ક કલમનો ક .
દુર્ગેશ ઓઝા
'મોટી ઉંમરે કક્કો-બારાખડી શીખવા બેસું તો નહીં આવડે ને લોકો શું કહેશે એવી ખોટી શરમ ને બીક છોડી દે. શીખવા માટે કોઈ ઉંમર મોટી નથી.'
'તને ખબર છેને મને પુસ્તકો વાંચવાનો કેવો મજાનો શોખ છે! તને સરસ મજાની વાર્તા, કવિતા, નાટક વગેરેય વાંચવાં મળશે, એમાં તને બહુ મજા આવશે.'
પવન ને પાયલ બેય ભાઈબહેન. પવનની ઉંમર બાર વર્ષની ને પાયલ હતી દસ વર્ષની. એમની મમ્મીનું નામ સરિતા, ને પપ્પાનું નામ શામજી. એક દિવસની વાત છે. કોઈએ એમના ઘરનું બારણું ખખડાવ્યું, 'ખટખટ ખટખટ...' સરિતાએ બારણું ખોલ્યું ઝટપટ ઝટપટ. એક યુવાન બહાર ઊભો હતો. એ કહે, 'નમસ્કાર માસી, મારું નામ રવિ છે. હું બહારગામથી આવું છું. આ કાગળમાં લખેલું સરનામું વાંચીને જરા કહોને કે આ સુરેશભાઈ પાપડવાળાનું ઘર ક્યાં આવ્યું?'
સરિતાએ સામો પ્રશ્ન પૂછયો, 'પાપડવાળા કે કાપડવાળા?'
'માસી, સુરેશભાઈ પાપડવાળા. એનું ઘર શોધીશોધીને મારા પગની તો કઢી થઈ ગઈ.'
'ચિંતા ન કર છોકરા. અમે ઘરે ખીચડી બનાવી છે. કઢી હારે ખીચડી ખાઈ લે એટલે વાત પૂરી. આમાં બેયને ફાયદો. મારે હવે કઢી બનાવવી નહીં પડે, ને તને કઢી હારે ખીચડી મળશે, સાથે પાપડ પણ... શું સમજ્યો?'
રવિ ખડખડ હસી પડતાં કહે, 'માસી, હું તો સમજ્યો, પણ તમે નથી સમજયાં. અરે, એ કઢી નહીં. મારા પગની કઢી થઈ ગઈ એટલે એમ કે મારા પગ દુઃખી ગયા, હું ઘર શોધીશોધીને થાકી ગયો.'
સરિતાએ એને પાણી પાયું ને પછી એ બોલી, 'એ તો મનેય ખબર છે. હું તો અમથી અમથી મજાક કરતી હતી. જો સામે પેલો આખલો દેખાય છે? એની બાજુમાં એ દેખાય પેલો થાંભલો. ત્યાંથી સીધો ચાલ્યો જઈશ એટલે મહાદેવનું મંદિર આવશે. જો, પેલી ધજા દેખાય. એની ડાબી બાજુ દવાની દુકાન છે, એમાં વળતાં જ ત્યાં એક ચોક આવશે, એ ચોકમાં જમણી બાજુ ગુલાબી રંગનું જે એક જ મકાન છે એ સુરેશભાઈનું.'
રવિ કહે, 'અરે પણ સુરેશભાઈ એ જ હશેને? જરા આ કાગળમાં સરનામું લખ્યું છે એ વાંચી તો જુઓ.'
સરિતા બોલી, 'તારે મમ્ મમ્થી કામ કે ટપટપથી? તારું કામ થઈ જાય એટલે ઘણું. દીકરા, તું ચિંતા ન કર. અરે પવન, પાયલ... તમે બેય પવનવેગે જાવ ને આ ભાઈને સુરેશભાઈના ઘરે મૂકી આવો.'
બેય ભાઈબહેન રવિને સુરેશભાઈના ઘરે મૂકવાં ગયાં ને પછી પોતાનાં ઘરે પાછાં આવ્યાં. પવન કહે, 'મમ્મી, તેં પેલા ભાઈને જે ઘર બતાવ્યું ત્યાં હવે સુરેશભાઈ નથી રહેતા. એમણે દસ દિવસ પહેલાં જ મકાન બદલાવ્યું. તે બાજુની શેરીમાં રહેવા ગયા. કાગળ પર નવું સરનામું લખ્યું હતું. તારી વાત માની એ માણસ જો જૂના સરનામે એકલો ગયો હોત તો હજી આંટા જ મારતો હોત. એના પગની કઢી વધુ થાત.'
પાયલ કહે, 'મમ્મી, અમે તને ઘણી વાર કીધું કે તું વાંચતાં-લખતાં શીખ. કોઈએ કંઈક લખ્યું હોય એ કામની વાત હોય તો તું સમજી શકે, એટલે કામ ન બગડે. તને ખબર છેને મને પુસ્તકો વાંચવાનો કેવો મજાનો શોખ છે! તને સરસ મજાની વાર્તા, કવિતા, નાટક વગેરેય વાંચવાં મળશે, એમાં તને બહુ મજા આવશે.'
પવને બહેનની વાતને ટેકો આપ્યો. 'હા મમ્મી, પાયલ સાચું કહે છે. વળી વાંચતાં-લખતાં આવડતું હોય તો ક્યાં શું થાય છે એની આખી દુનિયાની ખબર મળે, ને કોઈ તને છેતરી ન જાય.'
સરિતા બોલી, 'એમ મને કોઈ છેતરી જાય એ વાતમાં શું માલ છે? મને વાંચતા ભલે ન આવડે, પણ સામેના માણસના મનમાં શું ચાલે છે ને આ દુનિયામાં શું ચાલે છે એની મને ખબર પડી જ જાય છે.'
શામજી કહે, 'સરુ, તારામાં કોઠાસૂઝ બહુ છે, ને તું અભણ છો તોય હોશિયાર છો, તું ઘણા ભણેલા કરતાં હજાર દરજ્જે સારી છો, પણ તું વાંચતાં-લખતાં શીખ તો વધુ સારું. તને ખબર છે ને પેલા શાંતિભાઈ પાસે એક ધુતારાએ કાગળમાં એમ કહીને સહી કરાવી લીધી હતી કે 'તમને લાખ રૂપિયા મળે એનો આ કાગળ છે, મારો મતું એટલે કે સહી કરો.' શાંતિભાઈને તો કાળા અક્ષર ભેંસ બરાબર. એ અભણ, એમણે તો પેલાની વાત પર ભરોસો રાખ્યો, ને ઝટ ધડ દઈને અંગૂઠો લગાવી દીધો ને પછી પેલાએ એને અંગૂઠો બતાવ્યો, એટલે કે દગો કર્યો. સહી કરાવી શાંતિભાઈની માલિકીની જમીન પચાવી પાડી, બોલો!'
પાયલ કહે, 'મોટી ઉંમરે કક્કો-બારાખડી શીખવા બેસું તો નહીં આવડે ને લોકો શું કહેશે એવી ખોટી શરમ ને બીક છોડી દે. શીખવા માટે કોઈ ઉંમર મોટી નથી, શું સમજી? જેને શીખતાં આવડે છે એને બધું આવડે છે.'
સરિતાએ ઘરના બધાની વાત માની લીધી, ને 'ક, ખ, ગ, ઘ..., એક, બે, ત્રણ, ચાર...' એમ શીખવાનું શરૂ થયું. આમ નવ દિવસ ગયા. દસમાં દિવસે સવારે પવને બારીમાંથી કાગડો ને કોયલ બતાવી કહ્યું, 'મમ્મી, ક કાગડાનો ક, ક કોયલનો ક...'
મમ્મીએ કલમથી કાગળ પર સરસ મજાનો 'ક' લખી કહ્યું, 'હા, ને કાગળનો ને કલમનોય ક હો!' આમ સરિતાને થોડા જ દિવસોમાં અક્ષરો ને આંકડા ઘૂંટતાં ને સમજતાં આવડી ગયું એટલે ઘરના બધા રાજીરાજી થઈ ગયાં ને એને શાબાશી આપી રહ્યા. ભાઈબહેન બેય ખુશીમાં નાચવાં લાગ્યાં, 'તાક ધીના ધીન ધીન...' એ જોઈ સરિતા અને શામજી પણ ભેગાં થઈ નાચવાં લાગ્યાં.