રબર પેન્સિલના ડાઘ કેવી રીતે દૂર કરે છે?
કમ્પ્યૂટર અને ડિજીટલ જમાનામાં આજે પેન્સિલ અને રબર લગભગ ભૂલાઈ ગયા છે. પરંતુ તેમનો ઉપયોગ આજે પણ વ્યાપક જોવા મળે છે. તમારા કંપાસ બોકસમાં પેન્સિલ અને રબર પણ હોવાનાં જ. કાગળ ઉપરથી પેન્સિલના ડાઘ કે લખાણ દૂર કરવા ખાસ કરીને ચિત્રો દોરતી વખતે રબર કે ઇરેઝરની જરૂર પડેજ. રબર ઘસવાથી પેન્સિલના ડાઘ કેવી રીતે દૂર થાય છે તે જાણો છો? પેન્સિલની શોધ બહુ જુની છે પરંતુ આજે પેન્સિલ ગ્રેફાઈટ અને ચીકણી માટીની બને છે. કાગળ ઉપર લખાય છે. તે ગ્રેફાઈટના સૂક્ષ્મ કણોનું પડ હોય છે. ડાઘા દૂર કરવાના ઇરેઝર પોલિવિનાઈલ કલોરાઈડ કે કૃત્રિમ રબરના બને છે. આ પેટ્રોલિયમ પેદાશ છે. કાગળ ઉપરનું પેન્સિલનું લખાણ કાગળના રેસા સાથે ચોટેલા ગ્રેફાઈટના રજકણો છે. કાગળના રેસા મજબૂતીથી ગ્રેફાઈટના કણોને જકડી રાખે છે. પરંતુ કૃત્રિમ રબરના રેસા તેનાથી વધુ શક્તિશાળી હોય છે. તે ગ્રેફાઈટના કણોને પોતાના તરફ આકર્ષી લે છે અને રબર સાથે ચોંટી જાય છે.