રમત .
- ચોરને થયું: આ લે, આ તો સૂઈ ગઈ, ચાલો, હું થોડી પેટપૂજા કરી લઉ. ક્યારનું કશું જ પેટમાં ગયું નથી... અને એ નાસ્તો લઈને ખાવા માંડયો.
જસુબેન પંડયા
સ રસ મજાની ઢીંગલી જેવી દીકરી! નામ એનું પાનમી. અગિયારેક વર્ષની! મોટી મોટી આંખો! ગોળમટોળ ચહેરો, જે હંમેશા હસતો જ હોય અને હસે એટલે સરસ મજાના ઊંડા ખંજન પડે. લાંબા કાળા વાળ! સરસ મજાનો ચોટલો વાળેલો હોય અને નાચતી કૂદતી પાનમી સાથે ચોટલો પણ ડોલતો હોય!
પાનમી મમ્મી-પપ્પાની ખૂબ જ લાડકી.
આજે ઘરમાં એક વિકટ પરિસ્થિતિ ઊભી થઈ હતી. પાનમીના દાદીમાની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. પાનમીના અનંતકાકાએ પાનમીનાં મમ્મી-પપ્પાને તરત જ આવી જવા ફોન કર્યો હતો.
પાનમીના મમ્મી જરૂરી વસ્તુઓ ભેગી કરીને પછી બોલ્યા : 'પાનમીને તમારા ભાઈબંધ સુરેશભાઈને ત્યાં મૂકતાં જઈશું?'
'ના, મમ્મી, હું ઘરે જ રહીશ.' પાનમીએ કહ્યું.
'બેટા, તું એકલી રહી શકીશ?'
'હા! મમ્મા, તું ચિંતા ન કરતી! અહીં ફલેટમાં બધાં મારું ધ્યાન રાખે છે, અને હું દરવાજો બંધ કરીને હોમવર્ક કરીશ.'
'પણ...'
પાનમીના પપ્પા બોલ્યા : 'ભલે રહી ઘરે, કંઈ વાંધો નહીં નહીં.'
મમ્મી, પપ્પા અને પાનમીની આ વાતો એક માણસ સંતાઈને સાંભળી રહ્યો હતો એનો કોઈને ખ્યાલ નહોતો.
મમ્મી-પપ્પાને બાય કરી પાનમી ઘરમાં આવી. હોમવર્ક પૂરું કર્યું. થોડો નાસ્તો કર્યો અને આદત મુજબ ફલેટનો દરવાજો સહેજ અટકાવીને નીચે રમવા દોડી ગઈ.
હળવેકથી દરવાજો હડસેલી પેલી વ્યક્તિ અંદર દાખલ થઈને છૂપાઈ ગઈ.
પાનમીબેન થોડા સમય પછી બહેનપણીઓનું લશ્કર લઈને આવ્યાં. પાનમીના મમ્મી ઘરમાં ખૂબ નાસ્તો રાખતાં, કારણ કે પાનમી હંમેશા બહેનપણીઓને ઘરે લાવતી રહેતી.
બધાએ નાસ્તો કર્યો. ડાન્સ કર્યો, બધાં ખૂબ રમ્યાં. એમાં પણ દડાના અવાજ ગણી શબ્દ ઓળખવાની એમણે શોધ કરેલી રમત રમવાની ખૂબ મજા આવી. આ પાનમી અને તેની બહેનપણીઓએ શોધેલી કોડવર્ડની રમત હતી. દડાના બે અવાજ એટલે ઓકે, ત્રણ અવાજ એટલે... ચાર અવાજ એટલે... આવી સિક્રેટ ભાષા ઓળખીને રમવાની ખૂબ મજા આવી.
અંતે બધાં થાક્યાં. થોડીવાર વાચ્યું અને વાંચતા વાંચતાં સૂઈ ગઈ.
પાનમી ઊંઘમાં હતી ત્યારે તેને કંઈક ખખડાટ થયો હોય એવું લાગ્યું. થોડીવાર તે એમ જ પડી રહી.
કોઈક બાજુમાં આવીને ધીમેથી જોઈ ગયું હોય તેવું પાનમીએ અનુભવ્યું.
પાનમી હલનચલન કર્યાં વગર પડી રહી પછી ધીમેકથી એક આંખ ખોલી તે જોયું : અરે! આ ભાઈ તો હું રમવા ગઈ ત્યારે દાદર પાસે ઊભા હતા...! અરે, ફરીથી દરવાજો ખૂલ્લો રાખીને હું નીચે જતી રહી...! એણે મનોમન કપાળ ફૂટયું.
પાનમી પડખું ફરી, કંઈક બબડીને સૂઈ ગઈ છે તેવો દેખાવ કરીને પડી રહી.
પાનમી ઝડપથી વિચારવા માંડી : શું કરવું?
તેને એક સરસ વિચાર આવ્યો. તે ઊંઘમાં ચાલતી હોય તેમ ઊઠીને બંધ આંખે ચાલવા લાગી. ચોર ભડક્યો.
'મમ્મા, ભૂખ લાગી છે.' બોલીને તેણે ઊંઘમાં હોવાનો ઢોંગ કરીને, ફ્રીજમાંથી નાસ્તો બહાર કાઢ્યો. ખુરશી પર નાસ્તો મૂકીને બાજુના સોફા પર સૂઈ ગઈ.
ચોરને થયું: આ લે, આ તો સૂઈ ગઈ, ચાલો, હું થોડી પેટપૂજા કરી લઉ. ક્યારનું કશું જ પેટમાં ગયું નથી... અને એ નાસ્તો લઈને ખાવા માંડયો.
'મમ્મા, થોડું રમી લઉં? પછી જમું, હો!' બંધ આંખે પાનમી સોફા પરથી ઊભી થઈ અને બેડરૂમમાં ચાલી ગઈ. તેણે ફરીથી યાદ કરી લીધું.
દડો લઈને બેડરૂમની દીવાલ પર પછાડીને કેચ કરવા લાગી.
ચોરભાઈ જોઈ ગયા. કંઈ વાંધો નથી એવું લાગ્યું. નાસ્તો પૂરો કરીને ઘરમાં હાથફેરો કરવાનું વિચારવા લાગ્યો.
પાનમીના બેડરૂમની આ દીવાલ બાજુના ફલેટમાં રહેતી તેની બહેનપણી પૂર્વીના બેડરૂમ સાથે કોમન હતી.
પૂર્વી દડાનો અવાજ સાંભળીને ચોંકી. તેને કંઈક વિચિત્ર લાગ્યું
થોડીવાર પછી અવાજ બંધ થયો.
પછી દડાના ભટકાવાનો અવાજ ફરીથી શરૂ થયો.
પૂર્વી ધ્યાનપૂર્વક સાંભળવા લાગી.
ચાર થપકાર... પછી બંધ...
ચાર થપકાર... પછી બંધ
ચાર થપકાર... પછી બંધ
ચાર થપકાર... પછી બંધ
પૂર્વીએ ફરીથી ગણીને ચકાસી જોયું : શું હશે આ? તેણે થોડું વિચાર્યું ને એને સમજાઈ ગયું!
તેણે દીવાલ પર બે ટકોરા માર્યા...
બે ટકોરા... પછી બંધ
બે ટકોરા... પછી બંધ
પાનમીને હાશ થઈ.
તે પલંગ પર આવીને સૂઈ જવાનો ઢોંગ કરવા લાગી.
ચોરે જોયું : છોકરી તો આરામથી સૂતી છે.
બધું સમેટીને જવા માટે ચોરે દરવાજો ખોલ્યો... પણ આ શું? સામે પૂર્વી, પૂર્વીનાં મમ્મી-પપ્પા અને સાસાયટીના સિક્યોરિટીના માણસો ઊભાં હતાં.
પૂર્વી દોડીને પાનમી પાસે ગઈ અને બંને બહેનપણીઓ એકબીજાને ભેટી પડી. એટલી વારમાં તો પોલીસના માણસો પણ આવી ગયા.
શું મેસેજ મોકલ્યો હતો પાનમીએ? શું સમજી હતી પૂર્વી?
ચાર થપકારનો મેસેજ હતો : હેલ્પ... H. E. L. P. તેનો જવાબ બે ટકોરા હતો : ઓ. કે...O. K.
બીજે દિવસે દરેક સમાચારપત્ર બંને દીકરીઓની પ્રશંસાથી ભરપૂર હતા.
પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બન્નેને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.