ગોળનાં ગાડાં .
- 'બેટા, કીડીબેન કદી એકલાં ન ખાય. એ તો સૌ મિત્રોને બોલાવી સાથે જ મીઠાશ માણે.'
- કીડીઓ દરમાંથી બહાર નીકળી ને ગોળના ગાંગડા જોઈ એમના મોમાં તો પાણી આવ્યું. કીડીઓ તો હરખાઈને ગીત ગણગણવા લાગી: 'વગડાવો વગડાવો ઢોલ, સામે ચાલી આવ્યો ગોળ.'
નિધિ મહેતા
પ્ર તાપગઢ નામનું એક ગામ. ગામમાં જગ્ગુ નામનો એક ખૂબ રમતિયાળ અને ઉમદા હૃદયનો બાળક. તેના બે ખાસ મિત્ર - ટપ્પુ ને ભોલુ. આ ત્રણેયની પાક્કી ભાઈબંધી.
એક દિવસ જગ્ગુએ તેની માને ઘરની બધી તિરાડોમાં કંઈક દવા લગાવતા જોઈ. એણે પૂછયું, 'મમ્મી, તું કેમ આ દવા બધે લગાડે છે?'
'બેટા, આ રોજ આ ગોળના ડબ્બા માટે આખાય ઘરમાં કીડીઓની લાઈન લાગે છે. એટલે એને આવતી બંધ કરવા.'
'પણ મમ્મી, એનો કોઈ બીજો ઉપાય ન થાય?'
'ના બેટા, બીજું તો શું કરીએ?' મમ્મી આ ગોળની એક કણી માટે આટલી બધી કીડીઓ કેમ આવે છે?'
'બેટા, કીડીબેન કદી એકલા ન ખાય. એ તો સૌ મિત્રોને બોલાવી સાથે જ મીઠાશ માણે.'
'પણ મમ્મી, આ એક એક કણી લઈને થાકી ન જાય?'
'ના બેટા, કીડી તો ખૂબ મહેનતુ. એ થાકે નહીં. ને હાર પણ ન માને. સૌ સાથે મળી મહેનત કરે.'
'તો મમ્મી, પછી એની મહેનતના બદલામાં એને આમ મરવા થોડી દેવાય?'
'તારી વાત તો સાચી, બેટા. પણ શું કરું, બોલ! રોજ આટલી બધી કીડીઓ થાય છે?'
'મમ્મી, હું કંઈક કરું છું. તું ચિંતા ન કર.'
જગ્ગુ તો પોતાના બે મિત્ર ભોલુ અને ટપ્પુને બોલાવી કોઈક યોજના નક્કી કરી. ત્રણેય મિત્રોએ પોતાના ઘરની આસપાસ કીડીબાઈના દર ક્યાં છે તેની તપાસ કરી.
ત્યાર બાદ તેઓ પોતપોતાના ઘેર ગયા અને ડબ્બામાં ગોળના ગાંગડા ભરી લાવ્યા. આખા ગામમાં જ્યાં જ્યાં કીડીના દર હતા ત્યાં બધે ગોળના ગાંગડા મૂકી આવ્યા. કીડીઓ દરમાંથી બહાર નીકળી ને ગોળના ગાંગડા જોઈ એમના મોમાં તો પાણી આવ્યું. કીડીઓ તો હરખાઈને ગીત ગણગણવા લાગી:
'વગડાવો વગડાવો ઢોલ, સામે ચાલી આવ્યો ગોળ.'
સૌ કીડીઓ સાથે મળી મિજબાની માણવા લાગી. ગામમાં હવે કોઈના ઘરમાં હવે કીડી દેખાતી જ નહોતી. જગ્ગુ, ભોલુ ને ટપ્પુ આ ત્રણેય મિત્રો કીડીઓને રોજ એનું કીડિયારુ એના ઘર આંગણે જ પહોંચાડી દેતા. ત્રણેય મિત્રો સંપીને આ કામ કરતા. થોડા દિવસ પછી આખા ગામને આ વાતની જાણ થઈ. તેમણે ત્રણેય મિત્રોના સુંદર કાર્ય માટે વખાણ કર્યા.
પછી તો ગામમાં સૌ કોઈએ કીડીઓ માટે કીડીયાળુ મૂકવાનું નક્કી કર્યું. કીડીઓ માટે તો જાણે ગોળનાં ગાડાં ઠલવાવા લાગ્યાં. કીડીઓ સંપીને મીઠાશ લેતી થઈ અને ગામ આખું સંપીને મીઠાશ વહેંચવા લાગ્યું.
જગ્ગુની ટોળી ખુશખુશાલ થઈ. આખરે કીડીઓને તેની મહેનતનું મીઠું ફળ મળી ગયું.