માતા આપણાં સહુની .
- હરીશ નાયક
ભા રતમાતા આપણા સહુની માતા છે. એ માતાએ જેમ અમને
સંસારીઓને જન્મ આપ્યો છે તેમ તમને સાધુઓને પણ જન્મ આપ્યો છે
ભારતમાતા સાધુસંતોની માતા ખરી કે નહીં?
આખો દેશ આઝાદી માટે લડે. બ્રિટિશ સલ્તનત સામે એક એક માનવીએ માથું ઊંચક્યું હતું. અમીર, ગરીબ બધાં જ દેશની મુક્તિ માટે એક થઇ ગયા હતા. લોકો હોંશે હોંશે ગોળીઓ ખાતા હતા. જેલમાં જતા હતા. ત્યારે અહિંસા અને પકડાપકડીથી કેટલાક સાધુઓ ખળભળી ઉઠયા. તેઓ રવીન્દ્રનાથ ટાગોર પાસે પહોંચ્યા. કહેવા લાગ્યા : 'ગુરૂદેવ, આ બધી ધમાલમાંથી તો લોકોને તમે જ ઉગારી શકો તેમ છો. આખી દુનિયા ભગવાનની બનેલી છે. બધી જ ભગવાનની માયા છે. એમાં વળી આપણું પરાયું શું? આ ભૂમિ મારી. આ જમીન તમારી. આ દેશ અમારો. આ રાજ્ય તમારું, એ તો બધો મિથ્યા વિવાદ છે. બધું અહીંનું છે, અહીં જ રહેવાનું છે, પછી એને ખાતર નાહક આ હિંસાખોરી - કાપાકાપી?'
ગુરુદેવનું તો આ સાંભળી લોહી ઊકળી ઊઠયું. છતાં તેમણે કહ્યું : 'સાધુજનો! આપની માતા પૃથક્ ખરી કે નહીં?'
'ખરી!'
'આપ શું આપની માતાને જ અહીં મૂકીને અવસાન પામવાના ખરા કે નહીં?'
'ખરા.'
'તો શું એટલા ખાતર આપ આપની માતાનું અપમાન થવા દેશો?'
સાધુજનો સહેજ ચમક્યા.
ગુરુદેવ નારાજ થઇ ઊઠયા હતા.
તેમણે કહ્યું : 'વેદાંતીઓ! આપશ્રીની માતા તો જીવતી હશે જ!'
'છે જ.'
'શું આપ એ માતાઓનાં માથાં કાપીને લાવી શકશો?'
'આપ આ શું કહો છો, ગુરુદેવ?' વેદાંતીઓ બોલી ઉઠયા.
'ખેર!' ગુરુદેવે કહ્યું, 'આપ તો અહિંસક રહ્યા. કોઈ બીજા પાસે આપની માતાનું અપમાન કરાવશો? આપની માતાનું માથું કપાવી તે બીજાઓને ભેટ ધરશો?'
અહિંસક સાધુજનો ગુરૂદેવ પર વધુ ગુસ્સે થઇ ગયા.
તેઓ કહે : 'આપ આ વળી કેવી વાત કરવા લાગ્યા છો? અમારી માતાનાં માથાં કાપવાની વાત શું કામ કરો છો?'
ગુરુદેવ ટાગોર કહે : 'એટલા ખાતર કે માતૃભૂમિ પણ એક માતા જ છે. અરે, એ તો માતાનીય માતા છે. અને દરેકની માતાનું સન્માન કરવું આપણી ફરજ છે. આપણે એમની માતાનાં માથાં કાપવા જતાં નથી, તો પછી એ લોકો આપણી માતાનાં માથાં કાપવા શું કામ આવે છે? અને શું આપણી માતાનાં માથાં કપાતાં હશે ત્યારે આપણે ચૂપ રહીશું? મુક્તિ એ આપણી માતાનું માથું છે. એ કપાયેલું તમે જોઈ શકશો?'
સાધુજનોને જ્ઞાન મળી ગયું. ગુરુદેવ કહે : 'ભારતમાતા આપણા સહુની માતા છે. એ માતાએ જેમ અમને સંસારીઓને જન્મ આપ્યો છે, તેમ તમને સાધુઓને પણ જન્મ આપ્યો છે. માતાની એ આઝાદી માટે અમારે મરી ફીટવું જરૂરી છે, તો આપને માટે જરૂરી નથી? શું આપ એ માતાના પુત્ર નથી?'
સાધુઓ પણ દેશના મુક્તિજંગના લડવૈયા બનીને ત્યાંથી ઊભા થયા. આઝાદીની આગમાં ઝંપલાવવાની તેમણે પણ પ્રતિજ્ઞા લીધી.
આપણા આ ગુરુદેવે જ આપણું રાષ્ટ્રગીત 'જન ગણ મન અધિનાયક...' લખ્યું છે. જ્યારે જ્યારે આ ગીત આપણે લલકારીએ છીએ ત્યારે રાષ્ટ્રીય કવિવર રવીન્દ્રનાથ ટાગોરની યાદ આવી જાય છે.