ચોરી-ચોરી લાડુ ખાઉં! .
- ઉંદરે જોયું તો સામે લાડુ તો હતો, પણ પોતે પાંજરે પૂરાઇ ગયો હતો!
- ઉંદરે રાજી થઇને સીટી વગાડી. ત્યાં તેના ઘણાય મિત્રો આવી ગયા! બધાએ પાંજરું ખોલવામાં તેની મદદ કરી.
કિરીટ ગોસ્વામી
ઉં દર રાતના સમયે છાનોમાનો રસોડામાં ઘૂસ્યો. તેને લાડુની સુગંધ આવી એટલે એ તો રાજી થઈ ગયો.
'હમણાં મને લાડુ ખાવા મળશે!' એમ વિચારીને ઉંદર તો હરખથી ગાવા લાગ્યો...
'ચોરી-ચોરી લાડુ ખાઉં,
મીઠા-મીઠા લાડુ ખાઉં!
ઝાઝા-ઝાઝા લાડુ ખાઉં,
એકલો-એકલો લાડુ ખાઉં!'
પણ લાડુ તો કયાંય દેખાતા નહોતા. માત્ર સુગંધ આવતી હતી.
ઉંદર મૂંઝાયો- 'કયાં હશે લાડુ?'
ચારે બાજુએ જોતાં-જોતાં એ તો સુગંધની દિશામાં ઝટપટ દોડી ગયો.
ત્યાં અચાનક અવાજ આવ્યો- 'ખટ્!'
ઉંદરે જોયું તો સામે લાડુ તો હતો, પણ પોતે પાંજરે પૂરાઇ ગયો હતો!
ઉંદર તો ગભરાઈ ગયો! મૂંઝાઇ પણ ગયો!
ત્યાં તો સામેથી લાડુ બોલ્યો- 'કેમ ઉંદરભાઇ, ફસાઇ ગયાને!'
ઉંદર તો કશુંય બોલ્યા વિના આંખો પટપટાવતાં લાડુ સામે જોઇ રહ્યો.
લાડુ કહે- 'તમે ભૂલ કરી એટલે પાંજરે પૂરાઇ ગયા!'
'કઇ ભૂલ? કેવી ભૂલ?' ઉંદરે તરત જ પૂછયું.
જવાબ આપતાં લાડુ બોલ્યો-
'ચોરી-ચોરી ખવાય નહીં...
વહેંચી-વહેંચી ખવાય!
એકલા-એકલા ખવાય નહીં...
સહુને વહેંચી ખવાય!'
આ સાંભળીને ઉંદરને પોતાની ભૂલ સમજાઈ ગઇ. એણે લાડુને કહ્યું- 'સારી!
'ચોરી-ચોરી ખાઇશ નહીં,
એકલો-એકલો ખાઇશ નહીં!
વહેંચી-વહેંચી ખાઇશ,
સહુને વહેંચી-વહેંચી ખાઇશ!'
આ સાંભળીને આખરે લાડુએ એને માફી આપી.
ઉંદરે રાજી થઇને સીટી વગાડી. ત્યાં તેના ઘણાય મિત્રો આવી ગયા! બધાએ પાંજરું ખોલવામાં તેની મદદ કરી અને ઉંદરને બહાર કાઢયો.
પછી બધા મિત્રોની સાથે, બધાને વહેંચી-વહેંચીને ઉંદરે ભરપેટ લાડુ ખાધા!