એક ચોગ્ગાનો એક આનો .
- હારની બાજી ડ્રોમાં જાય ત્યારે જીત જેટલો જ આનંદ થાય
- અમ્પાયર બોલ ગણે તેમ આપણે આના ગણીશું
- ભારતની પાળી દોઢ દિવસ ચાલી હતી. બે દિવસ વિલાયતી બાબુઓ રમતા રહ્યા. યુ.કે. બસો જેટલા રન વધારે કરી ગયું હતું. ભારતે છેલ્લા દિવસ સુધીમાં બસોની લીડ પૂરી કરવાની હતી...
- વિનુ માંકડના કેટલાક વિક્રમોમાંનો એક એવો વિક્રમ જે તમને અહીં જ વાંચવા મળશે.
- કોઈક ઓવર વળી ખાલીય જાય, પણ જ્યારે ફટકો મારે ત્યારે જરૂર બોલે : 'હજારે, આ બીજો આનો.'
વિ નુ માંકડનું ક્રિકેટમાં મોટું નામ છે. તેમના કેટલાક વિક્રમો છે પણ તેમાં એક વિક્રમ સાવ જુદી જાતનો છે. કદાચ આજ સુધી એ વિક્રમ કોઈ તોડી શક્યું નથી.
એ વિક્રમ છે : પાંચેપાંચ દિવસ મેદાન પર રહેવાનો. મેચ શરૂ થઈ ત્યારથી પૂરી થઈ ત્યાં સુધી વિનુભાઈ પીચ પર જ રહ્યા.
હવે આવું કેવી રીતે બન્યું તે જુઓ.
વિનુ માંકડ આપણા ઓપનિંગ ખેલાડી હતા. મેચ શરૂ થઈ, વિનુ અને વિજયે રમતની શરૂઆત કરી.
ત્યારે મોટે ભાગે ઈંગ્લેન્ડ સામે જ મેચ યોજાતી. મેચ આગળ વધી તો એક પછી એક વિકેટ પડતી ગઈ, પણ વિનુભાઈ અકબંધ. ભારતના દશેદશ ખેલાડી આઉટ થયા પણ વિનુ માંકડ 'બેટ ઈન હેન્ડ' હતા. એટલે કે તેઓ આઉટ થયા જ ન હતા.
હવે બ્રિટિશ ખેલાડીઓ રમતમાં આવ્યા. વિનુ ઓલરાઉન્ડર. પ્રખ્યાત બોલર અને ફિલ્ડર તો ખરો જ.
ભારતની પાળી દોઢ દિવસ ચાલી હતી. બે દિવસ વિલાયતી બાબુઓ રમતા રહ્યા. યુ.કે. એટલે કે યુનાઈટેડ કિંગ્ડમ બસો જેટલા રન વધારે કરી ગયું હતું. ભારતે છેલ્લા દિવસ સુધીમાં બસોની લીડ પૂરી કરવાની હતી અને વધારે જેટલા રન થાય તેટલા કરવાના હતા.
ચોથા દિવસની સાંજ સાચવવાની હતી. જો એ સાંજે ટપોટપ વિકેટ પડી જાય તો હાર નક્કી જ. બસો રનમાં બાજી સમેટાઈ જાય તો ગયા!
વિનુ અને વિજય સંભાળપૂર્વક રમવા લાગ્યા. રન ન થાય તો ભલે. આઉટ નથી થવું. આમેય મેચ ડ્રોમાં જ જવાની હતી.
તેમની ધીમી અને પાટિયાછાપ રમતથી ઈંગ્લિશમેનો ખિજવાઈ ગયા. ગમે તેમ બોલિંગ નાખવા લાગ્યા. કોઈ લૂઝ બોલ આવે કે ફટકો માર્યો જ સમજો.
છેલ્લા દિવસની રમત કટોકટીની હતી. ભારત અગાઉ પણ બસો રનમાં આઉટ થઈ ગયું હતું. ઓછા રને આઉટ થવાનો ભારતનો વિક્રમ હતો.
પાંચમો દિવસ શરૂ. પ્રાર્થનાઓ શરૂ. આગલી સાંજે ૪૩ રન કર્યા હતા. આજે ૧૫૭ રન કરવાના હતા. એટલે કે રન પહેલાં આઉટ થવાનું ન હતું. અને કોઈક એવી યુક્તિ કરવાની હતી કે રમત ઠેઠ સાંજ સુધી ચાલે જ ચાલે.
વિજય હજારેએ શરત લગાવી : 'વિનુ, જો તું એક ચોગ્ગો મારે તો મારે તને એક આનો ઈનામમાં આપવો.'
વિનુએ પૂછયું : 'ગજવામાં કેટલા આના છે?'
વિજય કહે : 'અમ્પાયર બોલ ગણે તેમ આપણે આના ગણીશું. હિસાબ પછી પેવિલિયનમાં.'
અને ખરેખર શરત શરૂ થઈ. એક ઓવરમાં વિનુ એકાદ ચોગ્ગો તો ફટકારે જ અને સામસામા બંને ક્રોસ થાય ત્યારે વિનુ હજારેને કહે : 'એક આનો.'
કોઈક ઓવર વળી ખાલીય જાય પણ જ્યારે ફટકો મારે ત્યારે જરૂર બોલે : 'હજારે, આ બીજો આનો.'
એમ જ પછી ત્રીજો. અને એક ઓવરમાં તો વિનુએ બે ચોગ્ગા ફટકારી દીધા. તે હજારેને કહે : 'પાંચ આના થયા દોસ્ત.'
'બરાબર છે', વિજય હજારે કહે : 'હાંકે રાખ.'