Get The App

ઓ દેવતાઓ, પોઢો છો શાને? .

Updated: Jul 7th, 2023


Google NewsGoogle News
ઓ દેવતાઓ, પોઢો છો શાને?                                          . 1 - image


- છે કથા અષાઢની, પણ આજેય જાગે જાગે કહે કન્યાને યાદ કરો, શત્રુ ભાગે રે ભાગે

અ ષાઢ મહિનો, સુદ પખવાડિયું અને એકાદશીનો દિવસ એટલે દેવ પોઢી કે દેવશ્યની એકાદશી.

એ દિવસથી ચાર મહિના વિષ્ણુ ભગવાન શેષશય્યા પર શયન કરે છે.

દેવતાઓને માટે ત્યારે રાત હોય છે.

દેવતા લોકો ત્યારે સૂતેલા હોય છે એટલે એ દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે. સન્યાસીઓ એ ચાર મહિના એક જગાએ રહે છે અને ગૃહસ્થો વિવિધ વ્રતોનું પાલન કરે છે.

દેવપોઢી એકાદશીની ઘણી કથાઓ છે, પણ તેમાંની એક જાણીતી છે.

એકવાર દેવ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધ ભારે હતું, કેમ કે રાક્ષસોનો રાજા મૂર જબરો શક્તિશાળી હતો.

એક રાક્ષસ દેવતાઓને જીતી જાય તો તો થઈ જ રહ્યું ને! આવી જ બન્યું ને!

દેવતાઓ દોડયા. તેમણે વિષ્ણુની મદદ માગી, પણ રાક્ષસ-રાજ મૂર જબરો હતો. વિષ્ણુ પણ તેને કંઈ કરી શક્યા નહીં. અરે વિષ્ણુ તો એનાથી એવા કંટાળ્યા ને કે એક ગુફામાં જઈને ઊંઘી જ ગયા!

મૂર તો ઊપડયો પેલી ગુફામાં.

યુદ્ધથી થાકીને વિષ્ણુ નિરાંતે ઊંઘતા હતા.

મૂરને સારો લાગ મળી ગયો.

તેણે હથિયાર ઉગામ્યું.

પણ ત્યારે જ કોણ જાણે ક્યાંથી ત્યાં એક કન્યા આવી ગઈ. એ કન્યા અતિસુંદર હતી. મૂરનો હાથ ઉગામેલો જ રહી ગયો. તે એ કન્યાને જોઈ જ રહ્યો.

કન્યા તો જબરી નીકળી. મૂર જેવો ખંચકાયો કે તરત જ કન્યાએ સામો ઘા કર્યો. શું થયું તે જાણે તે પહેલાં મૂર જેવો મૂર ઢળી પડયો. મરી ગયો. બળવાન પણ જ્યારે ગાફેલ બને છે ત્યારે માર ખાય છે.

વિષ્ણુ જાગ્યા ત્યારે તેમણે જોયું તો રાક્ષસ રાજ મૂર પડેલો છે. મરેલો છે. સામે જ પેલી વિજયી કન્યા ઊભેલી છે. તેના હાથમાં શસ્ત્ર છે.

પ્રસન્ન થઈને વિષ્ણુએ આશીર્વાદ આપ્યા કે ઃ 'હે કન્યા! આજે તેં એક પવિત્ર કામ કર્યું છે. માટે લોકો તને ખૂબ જ પવિત્ર ગણશે. તું આજથી એકાદશીના નામથી ઓળખાશે અને મહિનામાં બે વાર લોકો તારું વ્રત રાખશે.'

- હરીશ નાયક


Google NewsGoogle News