Get The App

કલ્લુ અને બલ્લુ .

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
કલ્લુ અને બલ્લુ                                              . 1 - image


- ભરત પંચોલી

એ ક હતાં કાબર બહેન. તેને બે બચ્ચાં હતાં. એકનું નામ કલ્લુ અને બીજીનું નામ બલ્લું. બન્ને બહેનોમાં સંપ જબરો.

કલ્લુ તેની મમ્મીની બધી વાતો માનતી હતી અને મમ્મી કહે તે પ્રમાણે કરતી, જ્યારે બલ્લુ મમ્મીની વાતો પહેલા માને નહીં. તે સવાલ કરે, દલીલો કરે. પણ પછી મમ્મીની વાત માને. બન્ને બહેનો મમ્મીની લાડકી. બન્ને બહેનો જ્યાં જાય ત્યાં સાથે ને સાથે જ હોય, ક્યારેય છુટા ના પડે તેવો સંપ અને પ્રેમ.

એક દિવસ બન્ને બહેનોએ કહ્યું: 'અમે અમારા મામાના ઘરે જઈએ.' 

મમ્મી કહે: 'તમે હજુ નાના છો. એકલાં ના જાવ. હું તમારી સાથે આવીશ. થોડા દિવસ પછી આપણે સૌ જઈશું.'

કલ્લુ કહે : 'મમ્મીની વાત સાચી છે.' જ્યારે બલ્લુ કહે: 'આપણને ઊડતા આવડી ગયું છે. અને મેં મામાનું ઘર જોયું છે. આપણે જઈએ મામાના ઘરે અને મામાને સરપ્રાઈઝ આપીએ.'

કલ્લુ અને મમ્મી કહે : 'આમ એકલાં એકલાં ના જવાય. સાથે મમ્મી હોય તો ફેર પડે અને આપણને કોઈ મુશ્કેલી ના પડે.' 

પણ બલ્લુએ તેમની વાત ના માની.

બલ્લુ રીસાઈ ગઈ. તેને તો હઠ પકડી. મમ્મી તેની જીદ આગળ ઝૂકી ગઈ. કહે: 'તારે જવુ હોય તો જા.' 

કલ્લુ કહે : 'મમ્મી, ખરેખર અમે જઈએ મામાના ઘરે ?' 

'આમ તો એકલાં ના જાવ તો સારું. પણ તમારે જવું હોય તો જાવ. પણ સાચવીને જજે. અને આ ચિઠ્ઠી તમારા મામાને આપજો.'

બલ્લુ રાજી થઈ. કહે: 'સારું, મમ્મી. તમે ચિંતા ના કરશો.' 

કલ્લુએ કહ્યું: 'તું રાજી ખુશીથી મોકલે છે ને! તને દુ:ખ તો નથી ને !' 

મમ્મીએ કહ્યું : 'દુ:ખ નથી, પણ ચિંતા છે.'

બન્ને બહેનો ઊપડી મામાને ઘરે જવા. ચોમાસું હતું, પણ વરસાદ અટકી ગયો હતો એટલે પાછો ઉનાળા જેવો માહોલ સર્જાઈ ગયો હતો. ખૂબ ગરમી હતી. કલ્લુ અને બલ્લુ તો નીકળી ગઈ માામાને ઘરે જવા. પણ થોડે ગયા પછી બલ્લુ તો ગભરાઈ ગઈ. તેને વિચાર કર્યો કે જો હું હિંમત હારી જઈશ અને નિરાશ થઈશ તો કલ્લુને કેવું લાગશે !  બલ્લુએ હિંમત ગુમાવી નહીં.

આમ વિચારીને બન્ને બહેનો ઊડતી રહી.  બપોરનો સમય થયો હતો. કોઈ પણ વ્યક્તિ કે પંખીઓ રસ્તા પર દેખાય નહીં. માણસો ઘરમાં પૂરાઈ ગયા હતા અને પંખીઓ ઝાડની છાયામાં પોતપોતાના માળામાં લપાઈ ગયાં હતાં. સૂરજદેવ લાલચોળ થઈને ઘરતીને તપાવી રહ્યા હતા. 

કલ્લુ અને બલ્લુએ માથે કેપ પહેરી અને દુપટ્ટો ઓઢીને ઉપડી.

કલ્લુએ કહ્યું: 'બહેન બલ્લુ, મને તો ખૂબ તરસ લાગી છે. તરસે મારો હમણાં જીવ જશે તેમ લાગે છે. મામાનું ઘર કેટલે દૂર છે? મામાનું ઘર ક્યારે આવશે? હવે તો મારાથી ગરમીમાં ઊડાય તેમ નથી.' 

બલ્લુ કહે: 'સારું, બહેન. આપણે થોડી વાર આરામ કરીએ. તું થોડી વાર બેસજે. હું તારા માટે પાણીની તપાસ કરીને આવું છું.'

બલ્લુ તો ઊડી.  કલ્લુ એક મકાનની પાસે આવીને બેઠી. એ કલબલ કલબલ કરવા લાગી અને રડવા લાગી. તેનો અવાજ સાંભળીને માન્યાએ દરવાજો ખોલ્યો. તેણે કલ્લુ કાબરને જોઈ.

કાબરે કહ્યું: 'પાણી... પાણી આપો. તરસે મારો જીવ જાય છે.' 

માન્યા દોડીને બહાર મુકેલું પાત્ર કલ્લુ પાસે મુક્યું અને કહ્યું: 'કાબરબહેન, લો.'

કલ્લુ પાણી પીવા ગઈ. 'ઓહ ! આ તો ખૂબ ગરમ પાણી છે. હું કેવી રીતે પીઉં ?' 

માન્યા દોડીને ઠંડું પાણી લઈને આવી. 

'લે કાબર બહેન. પાણી પીવો.' 

કલ્લુએ પાણી પીધું અને પાછી રડવા લાગી. માન્યાએ કહ્યું: ''તું કેમ રડે છે ? તને શું થયું ?' 

'મને ખૂબ ભૂખ લાગી છે. થોડું ખાવાનું હોય તો આપોને...' 

માન્યા ઘરમાંથી ખાવાનું લાવીને એને આપ્યું.  કલ્લુએ ખાધું. પછી પાણી પીધું. પાછી તે રડવા લાગી. માન્યાએ પૂછ્યું : કેમ પાછી તું રડવા લાગી? શું થયું છે તને ?' 

'મારી બહેન બલ્લુ મારા માટે પાણી લેવા ગઈ છે. પણ હજી તે આવી નથી.અમે અમારા મામાના ઘરે જવા નીકળ્યાં છીએ.'

'તમે આટલાં નાનાં છો અને મામાના ઘરે જવા એકલાં નીકળ્યા છોે ? તમારી સાથે બીજું કોઈ છે ?' માન્યાએ પૂછ્યું.

'ના, અમે એકલા જ છીએ. બલ્લુએ મમ્મીની વાત ના માની. એને જીદ્દ કરી એટલે મમ્મીએ રજા આપી.' 

'ક્યારેય ખોટી જીદ ના કરાય. મમ્મીની વાત તો માનવી જોઈએ ને ? હું મારી મમ્મીની બધી વાત માનું છું. મમ્મી ના કહે એટલે હું મારી જીદ મૂકી દઉં છું...' માન્યાએ કલ્લુને કહ્યું.

ત્યાં ઊડતી ઊડતી બલ્લુ આવી. તે ગભરાયેલી હતી અને જોરથી હાંફી રહી હતી. બલ્લુને જોઈને કલ્લુ એને વળગી પડી. કહે: 'આ મારી બહેન બલ્લુ છે.' 

માન્યાએ કહ્યું, 'બલ્લુ, થોડો આરામ કર. પાણી પી અને ખાવાનું ખા.'

બલ્લુએ કહ્યું, 'અમે ખોટી જીદ કરીને મમ્મીની વાત ના માનીને મામાના ઘરે જવા નીકળ્યા છીએ. હવે તો અંધારું થઈ ગયું છે. અમને તો મામાનું ઘર પણ ખબર નથી. અમારી મમ્મી ચિંતા કરતી હશે. અમે ક્યાં જઈશું?'

માન્યા બોલી: 'ચિંતા ના કરો. તમારે મારા રૂમમાં ઊઘવું હોય તો ઊઘજો. એ.સી. ચાલુ છે. મારા પલંગમાં સૂઈ જજો.'

બલ્લુ બોલી: 'અમે રહ્યા પંખી જાત. અમને એ.સી. કે રૂમમાં ઊઘવું ફાવે નહીં. અમે તો ઝાડ પર ઊઘી જઈએ.'

'સારું, તમે સામે દેખાય તે ઝાડ પર સૂઈ જાઓ. સવારે હું તમને જગાડવા આવીશ.'

કલ્લુ-બલ્લુની મમ્મીને ચિંતા હતી કે બન્ને બચ્ચાં એકલાં છે. એટલે તે પણ છાની માની ઊડતી ઊડતી તેમની પાછળ જતી હતી. સવારે પંખીઓના અવાજ સાંભળી કલ્લુ-બલ્લુ જાગી ગઈ. જાગીને જોયું તો મમ્મી સામે હતી. બન્ને બહેનો બોલી ઉઠી: 'મમ્મી... તું અહીં?'

'હા, બચ્ચાઓ. મને તમારી ચિંતા થઈ એટલે હું તમારી પાછળ પાછળ આવી.'

 માન્યાએ ઝાડ પાસે મુકેલા કુંડામાં પાણી ભર્યું અને બીજામાં થોડા દાણા નાખ્યાં.

કલ્લુ બોલી: 'ૅઅમારી મમ્મી પણ હવે આવી ગઈ છે. હવે અમે અમારા મામાના ઘરે જઈશું.  બાય, માન્યા. તારો ખૂબ ખૂબ આભાર. તે અમને ખાવાનું અને પીવાનું પાણી આપ્યું અને આશરો આપ્યો.' 

માન્યા કહે: 'મોસ્ટ વેલકમ... આવજો!'

કલ્લુ અને બલ્લુ મમ્મી સાથે મામાના ઘરે જવા ઊડવા લાગી. માન્યા  ક્યાંય સુધી બાય-બાય કરતી હાથ હલાવતી રહી...  


Google NewsGoogle News