જહાજ પાણીમાં કેવી રીતે આગળ વધે છે ?
કા ર જેવા વાહનોના પૈડા જમીન પર ફરીને આગળ વધે પરંતુ પાણીમાં તરતું જહાજ પાણીમાં કઈ રીતે આગળ વધે તે જાણો છો ? પાણી નક્કર વસ્તુ નથી એટલે તેમાં પૈડા ન ચાલે. જહાજને આગળ ધક્કો મારવા માટે પ્રોપેલર નામનો પંખો હોય છે. આ પંખો પેટ્રોલ કે અન્ય ઇંધણથી ચાલતા એન્જિન વડે ફરે છે. પ્રોપેલર જહાજની પાછળ પાણીમાં ડુબેલું રહે છે. તેના પાંખીયા ત્રાંસા હોય છે. તમે સ્ક્રૂ જોયા હશે. તેના વળ ચડેલા ત્રાંસા આંટાને કારણે તેને ફેરવવાથી લાકડામાં ઊંડે ઉતરે છે.
જહાજનું પ્રોપેલર પણ આવું જ કામ કરે છે. તે પાણીને કાપીને આગળ ધકેલાય છે. જો કે તેના બળથી ૭૦ ટકા પાણી પાછળ ધકેલાય છે. અને બાકીનું બળ પ્રોપેલરની સાથે જહાજને આગળ ધપાવે છે. જહાજનું વજન, જહાજના પડખાનું ઘર્ષણ વગેરે પણ જહાજની ગતિમાં અવરોધ કરે એટલે પ્રોપેલર ખૂબ જ મોટાં રાખવા પડે. સામાન્ય રીતે પ્રોપેલર મિનિટના ૮૦ થી ૧૨૦ આંટા ફરે. મોટાં જહાજોમાં ૧૫ ફૂટ લાંબા પાંખિયા વાળા પ્રોપેલર હોય છે. પ્રોપેલર ઝડપથી ફરે એટલે જહાજ ઝડપથી ચાલે એવું નથી. ક્યારેક પ્રોપેલરની પાછળ પાણીમાં હવાના પરપોટા તેના ધક્કાનું બળ ઓછું કરે છે. સરવાળે જહાજને પ્રોપેલરની શક્તિનો માંડ ૩૦ ટકા ભાગ જ આગળ ધપાવવામાં કામ લાગે છે. આમ જહાજને જમીન પર ચાલતાં વાહનો કરતા વધુ બળતણની જરૂર પડે છે.