પહાડોમાં ગુફાઓ કેવી રીતે બને છે?
દરિયા કિનારાના ખડકો, પર્વતો અને નદીની ભેખડોમાં નાની મોટી ગુફાઓ તમે જોઈ હશે. ગુફા એ જમીન પરની અદ્ભૂત ભૌગોલિક રચના છે. પ્રાગૈતિહાસિક કાળમાં માણસ ગુફામાં રહેતો હતો. પહાડોમાં ભૂસ્ખલન તેમજ લાંબા કાળના પવનના ઘસારાને કારણે ખડકો કોતરાઈને ગુફાઓ બને છે. પર્વતીય વિસ્તારોમાં વધુ ગુફાઓ હોય છે. કેટલીક ગુફાઓનો પ્રાચીન કાળમાં મંદિરો અને સાધુઓને રહેઠાણ તરીકે ઉપયોગ થતો. આવી ગુફાઓ સુંદર સ્થાપત્યનો નમૂનો બનતી. ભારતમાં અજંતા ઈલોરા, એલિફન્ટા ઉપરાંત અનેક ગુફાઓ જાણીતી છે. દરિયાકિનારે પાણી અને પવનના ઘસારાથી પણ ઘણી અજાયબી જેવી ગુફાઓ બને છે. જમીનના પેટાળમાં વહેતાં પાણીને કારણે પણ લાંબી ગુફાઓ બને છે. સારાવાક ચેમ્બર જાણીતી છે.