સિતાર જેવા વાદ્યોમાં સંગીત કેવી રીતે વાગે છે?
સિ તાર, રાવણહથ્થો, તંબુરો, વીણા વિગેરે સંગીતનાં સાધનોમાં ધાતુના તારની ઝણઝણાટીથી સંગીત પેદા થાય છે. આ બધા વાદ્યોમાં અર્ધગોળાકાર તુંબડુ જોડેલું હોય છે. અથવા તો લાકડાની પેટી હોય છે. તુંબડા ઉપર ચામડાનો પરદો હોય છે. આ વાદ્યને તંતુવાદ્ય કહે છે. સંગીતની દૂનિયામાં સિતાર અને ગિટાર મહત્વનાં ગણાય છે.
ધાતુનો તાર ધ્રુજે ત્યારે અવાજ પેદા થાય છે. તારને એકવાર ધ્રુજાવ્યા પછી થોડો સમય આપમેળે ધ્રુજ્યા કરે છે. અને સુક્ષ્મ ઝણઝણાટી જેવો અવાજ થાય છે. એકલો તાર બહુ ધીમે અવાજ કરે પરંતુ તંતુવાદ્યમાં તુંબડું જોડેલું હોવાથી અવાજ મોટા થાય છે અને મધૂર પણ થાય છે. તારની ધ્રુજારી તારની લંબાઈ પર આધાર રાખે છે. તંતુવાદ્યોમાં એક કરતાં વધુ તાર જોડેલા હોય છે. અને તેની ચોક્કસ લંબાઈએ કી મૂકેલી હોય છે. સંગીતકાર કયો તાર ધ્રુજાવવાથી કેવો સૂર નીકળે તે જાણતા હોય છે. દરેક તારને વારાફરતી આંગળી વડે ધ્રુજાવીને કીનો ઉપયોગ કરી તે સંગીતની વિવિધ તરજો રચે છે. કેટલાક તંતુ વાદ્યોમાં બે તારનાં ઘર્ષણથી સંગીત પેદા થાય છે.