દિશાઓનાં નામ કેવી રીતે નક્કી થયાં ?
પૂ ર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર દિશાઓ તેમજ ઇશાન, અગ્નિ, નૈઋત્વ અને વાયવ્ય એમ ચાર ખૂણાઓના નામ સંસ્કૃત ભાષામાં સદીઓ અગાઉ નક્કી થયાં હતાં. સૂર્ય ઊગે છે તે દિશાને પૂર્વ નામ આપવામાં આવ્યું. સૂર્ય સામે મુખ રાખીને બેસવાની સ્થિતિને સંસ્કૃતમાં પાર કહેતા. પાર ઉપરથી પૂર્વ શબ્દ બન્યો. સૂર્ય સામે મોં રાખીએ ત્યારે સૂર્યના આથમવાની દિશા પીઠ પાછળ આવે. પાછળનું એટલે પાશ્ચાત્ શબ્દ પરથી પશ્ચિમ શબ્દ બન્યો. પૂર્વ તરફ મોં હોય ત્યારે જમણા હાથે દક્ષિણ દિશા કહેવાય સંસ્કૃતમાં જમણી બાજુને દક્ષ કહેવાય તે પરથી દક્ષિણદિશા ઓળખાઈ અને ડાબી બાજુને સંસ્કૃતમાં ઉત્તર કહેવાય છે.
હિંદુ પુરાણોમાં વર્ણવ્યા મુજબ ભગવાન શંકર દિશાઓની વચ્ચે ખૂણામાં જગતનું રક્ષણ કરે છે. ભગવાન શંકરને સંસ્કૃતમાં ઇશાન, તત્પુરુષ, અઘોર અને વામદેવ કહે છે તે ઉપરથી ઇશાન, અગ્નિ, નૈઋત્વ અને વાયવ્ય નામ પડયા. દિશાઓ અને ખૂણાના નામ પાડવા અંગે કોઈ વૈજ્ઞાાનિક ખૂલાસા નથી. પરંતુ પરંપરાગત સંસ્કૃતિ અનુસાર નામો નક્કી થયાં છે.