જંગલમાં જન્માષ્ટમી .
- ક્રિંચી કીડીને આવ્યો ગુસ્સો. જેવું જેકી જિરાફ ડોક ઊંચી નીચી કરી મટકી ફોડવા ગયું કે કીડીબેને એને પગમાં જોરથી બટકું ભર્યું. જેકી જિરાફ નિશાન ચુકી ગયું. ત્યાં જ બિન્ની બગલાએ ચાંચ મારીને મટકી ફોડી નાખી.
- પારુલ અમિત પંખુડી
જં ગલમાં જન્માષ્ટમી ની તૈયારી ચાલી રહી હતી. આજે રાત્રે બાર વાગે વડલાદાદા પાસે મટકી ફોડવાનો કાર્યક્રમ હતો.
જંગલનાં બધાં પ્રાણીઓ હોંશે હોંશે ભાગ લઈ રહ્યા હતાં.
જેકી જિરાફ,અપ્પુ હાથી, ગ્રેસી ગેંડો, રિન્કી રીંછ, સિગી સસલું, શિમો શિયાળ, વિક્કી વાંદરો, બિન્ની બગલો, ક્રિંચી કીડી બધાં વડલા નીચે ભેગા થયાં હતાં.
શિમો શિયાળ બોલ્યું, 'અરે ઓ ક્રીંચી કીડી અને બિન્ની બગલાભાઈ... એ વાત સાચી કે તમે આ વડલા પર રહો છો, પણ તમે માત્ર આ મટકી ફોડનો કાર્યક્રમ જોઇ શકશો. ભાગ નહીં લઈ શકો.'
ક્રીચી કીડી બોલી, 'જય શ્રી ક્રિષ્ના...
હું છું ભલે નાનકડી
પણ ફોડી શકું મટકી...'
એની વાત સાંભળી વિક્કી વાંદરો બોલ્યો, 'તને કોણ ટીમમાં રાખશે? હું એકલો જ કૂદકા મારી ને મટકી ફોડી શકું એમ છું...'
એટલામાં જેકી જિરાફ બોલ્યું, 'મારે તો કૂદકા મારવાની પણ જરૂર નથી.
હું છું જિરાફ લાંબી ડોકવાળું
ફોડી શકું છું મટકી હું એકલું ...'
અપ્પુ હાથી કહે, 'ચૂપ રહો સૌ....
મારા પર ઊભા રહો બધા,
વજન ખમી શકું , શક્તિશાળી છું હું. જુઓ બધા...'
એમ કહી અપ્પુ હાથીએ એનાં સિક્સ પેક દેખાડયા.
બધા જંગલવાસીઓ પોતપોતાની શક્તિનું પ્રદર્શન કરવાં લાગ્યા.
સિગી સસલું બોલ્યું, 'બધાં જ સારા છો. આપણે ટીમ વર્ક કરીએ અને કાન્હાજીની જેમ મટકી ફોડી માખણનો આનંદ માણીએ.'
શિમો શિયાળ બોલ્યું,
'ખાઉધરા સસલાં...
તને તો ખાવામાં છે રસ
આધું જા, હું મટકી ફોડીશ ....'
બધાં અંદરો અંદર 'હું ફોડીશ... હું ફોડીશ...'ની બૂમો પાડવા લાગ્યાં..
આ સાંભળી વડલાદાદા બોલ્યાઃ
'ચિમ ટપાક ડમ ડમ
મટકી ફોડો ઝટ પટ...
અરે મારા પ્યારા સૌ જંગલ વાસીઓ....
તમે બધાં જ શક્તિશાળી છો.
ચિમ ટપાક ડમ ડમ...
મટકી ફોડો ઝટ પટ
બધા ભેગા થઈને મજા કરો અને કૃષ્ણના જન્મને ઉજવો..
ચિમ ટપાક ડમ ડમ...'
બધાએ ટીમ પાડવાનું નકકી કર્યું.
અભિમાની જેકી જિરાફ બોલ્યુંઃ
'મારી ટીમમાં હું એકલું
મને ના જોઈએ કોઈ સુકલકડું...'
બીજી ટીમમાં જેકી જિરાફ, અપ્પુ હાથી, ગ્રેસી ગેંડો, રિન્કી રીંછ, સિગી સસલું, શિમો શિયાળ, વિક્કી વાંદરો, અપ્પુ હાથીને બધાં...
બિન્ની બગલા અને ક્રિંચી કીડીને કોઈએ લીધાં નહીં.
બંને જણા એકલાં બેસી વિચારવા લાગ્યાં. ત્રીજી ટીમ એમની બની.
રાત્રે સૌ ભેગાં થયાં ને બોલવાં લાગ્યાઃ
'હાથી ઘોડા પાલખી
જય કનૈયા લાલ કી ...'
વડલા દાદા બધું નિહાળી રહ્યા હતા. અપ્પુ હાથીની ટીમનો પહેલો વારો હતો. ટીમના બીજા સભ્યો અપ્પુ હાથી પર ચડયા. પોચાં પોચાં સસલાને અડતાં જ એક બે તો લપસી પડયાં.
વિક્કી વાંદરાભાઈ તો કૂદકા મારે ને સૌ ડોલવા લાગે... ને પછી બધાં પડયાં ભમ ભમ ભમ...
વડલા દાદા બોલ્યાઃ
'ચિમ ટપાક ડમ ડમ
મટકી ફોડો ઝટ પટ...'
હવે વારો આવ્યો કીડી ને બગલાભાઈનો.
બગલાભાઈ ઊડી ઊડીને ચાંચ મારવા જ ગયાં, ત્યાં જિરાફ કહેઃ
'ચાલ હટ નાનકડી અમથી કીડી
મારાથી જ ફૂટશે આ મટકી.'
ઓ બગલા, જરા પાછળ મુડ
બંધ કર તારૂં ઉડાઉડ...'
ક્રિંચી કીડીને આવ્યો ગુસ્સો. જેવું જેકી જિરાફ ડોક ઊંચી નીચી કરી મટકી ફોડવા ગયું કે કીડીબેને એને પગમાં જોરથી બટકું ભર્યું. જેકી જિરાફ નિશાનો ચુકી ગયું. ત્યાં જ બિન્ની બગલાએ ચાંચ મારીને મટકી ફોડી નાખી. આમ, બિન્ની બગલાભાઈ અને ક્રિંચી કીડીની ટીમ જીતી ગઈ.
સૌ કોઈની ઉપર માખણ પડયું ને સૌ 'હેપ્પી બર્થડે ક્રિષ્ના...' બોલી ચાટવા લાગ્યાં. વડલાદાદા બોલ્યાઃ
'રામ લક્ષ્મણ જાનકી
જય કનૈયા લાલ કી.
ચિમ ટપાક ડમ ડમ
મટકી ફોડો ઝટ પટ...'