Get The App

મારે તો સ્માર્ટફોન જ જોઈએ .

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
મારે તો સ્માર્ટફોન જ જોઈએ                                   . 1 - image


- 'બાળકો આજકાલ મોબાઈલનો ખૂબ ઉપયોગ કરી રહ્યાં છે. ટેવ પડી ગયા પછી તેમની પાસેથી મોબાઈલ પાછો લઈ શકાતો નથી. ખેલકૂદ અને અભ્યાસ કરવાને બદલે તેઓ મોબાઈલ જોયા કરે છે. આ એક મોટી વિકટ સમસ્યા ઊભી થઈ છે.'

- ક્લેરા ક્રિશ્ચિયન

રિ યા રીસ ચડાવીને તેના રૂમમાં ચાલી ગઈ. તેણે વિચાર્યું હતું કે નવા વર્ષના દિવસે મમ્મી-પપ્પા તરફથી સ્માર્ટફોનની ભેટ મળશે જ. પછી હું પહેલો કોલ મારી પ્રિય સખી નિશીને કરીશ. 

...પણ ધાર્યા કરતાં અવળું થયું. પપ્પાએ કહ્યું, 'તારે બીજું જે કંઈ માગવું હોય તે માગ, પણ સ્માર્ટફોન નહીં મળે.'

આ સાંભળતાં જ એ રિસાઈને તેની રૂમમાં જતી રહી.

તેનાં મમ્મી પપ્પા ખૂબ દુ:ખી થઈ ગયાં. આજે પહેલી વાર રિયા રિસાઈ હતી. એકની એક દીકરીને ક્યારેય કોઈ વાતમાં ના પાડી નથી, પણ આ વખતે દીકરીના ભલા માટે ના પાડી અને ઘરમાં ઉદાસી છવાઈ ગઈ.

થોડી વારમાં ડોરબેલ વાગી. રિયાની મમ્મીએ બારણું ખોલ્યું, 'આવો, આવો, અંજનાબેન. નિશી, તું પણ આવી! સરસ.'       અવાજ સાંભળીને રિયા દોડતી આવી ગઈ. નિશીને ભેટી. માસીએ પણ તેને ગળે લગાવી પૂછયું, 'રિયા બેટા! ઉદાસ કેમ લાગે છે ?' 

રિયાના પપ્પાએ કહ્યું, 'નવા વર્ષની ભેટ રૂપે તેને સ્માર્ટફોન જોઈએ છે. મેં ના પાડી એટલે રિસાઈ ગઈ છે.'

અંજનાબેને રિયાને પાસે બેસાડી. પછી સ્માર્ટફોનની વાત સમજાવીને કહ્યું, 'તને ખબર છે કે તેમાંથી એક પ્રકારના ખતરનાક કિરણો નીકળે છે? તેનાથી આપણી આંખો ખરાબ થાય છે. માથુ દુખે, ચશ્માં આવે અને મગજ ઉપર પણ વિપરિત અસર થાય. આજકાલ બાળકો સતત મોબાઈલનો ઉપયોગ કર્યા કરે છે. તેને લીધે ઘણાં બાળકો વિચિત્ર વર્તન કરે છે.'

નિશી બોલી, 'હા, રિયા. મારા કાકાની દીકરી આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહે. ગેઈમ રમ્યા કરે, કાર્ટુન જોયા કરે. અગાઉ એ પહેલા નંબરે પાસ થતી હતી, તેના બદલે આ વખતે છેક વીસમો નંબર આવ્યો.'

રિયા બોલી, 'બાપ રે!'

અંજનાબેને કહ્યું, 'એટલે તો નિશીએ નવા વર્ષની ભેટરૂપે પુસ્તક માગ્યું.' પછી નિશીને કહ્યું, 'નિશી, રિયાની ભેટ તો આપ!'    

નિશીએ પોતાની સાથે લાવેલું બોક્સ રિયાના હાથમાં મૂક્યું. રિયાએ તે ખોલ્યું. તેમાંથી પાંચ પુસ્તકો નીકળ્યાં. બધાંના નામ વાંચ્યા. પણ પાંચમુ નામ મોટેથી વાંચ્યું, 'સ્માર્ટફોનથી દૂર રહો'.

રિયાની મમ્મીએ કહ્યું, 'જોયું? માસીને પણ સ્માર્ટફોનનું પુસ્તક લેવાની ઈચ્છા થઈ. કેવું સરસ!' 

રિયાના પપ્પા બોલ્યા, 'બાળકો આજકાલ મોબાઈલનો ખૂબ ઉપયોગ કરી રહ્યાં છે. ટેવ પડી ગયા પછી તેમની પાસેથી મોબાઈલ પાછો લઈ શકાતો નથી. ખેલકૂદ અને અભ્યાસ કરવાને બદલે તેઓ મોબાઈલ જોયા કરે છે. આ એક મોટી વિકટ સમસ્યા ઊભી થઈ છે.'

રિયા બોલી, 'પપ્પા, મને માફ કરો. મારે સ્માર્ટફોન નથી જોઈતો. હું અત્યારે જ આ બુક વાંચી નાખું છું.'

આટલું કહીને રિયા પુસ્તકો સાથે પોતાના ઓરડામાં ગઈ. નિશીને પણ સાથે લેતી ગઈ. 

રિયાનાં મમ્મી-પપ્પાનાં માથા પરથી મોટો બોજ ઉતરી ગયા. આમ, નવા વર્ષની શુભ શરૂઆત થઈ.  


Google NewsGoogle News