ભારતમાં જોવા જેવું ઓડીશાના પુરીનું જગન્નાથ મંદિર
ર થયાત્રા માટે વિશ્વભરમાં જાણીતું પુરીનું જગન્નાથ મંદિર ૧૨મી સદીમાં બંધાયેલ મંદિર સ્થાપત્યનો અદ્ભુત નમૂનો છે. ચારધામ યાત્રામાં તેનો સમાવેશ થાય છે. મોટા ભાગના મંદિરોમાં ભગવાનની મૂર્તિ પથ્થરની હોય છે જ્યારે આ મંદિરમાં જગન્નાથની મૂર્તિ લાકડાની બનેલી છે. આ મૂર્તિ દર બાર કે ઓગણીસ વર્ષે નવી બનાવવામાં આવે છે. મંદિરમાં જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓની પૂજા થાય છે. લાકડાનું બનેલું સુદર્શન ચક્ર પણ છે.
જગન્નાથ મંદિર ઈ.સ. ૧૦૭૮ થી ૧૧૪૮ના ગાળામાં અનંતવર્ધન નામના રાજાએ બંધાવેલું. ત્યારબાદ ૧૧૭૪માં અનંગભીમ રાજાએ તે પૂરુ કરાવેલું. મંદિરનું સંકુલ ૩૭૦૦૦ ચોરસ મીટર જગ્યા રોકે છે. સંકુલની ચારેતરફ ૨૦ ફૂટ ઊંચી દીવાલ છે. સંકુલમાં બીજા ૧૨૦ નાના મંદિરો છે. મંદિરમાં મુખ્ય ચાર ભાગ દેવલા, વિમાન, ગર્ભગૃહ અને રત્નવેદી છે. રત્નવેદી હીરામોતીનું બનેલું સિંહાસન છે. મંદિરના શિખર પર નીલ ચક્ર છે અને ૧૨ હાથની લાલ ધજા છે.