કંઠીનો વેપાર .
- કંઠીનો વેપાર કરીને ઊભા કરો છો વર્ગકંઠી કાંઠલે બાંધવાથી શું મળશે સાચું સ્વર્ગ?
એ ક ચારણ દૂર દૂરના ગામે જવા નીકળ્યો. રસ્તામાં તે થાકી ગયો. ભૂખ કકડીને લાગી. થોડાક આરામની જરૂર પણ જણાઈ.
સામે જ એક આશ્રય નજરે પડયો. તે એ આશ્રયમાં દાખલ થયો. તો જાણવા મળ્યું કે અહીં સહુ કોઈને ભોજન મળી રહે છે. શરત એટલી જ કે મહંતના શિષ્ય બનવું પડે.
ચારણને તો ભૂખ કકડીને લાગી હતી. તે ઝટ ને પટ શિષ્ય બની ગયો. તેને તો માલપૂડા અને દૂધપાક ઝાપટવા મળ્યાં. એક તો ભૂખ અને ઉપરથી આવાં માલપાણી. ચારણને તો મજા આવી ગઈ.
અરે એટલું ખાધું કે જમતાં જ ઝોકાં આવવા લાગ્યાં.
ત્યાં જ મહંત કહેવા લાગ્યા :
'લે બેટા, ગળામાં આ કંઠી બાંધી દે.'
'શું કામ?'
'તેં શિષ્ય બનવાનું સ્વીકાર્યું છે માટે.'
'ગુરુદેવ! શું કંઠી બાંધવાથી જ શિષ્ય બની શકાય?'
'હા બેટા, કંઠી બાંધવી અને ગુરુદક્ષિણા પણ આપવી પડે.'
ચારણ ચતુર હતો. તેણે વાત ચગાવી.
તે કહે : 'ગુરુદેવ, હું તમને ગુરુદક્ષિણા આપું તો તમે મને શું આપશો?'
મહંત બોલી ઊઠયા : 'સ્વર્ગ.'
તરત જ ચારણે કાગળ ઉપર કંઈક લખીને એ કાગળ મહંતશ્રીને આપી દીધો.
કાગળમાં લખેલું હતું : 'હે ગુરુદેવ! સુલતાનપુર અને મુલતાનપુરનું રાજ્ય હું તમને અર્પણ કરું છું.'
વાંચીને ગુરુદેવ બોલી ઊઠયો : 'શું સુલતાનપુર, મુલતાનપુર તારા બાપના રાજ્ય છે કે તું મને આપે છે?'
હસીને ચારણ કહે : 'ત્યારે સ્વર્ગ શું આપનું છે કે એ તમે મને આપો છો?'
જવાબ સાંભળી ગુરુદેવ આભા જ બની ગયા. ચારણે કંઠી વગેરે પાછું આપી દેતાં કહ્યું : 'સ્વર્ગ મેળવવા ખાતર આપની કંઠીની જરૂર નથી. સારાં કામ કરીશ તો એ હું મારી જાતે જ મેળવી લઈશ.'
જતાં જતાં પાછી બીજી મજાક પણ કરી, 'અને ગુરુદેવ! આ કંઠીબાજીમાં તમને ભૂલેચૂકે સ્વર્ગ મળી જાય તો આવજો, આપણી મુલાકાત સ્વર્ગમાં જરૂર થઈ જશે.'
બિચારા મહંત શું બોલે?
તેઓ એટલું જ બોલ્યા : 'આ તો મારોય ગુરુ નીકળ્યો.'
- હરીશ નાયક