ચકલાંને મારો .

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
ચકલાંને મારો                                         . 1 - image


- વિનાશક જીવડાંઓ તો આ ચકલાંનો ખોરાક છે. વીણીવીણીને ચકલાં ઝીણાં ઝીણાં તીણાં કીણાં જીવડાંઓ સાફ કરે છે. પછી ખેતીને રોગ લાગે જ શાનો? 

- 'આ ચકલાં ખાલી ચીંચીં નથી કરતાં તેઓ આપણાં ખેતરની સફાઈ કરે છે.

- ન રહ્યાં ચકલાં, ન રહી ચીં-ચીં.

'ચ કલાંને મારો...' રાજાનો હુકમ થયો. લોકો નવાઈ પામી ગયા કે રાજા આ વળી શું કહે છે ? રાજાને ચકલાંઓ શું નડયાં ?

પણ નડયાં જ હતાં. ચકલાં-ચકલીઓ, નાનાંમોટાં પંખીઓ ચકચક-ચીં કરનારાં ભોળાં ભલાં પંખીડાંઓ રાજાને નડયાં જ હતાં.

વાત એવી કે રાજાને મોડા ઊઠવા જોઈએ. ચકલીઓ તો વહેલી ઊઠે. શરૂ કરી દે ચીં-ચીં, ચકચક-ચીં ચીંચીં. ચકલીઓ કંઈ એક પ્રકારની હોય છે? જેટલી જાત એટલી ચીંચીં. જેટલી ભાત એટલી ચક-ચીં.

રાજાને ઊંઘમાં ખલેલ પડી જાય. તેની વહેલી સવારની મીઠી નીંદર વીંખાઈ-પીંખાઈ જાય. તેઓ જેવા ઊઠે કે આદેશ આપી દે : 'ચકલાંને મારો.'

રાજાનો હુકમ. દરવાનો ચોકીદારો ભૈયાઓ દોડીને કહે : 'ચીડિયાં કો મારો.'

કોઈ પથરાથી મારે, કોઈ ગિલોલથી મારે, કોઈ વળી તીરનાં નિશાન તાકે. અરે તલવાર લઈનેય પાછળ પડે. ખુદ રાજા અગાશીમાંથી બંદૂકના ભડાકા કરે.

ચકલાં મરે કે નાય મરે, અને ચકલાં તો નિર્દોષ, ભોળા ભલા જીવ. બીજી સવારે પાછાં ગાવા લાગે : 'ચકચકચીં, ચકચકચીં.'

રાજાઓ બગીચો જ એવો લીલોછમ હતો, રૂડોરૂપાળો હતો, મહેકતો-બહેકતો હતો કે ચકલાં-ચકલીઓને આવવાનું મન થાય જ. ગાયા વગર તો રહી જ શકે નહિ.

ચકલાંઓ સમૂહમાં ચકચકચીં કરે અને રાજા હુકમ કરે : 'ચકલાંને મારો.'

રાજાએ સભા બોલાવી. દરબારીઓને, સલાહકારોને પૂછયું: 'રાજ્યભરમાંથી ચકલાં દૂર કરવાં છે. ઉપાય બતાવો. આપણા રાજ્યમાં ચકલાં નહિ જોઈએ. આ ચકચકચીં નહિ જોઈએ.'

'ચકલાંને મારવાં છે ? એમાં શી મોટી વાત છે ? મારો...' સલાહકારોએ સલાહ આપી. સલાહકારો હંમેશાં રાજાને ગમતી જ સલાહ આપતા હોય છે. તેઓ કહે : 'પથરાથી મારો, ઢેફાં-ઢેખાળાથી મારો, ગિલોલથી મારો, તીર-તલવારથી મારો, ત્રિશૂળ-ભાલાથી મારો...'

'ચકલાંને મારો,' જેવો અમલ શરૂ થયો. પણ ચકલાં કોને કહ્યાં છે? આમથી મારે તો તેમ જાય, તેમથી મારે તો બીજે જાય. બીજેથી મારો તો પાછાં આમ આવે, અને શરૂ કરી દે : 'ચકચકચીં... ચકચકચીં...'

રાજાએ પાછી સભા બોલાવી. રાજા કહે : 'આ તો માનતાં જ નથી, આ ચકલાં, આ તો મરતાં જ નથી, આ ચકલાં, સલાહ આપો સલાહકારો, સલાહ આપો.' આપી સલાહ સલાહકારોએ કે : 'ચકલાંને મારવાનું કામ માત્ર રાજ્યનું નથી, પ્રજાનુંય છે. આપી દો ઈનામ પ્રજાને, એક ચકલાનો એક ટકો.'

હુકમ જારી થયો. એક ચકલું મારો અને એક ટકો મેળવી લો. બસ, શરૂ થઈ ચકલાં-મારની હોડ અને દોડ. ચકલાં જુઓ કે મારો. એક એકલું મારો અને એક ટકો મેળવી લો. બે મારે તેને બે મળે.

ત્રણ મારનારને ત્રણ મળે.

બેકાર લોકોને ધંધો મળી ગયો. પ્રજાને જાણે બીજું કંઈ કામ જ રહ્યું નહિ. ચકલાંને મારો. દીઠે ઠાર કરો. ચકલે ચકલે કમાણી કરો.

આ વખતે રાજાને ફતેહ મળી. તેને ખરેખરી સફળતા મળી. લોકોએ એવો ચકલાં-માર કાર્યક્રમ ઊજવ્યો કે એકેય ચકલું ન રહ્યું.

ચકલું ફરકેય શાનું ? લોકો મારવાને તૈયાર જ બેઠા હોય ! એકાદ ચકલુંય આ તરફ આવી ચઢે કે દોડે માણસો તેની પાછળ. ચકલું એક, મારનાર અનેક. ચકલું કંઈ બચે કે ?

ન બચ્યું ચકલું. ન બચ્યાં ચકલાં. ખતમ...નાશ. સર્વનાશ. ચકલાંઓનો સામટો વિનાશ.

રાજાને હવે મોડા ઊઠવામાં વાંધો ન હતો. હવે સવારે કોઈ ચકલાં ચીં-ચીં કે ચકચક-ચીં કરતાં નહિ. ન રહ્યાં ચકલાં, ન રહી ચીં-ચીં. ન રહ્યાં ચકલાં, ન રહ્યાં ગીત. ન રહ્યાં પંખી, ન રહી ફડફડ. ન રહી ફડફડ, ન રહી તડફડ.

રાજાને હાશ થઈ હશે ? થઈ જ હશે ! પણ થોડા દિવસ પૂરતી. થોડા મહિના પૂરતી.

જેવી પાકની મોસમ આવી કે પાક જ ન મળે. ખેતરો ખાલીખમ. ઝાડવાં સૂઈ ગયાં. છોડવા સુકાઈ ગયા. વાવેલો પાક ઊગે તે પહેલાં જ સુકાઈ જાય. બિયારણ જમીનમાં પહોંચે કે મરી જાય. ખેતરો ખાલીખમ. ન અનાજ પાકે, ના દાણા, ન કોથમીર, ન ધાણા. ન ઘઉં, ન ચોખા. જ્યાં જુઓ ત્યાં ખાડાઓ બોખા. ન બાજરી, ન મકાઈ. ન ગુવાર, ન જુવાર. ન સરગવો, ન રીંગણ.

ખેડૂત જોતો રહી ગયો. અરે, વાવતો રહી ગયો. વાવ્યું કે ગયું. જમીનમાંથી ડૂંડલું-ય બહાર આવે નહિ. આવે તો માથું હલાવે નહિ. માથું હલાવે તો લબડી પડતાં વાર નહિ.

શરૂ થયો દુકાળ.

શરૂ થયો ભૂખમરો.

શરૂ થઈ કારમી બેકારી.

મોં ખૂલતાં પણ ખાવા માટે બગાસાં. બીજું કંઈ તો ખાવાનું હતું જ નહિ. સુક્કાં ખેતર વળી શું આપે ?

લોકોએ અવાજ શરૂ કર્યો : 'ખાવા આપો, ખાવા આપો. રોટલો આપો, ભાત આપો. શાક આપો, દાણા આપો. ભાજી આપો, પાલો આપો. ફુસકી આપો, કુસકી આપો. ખાવા માટે કંઈ પણ આપો.'

રાજા ચિંતામાં પડી ગયા. બોલાવી સભા.

સલાહકારોનાં ટોળાં હાજર થયાં. પંખીઓનાં ટોળાંને ઉડાડી મુકનાર પણ આ સલાહકારો જ હતા. તેમણે તો આપવા માંડી સલાહ : 'અનાજ બીજેથી મંગાવો, બીજા દેશમાંથી હોશિયાર લોકોને બોલાવો. અમને સલાહકારોને વિદેશ જાણવા શીખવા મોકલો.'

દેશ મરતો હતો અને સલાહકારો પોતાના લાભની જ સલાહ આપતા હતા.

એક ઘરડો ખેડૂત ઊભો થયો. કહે : 'હું... હું કંઈ કહું, રાજાજી ?'

'કહો.'

ખેડૂત કહે : 'ચકલાંઓને પાછાં બોલાવો.'

'હેં...!'

'હા. જ્યારે આપ સહુ ચકલાંઓને મારતા હતા ત્યારે જ હું તો કહેવાનો હતો. પણ નગારામાં આ ખેડૂતની પિપૂડી કોણ સાંભળે ? એટલે ચુપ રહ્યો. બાકી સાચું કહું તો જે ચકલાંઓ કમાલ કરશે, એ આ સલાહકારો નહિ કરી શકે.'

'ચકલાંઓ ખેતી કરશે ? ચકલાંઓ અનાજ ઉગાડશે ? ચકલાંઓ જુવાર, બાજરી, ઘઉં, મકાઈ, ઉગાડશે ?'

'એ હા રે હા', અનુભવી ઘરડો ખેડૂત કહે : 'અનાજ તો શું, ચકલાંઓ શાકભાજી અને કપાસ ઉગાડશે, ફૂલો અને ફળનાં ઝાડ ઉગાડશે.'

'કેવી રીતે ?' રાજાએ પ્રશ્ન પુછ્યો. ચમચાઓએ પડઘો પાડયો : 'કેવી રીતે ? કેવી રીતે ?'

જેની જિંદગી જ ખેતરમાં વીતી છે એવા ખેતા દાદાજી કહે : 'એવી રીતે કે ચકલાંઓ ખેડૂતનાં મિત્ર છે. ફૂલ છોડ ઝાડ પાકના ડાક્ટર છે...'

'હેં ! ચકલાઓ ડા-ક-ટ-ર ?'

'હા, ઝાડવાંઓનેય રોગ લાગુ પડે છે. તેમનેય જીવાતો પજવે છે. નાનાં દેખાય તેવાં અને ન દેખાય તેવાં જીવડાં જમીનમાં પેઠાં કે પાક નાપાક થયો જ સમજો. છોડને ખીલવા જ નહિ દે. ખીલશે તો ઊગવા જ નહિ દે. ઊગશે તો પાંદડાં ડૂંડલાં ફળનેય નકામાં બનાવી દેશે, ભઈલાઓ...'

આજીવન ખેડૂત ખેતાદાદા કહે : 'આપણને જેમ ગડગૂમડ ચાંદાંચાંઠાં પડે છે, ખંજવાળ આવે છે, વલૂરવાનો વા લાગુ પડે છે, તેવું જ આ ખેતીનેય થાય છે. બિચારા દુ:ખી દુ:ખી થઈને મરી જાય છે. તમે જોતાં રહો અને તમારી સામે તમારાં કુમળાં બાળુડાં સા-ફ.'

'શું કહો દાદાજી ?' રાજાએ જ પૂછયું : 'સમજાવો.'

ખેતાદાદા કહે : 'આ ચકલાં ખાલી ચીંચીં નથી કરતાં તેઓ આપણાં ખેતરની સફાઈ કરે છે. ઝાડનાં મૂળમાં જે જાત-જાતની જીવાતો, ઈયળો, ઊધઈઓ, બગાઈઓ, ચૂસિયાં, ખૂસિયાં, ભૂસિયાં, જીવડાંઓ થાય છે. એ વિનાશક જીવડાંઓ તો આ ચકલાંનો ખોરાક છે. વીણીવીણીને ચકલાં ઝીણાં ઝીણાં તીણાં કીણાં જીવડાંઓ સાફ કરે છે. પછી ખેતીને રોગ લાગે જ શાનો ? ડા-ક-ટ-ર હાજર હોય પછી કંઈ દરદી ઓછા મરે ? પાણી પહેલાં જ પાળ. રોગ પહેલાં જ ઉપાય...'

રાજાએ સલાહકારોને પૂછયું : 'અલ્યાઓ, આ ખેતાદાદા સાચું કહે છે?'

સલાહકારો કહે : 'અજમાવી જોઈએ.'

ફરીથી ચકલાંઓને બોલાવવાનો કાર્યક્રમ શરૂ થયો. 

તેમને દાણા અપાયા, તેમને જીવતદાન અપાયાં, તેમને માટે ચબૂતરાઓ ઊભા થયા, અરે પાણી માટે હવાડા થયા તથા ઢોચકાં અને માટલાંઓ મુકાયાં.

ચકલાંને જતાં વાર લાગે, આવતાં કંઈ વાર લાગે ? એ તો સાવ ભોળા જીવ. મફતની દવા કરનારા વૈદો. આવી પહોંચ્યાં ચકલાંઓ, કાબરો અને તેતર, બુલબુલ અને કાગડા, નાની ચકલીઓ અને મોટી ચકલીઓ. અરે લાલ ભૂખરી ભૂરી કાળી કાબરચીતરી કંઈક જાણી અજાણી ચકલીઓ.

શરૂ થઈ ગયું પાછું ચકચકચીં, ચકચકચીં.

ચકલાંઓએ તો ખેતરો ચોખ્ખાંચટ બનાવી દીધાં. ઝેરી જીવડાંઓ સાફ, મૂળને ખોતરનારાં સાફ, થડને કોરનારાં સાફ અને પાંદડાંને ચાવી જનારાં સાફ. દાણાનો દૂણો સાફ અને ફળમાંહેની ઈયળો સાફ.

ફરીથી શરૂ થઈ ખેતી.

આહાહાહા ! ચકલાંથી વધુ પાક, પાકથી વધુ ચકલાં.

ચકલાંઓની ચીંચીં શરૂ, ડૂંડલાંઓનું ડોલવું શરૂ.

લીલોછમ પાક શરૂ, હરિ હરિ હરિયાળી શરૂ.

રાજાએ ખુશીમાં આવી જઈ સભા બોલાવી. સલાહકારોને પૂછયું : 'હવે શું કેવ છો તમે ?'

સલાહકારોએ સલાહ આપી : 'ખેતાદાદાને જ પૂછીએ.'

ખેતાદાદા કહે : 'પૂછવાનું શું વળી ? ચકલાંનું સંગીત તો ખેતીની પ્રાર્થના છે. ભોજનનું ભજન છે. વહેલા ઊઠીને જે કોઈ આ ગીત સંગીત સાંભળે એ સાજો રહે, તાજો રહે, ખીલેલો રહે, સમૃદ્ધ રહે, ભૂખે તો કદી ન મરે. ચકલાં તો જીવે અને જિવાડે, ખાય અને ખવડાવે, ગાય અને ગવડાવે, આનંદ કરે અને કરાવે, લીલાલહેર અને ચકલાંની મહેર. બોલો લોકો ચકલાંને મારશો હવે ?'

'ના... ના... ના...'

'ચકલાં સાથે ગાશો ગીતો ?'

'હા-હા-હા.'

'ઊંઘણશી બનશો કે વહેલાં ઊઠનારાં ?'

'વહેલાં ઊઠનારાં.'

ત્યારે ચાલો ગાઈએ :

ચકલાંઓને મારશો નહિ

ચકલાંને ઉડાડશો નહિ

ચકલાંઓ તો સાથી છે

ખેતરનાં સંગાથી છે

ફળફૂલનાં છે ફોજદાર

ઊભા પાકનાં પહેરેદાર

ગાતાં એમને રોકશો નહિ

એમની ટીં-ટીં ટોકશો નહિ

વૈદ વગર પૈસાનાં છે

હિત હેત હૈસાનાં છે

ચકચકચીં એમનું જંતર

ખુશ રહેજો એમનો મંતર

ભગાડશો નહિ, ઉડાડશો નહિ

ચકલાંઓને મારશો નહિ. ;


Google NewsGoogle News