Get The App

સ્કૂલની ટુર .

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
સ્કૂલની ટુર                                                                                         . 1 - image


- અનિલનો નંબર આવ્યો. એ તો બેઠો બેઠો પણ ધૂ્રજતો હતો, કારણ કે તેની ત્રણ મહિનાની ફી બાકી હતી. લગભગ પાંચેક વાયદા પણ જતા રહ્યા હતા

- અર્જુનસિંહ કે. રાઉલજી 

લા લુ આજે ખુશ હતો. ખિસ્સામાં સ્કૂલની ટુરમાં જવાના પૂરા પૈસા લઈને આવ્યો હતો. કેટલી બધી મહેનત કરવી પડી. પપ્પા પાસેથી આ પૈસા કઢાવવા? મમ્મીને મનાવવી પડી પહેલાંતો... પણ મમ્મીના કહેવાથી પપ્પા ના માન્યા. પપ્પાની એક જ દલીલ હતી,'હાલ તો આટલા બધા પૈસા કાઢવા મુશ્કેલ છે, હાથ કડકીમાં છે. કેટલા બધા હપ્તા ચાલે છે! ક્યાંથી કાઢું આટલા બધા પૈસા?' મમ્મીએ ઘણા સમજાવ્યા, પણ પપ્પા એકના બે ના થયા. પછી દાદાની મદદ માગી, પણ દાદાનું પણ ના માન્યું પપ્પાએ. એક જ દલીલ, 'બાપુજી, તમે લાલુનું ઉપરાણું ના લેશો, બગડી જશે. હાલ મારી સ્થિતિ જ નથી આ પૈસાની વ્યવસ્થા કરવાનું...' છેવટે દાદાએ કહ્યું,'સારું બેટા, તારાથી વ્યવસ્થા ના થાય તો કંઇ નહીં, આ મારી સોનાની કંઠી ગીરવે મૂકીને હું મારા લાલિયાને જરૂર ટુરમાં મોકલીશ.' ત્યારે જ પપ્પા માંડ ઠેકાણે આવ્યા અને તેમને પૈસા આપ્યા હતા, ટુરમાં જવાના. 

લાલનું પોકેટ પૈસાથી ભરેલું હતું.      તે ખુશ થઈ ગયો હતો. તેની સોસાયટીનાં બધાં જ છોકરા-છોકરીઓ ટુરમાં આવવાનાં હતાં, તે બધાં જ ખુશ હતાં અને ગાતાં ગાતાં સ્કુલે આવ્યાં હતાં.

'ટુરમાં જવાનાં અમે ટુરમાં જવાનાં 

ખૂબ મજા અમે તો  બસ કરવાનાં...'

લાલુ અને ક્લાસનાં બધા જ વિદ્યાર્થીઓ વર્ગશિક્ષકના પિરીયડની રાહ જોતા હતા. ક્યારે વર્ગશિક્ષક ક્યારે આવે અને ટુરના પૈસા જમા કરાવીએ. કોઇને જાણે ભણવામાં રસ જ નહોતો. 

...અને પછી આવ્યો ક્લાસ ટીચરનો પિરીયડ. બધાંયે ઊભા થઈ સાહેબને આવકાર આપ્યો. વર્ગશિક્ષકે સૌથી પહેલાં હાજરી પૂરવાની શરૂઆત કરી.હાજરી પૂરતાં પૂરતાં જે વિદ્યાર્થીની ફી બાકી હોય તેને ઊભો કરે અને ફીની ઉઘરાણી કરે. જો તે વિદ્યાર્થી ફી લાવ્યો હોય તો તે જમા કરે, તેને પાવતી આપે. જો કોઇ ફી ના લાવ્યો હોય તો તેની પાસેથી ક્યારે ફી લાવશે તેની તારીખ પૂછે અને રજિસ્ટરમાં તે નોંધી લે. સાથે સાથે તેને ચેતવણી આપે કે જો આ તારીખે ફી નહીં લાવે તો તે દિવસે એને કાઢી મૂકવામાં આવશે, અને ફી લઈને આવશે પછી જ બેસવા દેવામાં આવશે. 

એમ કરતાં કરતાં અનિલનો નંબર આવ્યો. એ તો બેઠો બેઠો પણ ધૂ્રજતો હતો, કારણ કે તેની ત્રણ મહિનાની ફી બાકી હતી. લગભગ પાંચેક વાયદા પણ જતા રહ્યા હતા. હમણાં સાહેબ મને ઊભો કરશે અને મને બોલવાની પણ તક નહીં આપે, સીધો કાઢી જ મૂકશે... એ પણ શું કરે? તેના પિતાજી ચાર મહિનાથી બીમાર હતા, પથારીવશ હતા, કામ ઉપર જઈ શકતા નહોતા. આથી આવક બંધ થઈ ગઈ હતી. તેણે પોતાની માને કેટલી બધી વાર ફરિયાદ કરી હતી, પણ મા માથું કૂટીને કહેતી કે તારા બાપાની દવાના પૈસાની વ્યવસ્થા તો થતી નથી, તો તારી ફી ક્યાંથી લાવું, બેટા? 

સાહેબ અનિલનું નામ બોલ્યા. અનિલ ઉભો થયો. તે સાથે જ સાહેબનો ગુસ્સો ફાટી પડયો,'અલ્યા, તારી તો ચાર મહિનાની ફી બાકી છે, અને તેં કેટલી બધી વખત વાયદા કર્યા છે? પણ તારા કોઇ વાયદા પૂરા થયા નથી. આજે તો ફી લાવ્યો છેને?' સાહેબે તીવ્ર નજરે જોયું. અનિલ ઊભો ઊભો રડી પડયો. 

'આમ રડવાથી કંઇ વળે એમ નથી. તારાં આંસુંથી હું પીગળવાનો નથી. તું ફી લાવ્યો છે? ના લાવ્યો હોય તો બધાનો ટાઇમ બગાડયા વિના ઉપાડ તારું દફતર અને ચાલતો થા. ફીની વ્યવસ્થા થાય ત્યારે જ આવજે..'' 

અનિલ દફતર લઈ રડતો રડતો ચાલવા માંડયો. તેને જતો જોઈ લાલુ ઉભો થયો અને જોરથી બોલ્યો,'ઊભો રહે, અનિલ. તારે જવાની જરૂર નથી. તારી ફી હું ભરી દઉં છું...' કહી પોતાનું વોલેટ કાઢયું અને પ્રવાસમાં જવાના જે પૈસા તે ઘેર લડીને લાવ્યો હતો, તે બધા સાહેબના ટેબલ ઉપર મૂકી દીધા. એણે સાહેબને કહ્યું,'લઈ લો સર, અનિલની બધી જ ફી.' 

અનિલ ગળગળો થઈ ગયો. લાલુના ચહેરા પર ભરપૂર સંતોષ હતો. 

ઘેર પાછાં ફરતાં ફરતાં લાલુ ગાતો હતોઃ 

'ટુરમાં નહીં જવાના અમે, 

મજા કરવાના... 

ઘેર રહીને પણ અમે મજા કરવાના...'

Schooltour

Google NewsGoogle News