ડિજિટલ કેમેરા કેવી રીતે કામ કરે છે?
ડિ જિટલ કેમેરા ઈલેક્ટ્રોનિક યુગની લોકપ્રિય શોધ છે. અગાઉ ફોટોગ્રાફિક ફિલ્મવાળા કેમેરામાં લેન્સ દ્વારા ફોટોગ્રાફિક પ્લેટ ઉપર ઈમેજ લઈ તેને રાસાયણિક પ્રક્રિયા વડે ડેવલપ કરી તસવીરો મેળવાતી તેમાં તસવીર લેતાં દિવસો નીકળી જતાં. ડિજિટલ કેમેરા પણ લેન્સ વડે જ તસવીર લે છે પરંતુ તરત જ તસવીર જોવા મળે અને એ પણ રોલ કે ફિલ્મની કડાકૂટ વિના.
ડિજિટલ કેમેરાનો લેન્સ સામેના દ્રશ્યની ઈમેજને સેમિકન્ડક્ટરની તકતી પર મોકલે છે. આ તકતીમાં ઝીણા ઝીણા ઈમેજ સેન્સર હોય છે. ઈમેજ સેન્સર બે પ્રકારના હોય છે. સીસીડી એટલે કે ચાર્જ કપલ્ડ ડિવાઈસ અને બીજા સીએમઓએસ એટલે કે કોમ્પ્લીમેટરી મેટલ ઓક્સાઈડ સેમી કન્ડક્ટર ડિજિટલ કેમેરામાં એ બેમાંથી કોઈ પણ એક પ્રકારના સેન્સર વપરાય છે. સેમી કન્ડક્ટરની આ તકતીમાં આ ઝીણા ઝીણા લાખો સેન્સર હારબંધ ગોઠવેલા હોય છે. સામેના દ્રશ્યની ઈમેજ આ તકતી પર પડે એટલે દરેક સેન્સર પોતાનુ ંકામ શરૂ કરી દે. આ તકતીમાં આડા અને ઉભા એમ કેટલા સેન્સરની કતાર છે તેના પરથી કેમેરાની ક્ષમતા નક્કી થાય છે.
આપણે તેને રીઝોલ્યુશન કહીએ છીએ.
પ્રકાશના કિરણો ફોટોન કણોના બનેલાં છે, પ્રકાશની તીવ્રતા મુજબ તેમાં વીજભાર હોય છે. સીસીડી સેન્સર આ વીજભારને ઓળખીને તેનું બાઈનરી મૂલ્યને મેમરી કાર્ડમાં સંઘરે છે. મેમરી કાર્ડ વરસાદ પડતો હોય અને હજારો ડોલ કતારમાં ગોઠવીને મુકી હોય તો કોઈ ડોલ વધુ તો કોઈ ઓછી ભરાય. તે જ રીતે દ્રશ્યના ઈમેજના દરેક રંગની તીવ્રતા મુજબ દરેક સેન્સર માહિતી જમા કરે છે. આ માહિતીના કણોને ફોટોસાઈટ્સ કહે છે. કેમેરામાં એલસીડી સ્ક્રીન હોય છે. સેન્સરમાંથી પસાર થયેલા ફોટોલાઈટ એનાલોગ કન્વર્ટર અને માઈક્રોપ્રોસેસર દ્વારા ફરી પ્રકાશના કિરણો બની સ્ક્રીન ઉપર દ્રશ્ય સ્વરૂપે દેખાય છે. ડિજિટલ કેમેરા બેટરીના પાવરથી ચાલે છે.
ડિજિટલ કેમેરા વડે લીધેલી તસવીરોના ફોટોલાઈટ મેમરી કાર્ડ પર સંગ્રહ કરી શકાય છે. મોબાઈલ ફોનમાં પણ ડિજિટલ કેમેરા હોય છે.