જગ્ગુ ડોન અને ચૂંઇ ચૂંઇ .
- જગ્ગુ તો 'ઓય મા! ઓય બાપલિયા!' કરતો જાય ઊભી પૂંછડીએ ભાગતો! ને પાછળ ઉંદરોની આખી સેના પથ્થર વરસાવતી જાય. એમ કરતાં ગામની બહાર ક્યાંય દૂર જઈને જગ્ગુ ઘાયલ થઇને પડયો.
- એકેય યુક્તિથી જગ્ગુને હરાવી શકાય એવું વડા ઉંદરને લાગતું નહોતું. બધા વિચારમાં હતા - શું કરીએ કે આ જગ્ગુ ડોનના ત્રાસમાંથી છુટકારો મળે?
- કિરીટ ગોસ્વામી
એ ક હતો ઉંદર. એનું નામ જગ્ગુ. આ જગ્ગુ બહુ તોફાની! ને પાછો વટનું તો ફાડિયું!
આખો દિવસ ચૂં ચૂં કરતો, પોતાની લાંબીલચ મૂછો મરડતો રહે અને બીજા ઉંદરોની મજાક-મસ્તી કરતો રહે. બધેય પોતાની ધાક જમાવવા બોલતો રહે...
'હું છું જગ્ગુ ડોન...
મને હરાવે કોણ?'
જગ્ગુ ગમે તેના ઘરમાં ઘૂસી જાય. કોઈનાં કબાટ ખુલ્લા દેખે તો ચૂપચાપ એમાં ઘૂસીને બધાંય કપડાં કોતરી નાખે. ક્યારેક કોઈના દફતરમાંથી ચોપડીઓ પણ કોતરી નાખે. કોઈના રસોડામાં જાય અને વાસણ પછાડે અને કપ-રકાબીનો તો ભૂક્કો જ બોલાવી દે... ને તોય પાછો વટ કરે..
'હું છું જગ્ગુ ડોન...
મને હરાવે કોણ?
રસોડામાં દોડું છું...
કપ-રકાબી ફોડું છું!'
આમ કરવાની એને તો બહુ મજા આવે પણ બધા એનાથી બહુ ત્રાસી ગયા હતા. એના આવાં કારસ્તાનોને લીધે બીજા ઉંદરોને પણ વગર વાંકે સજા થતી અને એમને ખાવાનું પણ ન મળતું.
એક તરફ બધા લોકો આ જગ્ગુથી ત્રાસી ગયા હતા, તો બીજી તરફ બધાય ઉંદરો પણ એનાથી તોબા પોકારી ઉઠયા હતા.
લોકોને ઘણું નુકસાન થઈ રહ્યું હતું અને બીજા ઉંદરોના માનપાન ઘટવાની સાથે એમનું જીવવું મુશ્કેલ થઈ ગયું હતું.
જગ્ગુને એ વાતની જરાય પરવા નહોતી. એનાં તોફાન તો દિવસે ને દિવસે વધતા જ જતાં હતાં. એનો વટ વળી એથીય બમણી ગતિથી વધતો હતો! ખાઇ-ખાઇને એ તો જાડો ભમ થઈ ગયો હતો. કાળી બંડી પહેરતો અને કાળાં ચશ્માં. અસ્સલ ગુંડો જ લાગે! લાંબીલચ મૂછો મરડતો એ નીકળે ને બધા ઉંદરોમાં નાસભાગ મચી જાય! કોઇ એની સામે બોલવાની કે એનો સામનો કરવાની હિંમત ન કરે. આથી જગ્ગુ તો પોરસાય...
'હું છું જગ્ગુ ડોન...
મને હરાવે કોણ?
કાળાં મારાં ચશ્માં,
ને કાળી મારી બંડી,
હાથમાં છે આઇ ફોન!
મને હરાવે કોણ?
હું છું જગ્ગુ ડોન!'
જગ્ગુના ત્રાસથી કંટાળેલા બધાય ઉંદરોએ એક વખત અંદરોઅંદર મસલત કરીને મીટિંગ કરવાનું નક્કી કર્યું. તારીખ અને સ્થળ નક્કી થયાં. જગ્ગુને આ વાતની ગંધ પણ ન આવે એની ખાસ કાળજી રાખવાની બધાયને કડક સૂચના આપવામાં આવી.
નિયત કરેલા દિવસે બધાય ઉંદરોની મીટિંગ યોજાઈ. એક પછી એક ઉંદર જાતજાતની યુક્તિઓ રજૂ કરતા હતા પણ એમાંથી એકેય યુક્તિથી જગ્ગુને હરાવી શકાય એવું વડા ઉંદરને લાગતું નહોતું. બધા વિચારમાં હતા - શું કરીએ કે આ જગ્ગુ ડોનના ત્રાસમાંથી છુટકારો મળે?
એવામાં એક નાનકડું બચ્ચું બોલ્યું- 'મને તક આપો! હું જગ્ગુ ડોનને હરાવી દઇશ!'
પહેલાં તો બચ્ચાની વાત સાંભળીને બધાય ઉંદરો હસવા લાગ્યા પણ પછી તરત જ વડા ઉંદરે બધાને ચૂપ કરાવીને પેલા નાનકડા બચ્ચાને પૂછયું- 'હા, તને તક આપીએ. પણ તારું નામ?'
બચ્ચું કૂદાકૂદ કરતાં બોલ્યું-
'મારું નામ ચૂંઇ ચૂંઇ..
જગ્ગુને ભગાડું ટૂંઇ ટૂંઇ!'
વડા ઉંદરને ચૂંઇ ચૂંઇની વાતમાં દમ હોય તેમ લાગ્યું! આથી તેણે પૂછયું- 'પણ કેવી રીતે તું જગ્ગુને હરાવીશ?'
ચૂંઇ ચૂંઇ બોલ્યું- 'મારી પાસે એક પ્લાન છે. નજીક આવો કાનમાં કહું!'
વડો ઉંદર નજીક આવ્યો અને ચૂંઇ ચૂંઇએ પોતાનો પ્લાન તેના કાનમાં કહ્યો. વડો ઉંદર તરત જ માની ગયો અને બોલ્યો - 'ડન છે!'
'તો પછી બધાય ઉંદરોને આ પ્લાન સમજાવી દેજો!' ચૂંઇ ચૂંઇ બોલ્યું.
'હા, એની ચિંતા ન કર. હું બધાને સમજાવી દઇશ!' વડા ઉંદરે કહ્યું.
રાત પડી. પોતાના પ્લાન મુજબ ચૂંઇ ચૂંઇ તો છાનોમાનો જગ્ગુ ડોન જયાં સૂતો હતો ત્યાં પહોંચી ગયો અને હળવેકથી જગ્ગુની લાંબીલચ મૂછો એણે કટ કટ કરતી કાપી નાખી!
સવાર પડી. જગ્ગુ ડોન ઉઠીને મોઢું ધોવા ગયો, પણ આ શું? મૂછો ન મળે! જગ્ગુ તો ઘાંઘો થયો!
પ્લાન મુજબ બધાય ત્યાં આવી ગયા હતા. વડા ઉંદરે કહ્યું- 'કાં ડોન, તારી મૂછો કયાં ગઇ?'
આ સાંભળીને જગ્ગુ તો શરમાયો. પોતાનું મોં સંતાડતો ત્યાંથી ભાગવા ગયો ત્યાં તો પ્લાન મુજબ ચૂંઇ ચૂંઇએ એક સીટી વગાડી ને તરત જ ઉંંદરોની આખી સેનાએ જગ્ગુ પર પથ્થરમારો શરૂ કર્યો.
જગ્ગુ તો 'ઓય મા! ઓય બાપલિયા!' કરતો જાય ઊભી પૂંછડીએ ભાગતો! ને પાછળ ઉંદરોની આખી સેના પથ્થર વરસાવતી જાય. એમ કરતાં ગામની બહાર ક્યાંય દૂર જઈને જગ્ગુ ઘાયલ થઇને પડયો.
પથ્થરમારો અટકયો. જગ્ગુ ભેંકડો તાણીને રડી પડયો ને બે હાથ જોડીને તેણે બધાયની માફી માગી લીધી! વડા ઉંદરના કહેવાથી એને માફી આપવામાં આવી.
પછી બધાય ઉંદરોએ જગ્ગુના ત્રાસમાંથી છૂટવાની અને પોતાના વિજયની ડબલ ખુશીમાં ચૂંઇ ચૂંઇનો વરઘોડો કાઢયો!