કાપલી .
- 'તું જ્યારે સવારે નાહવા ગયો ત્યારે તારા અભ્યાસખંડમાં પડેલા વેરવિખેર પુસ્તકો હું ગોઠવતો હતો. અચાનક જ મારી નજર તારા...'
વિઠ્ઠલાણી પલ્લવી હેમલકુમાર
એ ક છોકરો હતો. એનું નામ રાજેશ. નવમા ધોરણમાં અભ્યાસ કરે. આઠ ધોરણ સુધી તો મહેનત કરીને પાસ થયેલો પણ આ વર્ષે કંઈ ખાસ મહેનત કરેલી નહીં. આખુંય વર્ષ રખડયો હતો. હવે પરીક્ષાઓ સાવ નજીક આવીને ઊભી. બીજા વિષયો તો તેણે થોડાક પણ વાંચ્યા હતાં, પણ અંગ્રેજીમાં કશી તૈયારી ન હતી.
હવે પરીક્ષા વખતે છોકરાને બીક લાગવા માંડી કે અંગ્રેજીમાં નાપાસ થઈશ તો? તે રાત-દિવસ અંગ્રેજીનું વાંચન કરવા લાગ્યો, પણ તેને એવું લાગતું કે જે વાંચું છું તેનું બાષ્પીભવન થઈ જાય છે. તેને ફાળ પડી કે પરીક્ષામાં શું લખીશ?
આમ કરતાં-કરતાં પરીક્ષાનો આગલો દિવસ આવી પહોંચ્યો. છોકરાએ ઝટપટ જમી લીધું અને વાંચવા બેસી ગયો. મધરાતના બારના ટકોરા પડયા ત્યાં સુધી વાંચ-વાંચ કર્યું, પણ છેલ્લી ઘડીએ શું થાય?
તેને અંગ્રેજીમાં પાસ થવાની જરા પણ આશા દેખાતી ન હતી. અંતે નિરાશ થઈને તે પથારીમાં પડયો. પથારીમાં પડયા પડયા જ તેને વિચાર આવ્યો કે, કાગળમાં અગત્યના સવાલોનાં જવાબ ઉતારીને કાગળ કંપાસપેટીમાં સંતાડી દઉં તો કોણ જાણવાનું છે? બસ, તે ઝટપટ નોટમાંથી એક કાગળ કાઢી ઝીણા ઝીણા અક્ષરોથી લખવા બેસી ગયો. કંપાસમાં કાગળ સંતાડી નિરાંતે ઊંઘી ગયો.
સવારે વહેલો ઉઠીને એ તૈયાર થઈ ગયો. પિતાજીએ પૂછ્યું,'બેટા, કેવી તૈયારી છે?' બેઠા જીવે છોકરો કહે,'બાપુજી, ખૂબ સરસ!' અને પરીક્ષા આપવા પહોંચી ગયો. પ્રશ્નપત્ર હાથમાં આવતાં જ ખુશ થયો કે કાપલીમાં લખેલા બધા જ પ્રશ્નો છે. તક મળતાં જ કંપાસપેટીમાંથી કાપલી કાઢીને જોયું તો અરરર! આ શું? આખી કાપલી જ બદલાઈ ગયેલી! જાણે પોતે ટોચ પરથી ભોંય પછડાયો હોય તેવું લાગ્યું. પોતાનું વર્ષ બગાડનાર કાપલી મુઠ્ઠીમાં દબાવી, કોરી સપ્લીમેન્ટરી સુપરવાઈઝરના હાથમાં આપી છોકરો પરીક્ષાખંડની બહાર નીકળી ગયો.
બહાર જઈ તેણે કાપલી ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું: 'તું જ્યારે સવારે નાહવા ગયો ત્યારે તારા અભ્યાસખંડમાં પડેલા વેરવિખેર પુસ્તકો હું ગોઠવતો હતો. અચાનક જ મારી નજર તારા કંપાસમાં પડેલી કાપલી પર પડી. મને ખૂબ દુ:ખ થયું કે મારો દીકરો ચોરીના રવાડે ચઢી ગયો? મેં તે કાપલી ફાડી નાંખી. તું ખુશીથી કોરી સપ્લીમેન્ટરી મૂકી આવજે. આવતા વર્ષે ખૂબ પરિશ્રમ કરજે. તને અવશ્ય ફળ મળશે. લિ. તારા દુ:ખી પિતા...'
આ વાંચીને છોકરો રડી પડયો. ઘરે જઈને તેણે પિતાજીની માફી માંગી. અને બીજા વર્ષે સખત પરિશ્રમ કરીને સારા ગુણથી પાસ થયો. પિતાજીની એ કાપલીએ તેની કાયાપલટ કરી નાખી.