LCD સ્ક્રીનમાં આંકડા કેવી રીતે બદલાય છે?
ઇલેકટ્રોનિક ઘડિયાળ, કેલક્યૂલેટર, વજનકાંટા જેવા સાધનોમાં સ્ક્રીન પર માત્ર આંકડાની જ જરૂર હોય છે. આડી અને ઉભી રેખાથી બનેલા આંકડા તમે જોયા હશે. આ સ્ક્રીનને એલ.સી.ડી. કહે છે. એલસીડી એટલે લિકવીડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. આ આંકડા મોટે ભાગે કાળા કે લાલ રંગના હોય છે. આંકડા ખરેખર તો રંગના બનેલા નથી પરંતુ પ્રકાશ અવરોધાય તે સ્થાનના બનેલા છે.
એલસીડી સ્ક્રીનમાં કાચના આવરણ વચ્ચે લિકવીડ ક્રિસ્ટલ ભરેલું હોય છે. લિકવીડ ક્રિસ્ટલના ક્રિસ્ટલ વીજપ્રવાહ મળે એટલે આગળ પાછળ કતારબંધ ગોઠવાઈને પાછળથી આવતા પ્રકાશને રોકે છે. આંકડા હોય તેટલા ભાગમાં પ્રકાશ ન હોય એટલે તે ભાગ કાળો દેખાય. ચોક્કસ સ્થાને ક્રિસ્ટલ ગોઠવાઈને આંકડો બને છે. વિવિધ સાધનોમાં ઇલેક્ટ્રિોનિક સર્કિટ વડે યોગ્ય વીજપ્રવાહ મોકલીને ચોક્કસ જગ્યાના ક્રિસ્ટલને સક્રિય કરી આંકડો બને છે. આ બધુ ઘણું ઝડપથી થાય છે. આ સ્ક્રીન ડિસ્પ્લેમાં ઘણી પધ્ધતિ છે. પરંતુ મૂળ સિધ્ધાંત અપારદર્શક લિકવીડ ક્રિસ્ટલ ગોઠવાઈને આંકડા બનવાનો છે.