દયાળુ રાજા .
- રાજા હંમેશા સચ્ચાઈનો સાથ આપતો અને યોગ્ય ન્યાય આપતો. એ રોજ રાત્રે વેશપલટો કરીને નગરમાં આંટો મારવા નીકળતો. એ હંમેશા જોતો કે રાજ્યમાં કોઈ દુ:ખી તો નથીને!
- માધવી આશરા
વિજયનગર રાજ્યમાં રાજા જયરાજસિંહ રાજ કરતો હતો. તેણે રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની ખૂબ મદદ કરી હતી. તે ખૂબ દયાળુ હતો. પ્રજા તેના ખૂબ વખાણ કરતી. તે હંમેશા પ્રજાની સમસ્યાઓ સાંભળતો અને તેમની મદદ કરતો.
એક દિવસ એક ગરીબ ખેડૂત રાજમહેલ આવ્યો. તે ખૂબ દુ:ખી લાગતો હતો. રાજાએ તેને પ્રેમથી પૂછયું, 'શું થયું, ભાઈ?'
ખેડૂત આંસુ ભરેલી આંખે બોલ્યો, 'રાજા સાહેબ, અમારું ખેતર સુકાઈ ગયું છે. અત્યારે અમારી પાસે ખાવાનું પણ નથી. મારો પરિવાર ભૂખ્યો મરી રહ્યો છે.'
રાજાએ તરત જ મંત્રીઓને આદેશ આપ્યો કે આ ખેડૂતને અનાજ અને પાણી આપીને મદદ કરે. પણ રાજા ત્યાં અટક્યો નહીં. તેણે રાજ્યભરના બધા ખેડૂતો માટે એક યોજના બનાવી. મહેલના ભંડારમાંથી અનાજ આપ્યું અને રાજ્યમાં નવા કૂવા ખોદાવ્યા જેથી પાણીની તંગી ન રહે.
રાજા જેટલો દયાળુ હતો એટલો સ્વભાવે કડક પણ હતો. તે હંમેશા સચ્ચાઈનો સાથ આપતો અને યોગ્ય ન્યાય આપતો. રાજા રોજ રાત્રે વેશપલટો કરીને નગરમાં આંટો મારવા નીકળતો. તે હંમેશા જોતો કે રાજ્યમાં કોઈ દુ:ખી તો નથીને!
એક વખત રાજા રાત્રે નગરચર્યા કરી રહ્યો હતો ત્યારે એક શેઠની દુકાન પાસેથી નીકળ્યો. દુકાનમાં શેઠ મજૂરો પાસે મોડે સુધી કામ કરાવતા અને ખૂબ ઓછો પગાર આપતાં. શેઠનું એક ખેતર પણ હતું. ખેતરમાંથી પેદા થતું અનાજ સાફ કરાવીને દુકાનના ગોડાઉનમાં મુકાવતા. રાજાએ જોયું તો એક મજૂર શેઠ પાસે થોડા પૈસાની મદદ માગી રહ્યો હતો, પણ શેઠે પૈસા પૈસા આપવાની ના પાડી દીધી.
મજૂર દુકાનની બહાર આવ્યો ત્યારે તેની આંખોમાં આંસુ હતાં. રાજાએ મજૂર પાસે બધી હકીકત જાણી. મંજુરની પત્ની ખૂબ બીમાર હતી. તેને રજા જોઈતી હતી અને પૈસાની આવશ્યકતા હતી. કમનસીબે શેઠ ન તો રજા આપી, ન કશી મદદ કરી.
બીજે દિવસે રાજાએ ભરીસભામાં શેઠને બોલાવ્યો અને ગરીબ મજૂરોને પણ બોલાવ્યા. રાજાએ શેઠને મજૂરો ઉપર જુલમ કરવા માટે દંડ કર્યો. શેઠે રાજાની માફી માગી. રાજાએ શેઠને કહ્યું, 'બધા મજૂરોનો પગાર વધારી દો. જેમને રજાની જરૂર હોય તેને રજા આપવી. લાચાર મજૂરો પાસે પરાણે કામ ના કરાવવું.'
રાજાની ન્યાયપૂર્ણ વાત સાંભળીને મજૂરો ખૂબ ખુશ થયા.
રાજા જયરાજસિંહના આવા ન્યાયસંગત શાસનને કારણે એમનું રાજ્ય ઉત્તરોત્તર સમૃદ્ધ થતું ગયું. નગરજનો ખુશ હતા. તેઓ હૃદયપૂર્વક રાજાને શુભેચ્છા અને આશીર્વાદ આપતા. રાજાની ન્યાયપ્રિયતા અને કાર્યકુશળતાની કીર્તિ આજુબાજુના રાજ્યોમાં પણ ફેલાઈ.
રાજા કહેતા, 'રાજ્ય એક પરિવાર જેવું હોય છે. જ્યારે એક વ્યક્તિ તકલીફમાં હોય ત્યારે સહાય કરવી એ રાજાનો ધર્મ છે.'