કૈકેયી .
- દશરથે કહી દીધું, 'કૈકેયી, તેં અદ્ભૂત કાર્ય કર્યું છે.... બીજાું કોઈ જ આ અવર્ણનીય કાર્ય કરી શકે નહીં. તારી બે કચડાયેલી આંગળીના બદલામાં આજે જ તું બે વચન માગી લે, માગી જ લે.'
- કૈકેયી માતૃ-સ્નેહથી વંચિત રહી ગઈ હતી.
- રાજનીતિમાં દયાને સ્થાન નથી એવું મંથરાએ શીખવ્યું હતું.
કૈ કેયી રામાયણનું મુખ્ય પાત્ર છે. રામાયણની ધરી છે. બાળકો જે ભમરડો ફેરવે છે, તે જાણે છે કે 'આર' સ્થિર તો ભમરડો સ્થિર. આર જો સહેજ પણ વાંકી હોય તો ભમરડો તતડે છે. કૈકેયી નામે જે ભમરડો છે તે સ્થિર છે, અસ્થિર પણ છે. આટલી પૂર્વભૂમિકા સાથે ચાલો આપણે કૈકેયી ગાથા શરૂ કરીએ.
તે કૈકેય રાજ્યની રાજકુમારી હતી એટલે એનું નામ કૈકેયી પડયું હતું. તે સોળે કળામાં પાવરધી હતી. યુદ્ધ કળા તેનો પ્રિય વિષય હતો. જ્યારે પિતા રથમાં પ્રવાસ કરતાં કે યુદ્ધમાં જતાં ત્યારે કૈકેયી જ તેમની સારથી બની રહેતી.
કૈકેયીના પિતાનું નામ અશ્વપતિ હતું. તેઓ પશુ-પંખી અને પર્યાવરણના પ્રશંસક હતા. વન સંરક્ષણ તેમનો પ્રિય વિષય હતો એટલે સુધી કે તેમણે પશુ-પંખીની ભાષા પણ શીખી લીધી હતી. પંખીઓના કલરવ અને સંભાષ્ણથી તેઓ માનવીય વાણિ તારવી શકતા. તેમને એ પક્ષી-કળામાં મઝા પડતી.
કૈકેયીના માતાનું નામ કુશલાદેવી હતું. તે પણ કંઈક વિદ્યામાં કુશળ હતી, પણ સ્વતંત્ર સ્વભાવની સ્વામિનિ અને જીદ્દી હતી. કોઈ જો તેના પ્રશ્નનો જવાબ ન આપે તો તે ગુસ્સે થઈ જતી.
એક વખત માતા-પિતા એટલે કે કુશલાદેવી અને અશ્વપતિ વનવિહારે ઉપડયાં ત્યારે કુશલા કરતાં પતિ અશ્વપતિ પંખી-વાણીમાં વધુ રસ લેવા લાગ્યા.
બાજુમાં જ વહેતી મનોહર નદીમાં તરતા તરતા એક હંસ યુગલે વાર્તાલાપ શરૂ કર્યો. એ વાત એટલી મધુર હતી કે અશ્વપતિ સાંભળી રહ્યા. હસી રહ્યા. હસતા રહ્યા.
પોતાને બદલે હંસ જોડીમાં વધુ રસ લેતાં પતિને જોઈ કુશલાદેવી નારાજ થયા. તેમાંય પતિને હસતા જોઈ તેમને કૌતુક થયું. શંકા ગઈ. તેમણે પૂછ્યું : 'શું હસો છો?'
હવે અશ્વપતિ એ વાત જણાવી શકે તેમ ન હતા, કેમ કે જ્યારે પંખી-વાણીથી તેઓ નિપુણ થયા, ત્યારે જ તેમને કહેવામાં આવ્યું હતું કે, બે પંખીની વાત કોઈને કહેવી નહીં.
જ્યારે કુશલાદેવીના ભારે આગ્રહ અને જીદ છતાં અશ્વપતિએ કોઈ જવાબ ન જ આપ્યો ત્યારે બંન્ને વચ્ચે વિવાદ ઊભો થયો.
અશ્વપતિ નારાજ થઈ ગયા. તેમણે કુશલાદેવીને તેમને પિયર મોકલી આપ્યા. કદી બોલાવ્યા નહીં. કૈકેયી ત્યારે નાની હતી. માતા પણ એવી ઝનૂની હતી કે તે પણ કદી કૈકેયી દેશ પાછી ફરી નહીં.
આથી કૈકેયી માતૃ-સ્નેહથી વંચિત રહી ગઈ.
પણ પિતાએ તેને ભરપૂર પ્રેમ આપ્યો.
માતાના વાત્સલ્ય વહાલ અને લાડની કદી ખોટ પડવા દીધી નહીં. પોતાના કારભારીઓ તથા કાર્યકર્તા એને જ કૈકેયીનો ખ્યાલ રાખવાનું કહી દીધું. આને લઈને કૈકેયીમાં પુરૂષત્વ તથા પુરૂષ ગુણોનો વધારો સામેલ થયો.
માતૃત્વની કોઈ જ મમતાથી પુત્રી કૈકેયી વંચિત રહી જાય નહીં, માટે મંથરા નામની પંકાયેલ મહિલાની તેમણે સેવા પૂરી પાડી. આ રીતે મંથરા જ એક રીતે કૈકેયીની માતા બની રહી.
મંથરાને સહેજ ખૂંધ હતી. એ પણ પિતા અશ્વપતિની પસંદગીનું કારણ હતું, કેમ કે અશ્વપિતાજીને જેમ પર્યાવરણ પ્રિય હતું તેમજ અપંગો પણ પ્રિય હતા. તેમણે અપંગો માટે ખાસ આશ્રમો તથા ચિકિત્સાલયોની સ્થાપના કરી હતી. તેઓ માનતા કે અપંગો કાયાથી ખંડિત હોય છે, પણ બુદ્ધિ ચાતુરી તથા જ્ઞાનવિજ્ઞાનની વિશેષ પ્રતિભા ધરાવતા હોય છે.
આમ, મંથરાએ કૈકેયીની તમામ જવાબદારી ઉપાડી લીધી. કૈકેયી પણ મંથરાને દાસી માનતી નહીં. સંસારના બધાં વિષયોમાં તેની સલાહ લેતી. મૂંઝવણ વખતે તે ખાસ માર્ગદર્શન માગતી અને મંથરા સૂચવે તે મુજબ જ વર્તવાને શ્રેય માનતી.
રાજા દશરથે જ્યારે કૈકેયીને પહેલી નિહાળી ત્યારે તે પિતાનો રથ હાંકતી હતી. રાજા દશરથ મોહી પડયા, પણ કૈકેયી દશરથથી એટલી પ્રભાવિત થઈ ન હતી. જ્યારે રાજા દશરથ તરફથી લગ્નનો પ્રસ્તાવ આવ્યો ત્યારે અશ્વપતિ રાજી થયા, પણ કૈકેયી એટલી ઉત્સાહિત ન હતી. કૈકેયીની દલીલ હતી કે તેમની ઉંમર પોતાના કરતાં ઘણી મોટી છે, અગાઉ તેમને બે રાણીઓ છે જ અને તેઓ નિ:સંતાન છે.
પિતા અને મંથરાએ એ જ સાકર્ષણો આગળ ધરીને કૈકેયીને પરણવા માટે સમજાવી. મંથરાની સલાહથી એ શરતો મૂકવામાં આવી કે તે જ મહારાણી બની રહે, રાજા દશરથ તેના જ રાજમહેલમાં નિવાસ કરે અને જો કૈકેયીને પુત્ર થાય તો તે જ અયોધ્યાનો ભાવિ રાજવી બને.
આ શરતો દશરથે સ્વીકારી હતી. એટલા માટે કે તેઓ કૈકેયીના રૂપરંગ યૌવન તથા કળાકૌશલ્ય પર ખરેખર વારી ગયા હતા. ઉપરાંત તેમને બાળકો તો હતા જ નહીં, એટલે ભાવિ વારસનો કોઈ પ્રશ્ન જ ન હતો.
લગ્ન બાદ કૈકેયીએ તથા મંથરાએ રાજા દશરથ ઉપર પોતાનો ખરેખરો પ્રભાવ શરૂ કરી દીધો. મંથરાએ તો એક નિરાળો માર્ગ એવી રીતે બનાવી દીધો કે દશરથ રાજદરબારથી સીધા કૈકેયીને ઘરે જ પધારી શકે. એ રસ્તો કોઈક એવી ભૂલભૂલામણી જેવો હતો કે બીજે ક્યાંય જતાં રોકાઈ જવું પડે, અવરોધ ન નડે, અને આ જ રસ્તે આગમન ગમન થઈ શકે.
દશરથ રાજા કૈકેયીને પરણવા આગ્રહી હતા, એટલા માટે કે ઋષિ ગર્ગે આગાહી કરી હતી. જ્યારે રાજા દશરથ ઋષિ ગર્ગના આશ્રમે તેમને નમન વંદન કરવા ગયા ત્યારે ગર્ગજી રાજાના મનની વાત જાણી ગયા અને આગાહી કરી. કંઈક વિચિત્ર પ્રકારની તે આગાહી હતી કે જો તેઓ ત્રીજાં લગ્ન કરે તો તેમને ચાર પુત્રો થશે.
દશરથે એવું માની લીધું કે કૈકેયીને માટે જ આ નિર્દેશ થયો છે.
પાછળથી એ આગાહી સાચી પડી. પુત્ર પ્રાપ્તિ યજ્ઞાના પ્રસાદ રૂપે કૌશલ્યાને ત્યાં રામનો જન્મ થયો. સુમિત્રાએ બે પ્રસાદ ગ્રહણ કરી લીધા, એટલે તે લક્ષ્મણ અને શત્રુઘ્નની માતા બની જ્યારે કૈકેયીની કૂંખે ભરતનો જન્મ થયો.
ચારે ભાઈઓ એક સાથે, એક સરખી રીતે જ મોટા થવા લાગ્યા. તેમ છતાં મંથરાની સલાહથી કૈકેયી ભરતને મોટે ભાગે અથવા વખતો વખત મોસાળ જ મોકલી રહેતી. તે ઈચ્છતી કે ભરત રાજનીતિના પાઠ પોતાના પિતા અશ્વપતિ પાસે જ શીખે.
જ્યારે ચારે પુત્રો મોટા થયા ત્યારે રાજગાદી રામને જ મળવાનું નક્કી થયું એ વ્યાજબી પણ હતું.
મંથરાએ તરત જ કૈકેયીને કહ્યું : 'લગામ ખેંચ નહીં તો આપણે બધાં જ રખડી મરીશું. રામ રાજા બનશે તો કૌશલ્યા રાજમાતા બની રહેશે. રાજતંત્ર તથા પ્રજા ઉપર તેનું જ ચલણ-વલણ રહેશે. આપણું સ્થાન દાસીનું તથા ભરતનું સ્થાન ભરતદાસનું જ રહી જશે. ભવિષ્યનો કોઈ ભરોસો નથી. કૈકેયી રાજ્યમાં તારા સાત ભાઈઓ રાજગાદી માટે લડતાં રહેશે. ત્યાં પણ તારું અને ભરતનું કાંઈ સ્થાન નહીં રહે માટે સાવધ બની જા.'
'તો શું કરૃં મંથરામાઈ?' કૈકેયી મૂંઝાઈને બોલી ઊઠી. તેને પોતાને રામ પ્રત્યે લાગણી હતી. તે માનતી હતી કે રાજા રામ એવું કંઈ જ નહીં કરે.
પણ સ્વતંત્ર રૂપે વિચારતાં તેને પણ એ જ ભાવિના અણસાર વરતાતા હતા.
મહામાયા મંથરાએ ત્યારે, રાજા દશરથે આપેલા બે વચનની યાદ અપાવી. એ બંન્ને વચનો અત્યારે જ માગી લો મહારાણી કૈકેયીજી.
કૈકેયીએ રાજા દશરથને એવી આદત પાડી દીધી હતી કે તેઓ જ્યાં જાય ત્યારે કૈકેયીને અને કૈકેયીને જ સાથે રાખે. રાજા દશરથે જોયું હતું કે કૈકેયી તેને યુદ્ધમાં પણ મદદરૂપ બની જ રહે છે. એટલે એ શરતનું ચુસ્તપણે પાલન કરતા.
મયદાનવ સામેના યુદ્ધ વખતે કૈકેયીએ એ કાબેલિયત બતાવી જ હતી. જ્યારે ભર યુદ્ધની વચમાં રથનું એક પૈડું ધીમું પડયું. ધરી પરથી નીકળી જવા લાગ્યું ત્યારે કૈકેયીએ ધરીની ઠેસીની જગ્યાએ પોતાની બે આંગળીની ઠેસી ખોસી દીધી. તેણે એટલી વેદના અને સહનશક્તિ દાખવી કે તે દરમિયાન દશરથે માયાવી દાનવનો સંહાર કર્યો. તરત જ કૈકેયીની બે કચડાયેલી આંગળીઓ વહાલથી પકડી લઈ, મોંઢામાં નાખીને કહી દીધું. 'કૈકેયી, તેં અદ્ભૂત કાર્ય કર્યું છે. બીજાું કોઈ જ આ અવર્ણનીય કાર્ય કરી શકે નહીં. તારી બે કચડાયેલી આંગળીના બદલામાં આજે જ તું બે વચન માગી લે, માગી જ લે.'
વેદના પીડિત કૈકેયીને ત્યારે કંઈ સૂઝ્યું નહીં. યોગ્ય રીતે જ કહી દીધું. રાજાજી, અત્યારે મારે જરૂર નથી. બધું જ છે મારી પાસે, ભવિષ્યમાં કદાચ જરૂર પડે તો તેમ કરીશ.
દશરથે તરત જ કહી દીધું : 'તથાસ્તુ.'
મંથરાએ એ જ વચન તરફ ધ્યાન ખેંચ્યું. ઉપરાંત લગ્ન સમયે પણ આવી વાતો થઈ જ હતી.
કૈકેયીએ પૂરી તૈયારી સાથે અત્યારે એ જ બે વચન માગી લીધાં. એ વચનોના વચનામૃત પણ મંથરા મૈયાએ જ તૈયાર કરી આપ્યા હતાં.
રાજા દશરથે જ્યારે આ બે વચન સાંભળ્યા ત્યારે પછડાઈ પડયા. રામ તેમને અતિ પ્રિય હતા. રામને રાજગાદીથી વંચિત રાખી શકાય? તેમને ચૌદ વર્ષ વનવાસે મોકલી શકાય? કૈકેયી, કૈકેયી! રાજા દશરથે વલવલતાં કહ્યું : 'ફરી વિચારી જો વિચારી જો ફરીથી રામ એવા છે જ નહીં. તેઓ ભ્રાતૃભાવના ભક્ત છે, રાજકુટુંબના રક્ષક છે, ન્યાયને પિછાનનારા અને બધાનું શુભ ઇચ્છનારા છે. કૈકેયી!'
કૈકેયી દ્રઢ હતી. રાજનીતિમાં દયાને સ્થાન નથી. મંથરાએ તેને શીખવ્યું હતું.
મૃત્યુને જાણે આમંત્રણ જ મળ્યું હોય તેમ દશરથ આળોટતા હતા, આજીજી વિનંતી કરતા હતા. જવાબમાં કૈકેયીએ સ્પષ્ટ રીતે એકદમ સ્પષ્ટ રીતે કહી દીધું : 'ભરતને રાજગાદી, રામને ચૌદ વર્ષનો વનવાસ' સાથે રઘુકુળ નીતિનું રીતિગાન ઉચ્ચાર્યું:
રઘુકુળ રીતિ સદા ચલી આઈ
પ્રાણ જાય અરુ વચન ન જાઈ
રાજાધિરાજ દશરથે રઘુકુળ રીતિને હૃદયથી યાદ કરી. એ રીતિને નમન વંદન કર્યા, છેલ્લો ઊછાળો માર્યો : 'ભલે તેમ જ થશે. તેમ જ થાવ, રામ! જય શ્રી રામ.'
રામને આજ્ઞા કરીને, આદેશ આપીને, તેમનું પ્રાણ પંખેરૃં ઊડી ગયું.
આ ઘટના કે દુર્ઘટના વખતે નિયમ મુજબ ભરતજી મોસાળ હતા. આવીને માતાને ઠપકો આપ્યો
'મા! આ શું કર્યું તેં? શું કર્યું?'
મંથરા દ્વારે ઊભી હતી અને કૈકેયી કહેતી હતી 'જે કર્યું છે એ તારે ખાતર જ કર્યું છે દીકરા, તારે ખાતર.'
ચીસ પાડી ઊઠયો ભરત : 'માતા! માતા કૈકેયી! તેં ખરેખર સાવકી માતાનું જ કર્તવ્ય દાખવ્યું છે. દુનિયા જ્યારે કોઈ સાવકી માતાને યાદ કરશે ત્યારે માતા, તને જ યાદ કરશે. સગી માતા તરીકે ધરતીમાતા અને વિમાતા એટલે કૈકેયી.'
સાચા રામાયણની શરૂઆત અહીંથી જ થયેલી, માનનારા માને છે, કહેનારા કહે છે :
કૈકેયી છે ધરી ખરી રામાયણની
માતૃ પ્રેમની કથા પ્રીતિ પારાયણની
જય શ્રી રામ ભલે કહેજો : જય શ્રી રામ કદી ભૂલાશે નિહ જ નહીં : કૈકેયીનું નામ.