મોબાઈલનું નેટવર્ક કેવી રીતે કામ કરે છે? .
મો બાઈલ ફોન વાયરલેસ પધ્ધતિથી કામ કરે છે. મોબાઈલ ફોન એટલે નાનકડો રેડિયો. તે રેડિયો તરંગોનું પ્રસારણ કરી શકે છે અને ઝીલી શકે છે. વિશ્વભરમાં ઘણા બધા લોકો એક સમયે ફોન ઉપર વાત કરતા હોય છે. ત્યારે ચોક્કસ ફોને બીજા ફોન સાથે જોડવા મજબૂત નેટવર્ક જરૂરી છે. મોબાઈલ ફોનમાં ઈલેક્ટ્રોમેગ્નેટિક એનર્જીનો ઉપયોગ થાય છે. ઈલેક્ટ્રીસીટી અને મેગ્નેટિઝમ ભેગા થાય ત્યારે ઘણાં ચમત્કારિક કામ કરે છે તેનાં મોજાં પ્રકાશ જેટલી ગતિથી વાતાવરણમાં ફેલાય છે.
મોબાઈલ ફોનમાં પાવર માટે બેટરી, પ્રસારણ ઝીલવા કે મોકલવા માટે એન્ટેના અને પ્રોસેસર હોય છે. પ્રોસેસર અવાજના તરંગોને ઈલેક્ટ્રીક અને તેમાંથી ડીજીટલ સ્વરૂપ આપે છે. કોઈ વ્યક્તિ મોબાઈલ ફોન પર વાત કરે ત્યારે તેના અવાજને ડિજીટલ સ્વરૂપ આપીને ઈલેક્ટ્રિક સિગ્નલમાં ફેરવે છે. એન્ટેના દ્વારા આ મોજાં નજીકના ટાવરને મળે છે. ટાવર સંદેશાની ઓળખ મેળવી નજીકના સંબંધિત ટાવરને મોકલે છે. એક સાથે ઘણા બધા ફોન ઉપયોગમાં હોય ત્યારે બધા એકબીજા સાથે ભળી ન જાય તે માટે દરેક વિસ્તારને નાના નાના ભાગમાં વહેંચી નાખેલું છે. આ વિસ્તારને સેલ કહે છે. આ સેલ મર્યાદિત વિસ્તારમાં જોડાયેલા હોય છે. મોબાઈલના ટાવર દરેક સેલ સાથે જોડાયેલા હોય છે અને સંદેશાને ઓળખી જે તે સેલ સાથે જ જોડે છે. આ બધું જ કામ આંખના પલકારાની ઝડપે થાય છે. મોબાઈલ ફોનનું આ અદભૂત નેટવર્ક છે.