Get The App

કીડી અને કાબર .

Updated: Aug 11th, 2023


Google NewsGoogle News
કીડી અને કાબર                                      . 1 - image


- કીડીને એવી ચિંતા પણ સતાવવા લાગી કે શું હવે મારાથી ક્યારેય ભણી નહીં શકાય? ને મારું સપનું ક્યારેય સાચું નહીં પડે?

- કિરીટ ગોસ્વામી

ના નકડી કીડી એક દિવસ હરખે-હરખે સ્કૂલે ગઇ. તેનાં મનમાં હતું કે, બધાંય ભણે છે તેમ હું પણ ખૂબ ભણીશ. ઘણું નવું-નવું શીખીશ. કેટલાય મિત્રો બનાવીશ. પછી ખૂબ આગળ વધીશ!

...પણ એ તો જેવી સ્કૂલે ગઇ કે તરત જ બધાંય તેની મજાક કરવા લાગ્યા. બધાંય તેને કહેવા લાગ્યા કે, 'તારાથી ન ભણાય, કારણ કે તું સાવ નાની છો. ભણતર તો શું, તારાથી તો પાટી કે પેન પણ ન ઉપડે! ને તને કંઇ આવડે પણ નહીં!'

આવું ઘણું બધું બધાએ કહ્યું એટલે કીડીને તો ખૂબ લાગી આવ્યું. જે સપનું લઈને તે સ્કૂલે ગઇ હતી એ જાણે કે તૂટવા લાગ્યું. ઉપરથી બધાંએ તેને કેવી કેવી વાતો સંભળાવીને તેનું અપમાન કર્યું. આથી કીડીનું મન તો સાવ ભાંગી પડયું.

ઘેર પાછા જવાને બદલે કીડી તો એક ઝાડ નીચે બેસી ગઇ. નિરાશ કીડીને એ સમજમાં નહોતું આવતું કે બધાએ તેની સાથે આવું વર્તન શા માટે કર્યું? સાથે-સાથે કીડીને એવી ચિંતા પણ સતાવવા લાગી કે શું હવે મારાથી ક્યારેય ભણી નહીં શકાય? ને મારું સપનું ક્યારેય સાચું નહીં પડે?

કીડી આવા બધા વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં તેને કોઇનો અવાજ સંભળાયો- 'કીડી! અહીં બેઠી શું વિચારે છે?'

કીડીએ સામે જોયું તો કૂકૂ કાબર હતી.

કૂકૂએ ફરી પૂછયું- 'શું થયું છે? કીડી! આમ નિરાશ કેમ લાગે છે તું?'

કીડીએ તો રડમસ અવાજે કહ્યું- 'જોને યાર કૂકૂ! આ હું તો હરખભેર સ્કૂલે ગઇ હતી, પણ ત્યાં તો બધાએ મારી મજાક કરી!'

'ઓહ! તો તારે ભણવું છે, એમ ને?' કૂકૂએ પૂછયું.

જવાબ આપતાં કીડીએ કહ્યું- 'હા, મારે ખૂબ ભણવું છે. ખૂબ આગળ વધવું છે!' 'પણ સ્કૂલમાં તો તારી મજાક થઈ! ને બધાંએ તને પરેશાન કરી! એટલે તું નિરાશ અને દુઃખી છે. બરાબર ને?' કૂકૂએ પૂછયું.

'હા,હા, મને એ જ વાતનું દુઃખ અને ચિંતા છે કે,હવે હું કેવી રીતે ભણીશ?' કીડીએ જવાબ આપ્યો.

કૂકૂ કાબર બોલી - 'અરે, એમાં ચિંતા કરવાની શું જરૂર છે? ચાલ, હું તને ભણાવું!'

'તું, મને ભણાવીશ? સાચ્ચે?' કીડીએ પૂછયું.

'હા,હા, કેમ નહીં! હું તને બધું જ શીખવાડીશ! ' કૂકૂએ કહ્યું.

'યે.. ' કીડી તો ખૂબ રાજી થઇ ગઇ.

પછી તો બીજા જ દિવસથી કીડીનું ભણતર શરૂ થઇ ગયું.

કૂકૂ કાબર કહે કીડીને-

'શીખવું એબીસીડી?'

'હા-હા' કરતી રાજી થઇ ગઇ,

નાની અમથી કીડી!

કૂકૂ લાવી નોટબુક,

ને લાવી સુંદર પેન

એબીસીડી લખી કહ્યું કે,

'લખો ને કીડીબેન!'

કીડી તો બહુ સ્પીડી,

લખી ગઇ નોટનાં પાનાં દસ!

જરાય મોઢે થાક નહીં

બસ, કરતી હસાહસ!

એમ ફટાફટ શીખી ગઇ,

કીડી તો એ ટુ ઝેડ!

કૂકૂ પાસે ભણી-ગણીને,

થઈ રાજીનાં રેડ!'   


Google NewsGoogle News