ખાસડાં ખાઈ શુકન લીધા! .
દૂ રદૂરથી ચાર જણા કબીરજીને મળવા નીકળેલા. વહેલી સવારે ગંગાકિનારે આવ્યા ત્યારે સામે એક ટાલિયો માણસ મળ્યો.
એક કહે : 'અલ્યા વહેલી સવારે ટાલના દર્શન તો અપશકુન કહેવાય. આ ટાલિયાએ આપણને અપશુકન કરાવ્યા છે. શું કરીશું?'
બીજો કહે : 'મારો એને ખાસડાં, એટલે અપશુકન દુર થશે.'
ઉઘાડી ટાલ ઉપર સટાક-પટાક ચાર ખાસડાં પડયાં.
પેલો ટાલિયો કંઈ ન બોલ્યો. ખાસડાં ખાઈ ગંગાસ્નાન માટે જતો રહ્યો.
પેલા ચારેય તો કબીરજીને શોધતા શોધતા ગામમાં આવ્યા.
તેમણે પૂછયું : 'કબીરજી અહીં જ રહે છે?'
કબીરજીનાં પત્ની કહે : 'હા, પણ સ્નાન કરવા ગયા છે. બેસો.'
પેલા ચાર માણસોના મનમાં કે કબીરજીને તો હવેલી હશે. હિંડોળા ઉપર હીંચતો હશે અને આ શું? આ તો સાવ નાની સરખી ઝુંપડી.
તેમણે પૂછયું : 'કબીરજી કોઈ વાહનમાં ગયા હશે?'
પત્ની કહે : 'ના જી. ચાલતા જ ગયા છે. થોડી વાર થશે. બેસો તો ખરા!'
એ ચારેય મહાનુભાવો બેઠા.
સમય થતાં એ ઝુંપડી તરફ જ પેલો ટાલિયો આવ્યો.
ચારે ઊભા થઈ ગયા. પૂછયું : 'આ ટાલવાળો આવે છે તે કોણ છે!'
સ્ત્રી કહે : 'એ જ મારા પતિ. તમે જેને મળવા માંગો છો તે એ જ.'
ચારે તો મુંઝવણમાં મુકાઈ ગયા. અરે! કબીરજી આ જ? પણ આપણે તો એને માથે ખાસડાં...
આવતાંની સાથે જ કબીરજીએ તેમનું સ્વાગત કર્યું. પત્નીને કહ્યું : 'અરે! મહેમાનો માટે કંઈ શિરામણ તો લાવ. આમ શું બેસાડી રાખ્યા છે એમને?'
ચારે જણા કબીરજીને પગે પડીને કહે : 'માફ કરો, કબીરજી અમને. અમે તો તમને ખાસડાં માર્યાં છે છતાં તમે અમારું સ્વાગત કરો છો?'
હસીને કબીરજી કહે : 'ભાઇઓ! તમને તો અપશુકન થયા હતા એટલે ખાસડાંથી તે દૂર કરતા હતા. પણ હું જો ઘરે આવેલા મહેમાનનું સ્વાગત ન કરું તો મને અપશુકન થાય અને એ અપશુકન કંઈ ખાસડાથી થોડા જ દુર થાય? અરે,એ અપશુકન તો હું સાત જનમનાં ખાસડાં ખાઉં તો પણ દૂર થાય નહીં!'
કબીરવાણી સાંભળી ચારેય જણા ધન્ય થઈ ગયા. તેમણે કબીરજીની મહેમાનગતિ પણ માણી અને બદલામાં કબીરે શુકન-અપશુકન તૂત છે એ અજ્ઞાન પણ તેમના ભેજામાંથી દૂર કર્યું.
- હરીશ નાયક