, સજ્જાની મમ્મી અને લજ્જા રસ્તા વચ્ચે આવી ગયાં. ત્રણે જણ રોમાંચિત થઇ ઉઠયાં હતાં. લજ્જા બોલી: 'સજ્જા, આજે તારો જન્મદિવસ છે. તને ભેટ રૂપે આ બે ગુલાબ આપું છું અને શુભેચ્છા પાઠવું છું.' 

સજ્જા અને એની મમ્મી ખુશ થઇ ગયાં. સજ્જા લજ્જાને ભેટી પડી. બે ગુલાબ સજ્જા અને લજ્જાને જોઈ રહ્યાં... 

- જગદીશ બી. પટેલ


Google NewsGoogle News